World Day Against Child Labour: ‘બાળકોના સર્વાંગી વિકાસ માટે તેઓને ફરજિયાત અભ્યાસ માટે પ્રોત્સાહન આપવું: મદદનીશ શ્રમ આયુક્ત
World Day Against Child Labour: ૧૨ જૂન- ‘વિશ્વ બાળ મજૂરી વિરોધી દિન’
નાયબ શ્રમ આયુક્ત કચેરી-સુરતની કચેરી દ્વારા શહેર-જિલ્લામાંથી વર્ષ ૨૦૨૩-૨૪માં અત્યાર સુધી ૫૩ રેડ કરીને ૧૭ બાળશ્રમિકોને મુક્ત કરાયા
- World Day Against Child Labour: દરેક નાગરિકે નૈતિક જવાબદારીના ભાગરૂપે બાળમજૂરીના દૂષણને નાથવા આવશ્યક પ્રયત્નો કરવા: મદદનીશ શ્રમ આયુક્ત એચ.એસ.ગામીત

ખાસ અહેવાલ: વૈભવી શાહ
સુરત, 11 જૂન: World Day Against Child Labour: સમાજના દૂષણ સમાન ‘બાળમજૂરી’ અટકાવવા તેમજ તે અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી આઈ.એલ.ઓ (ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન) દ્વારા વર્ષ ૨૦૦૨થી દર વર્ષની તા.૧૨ જૂનને ‘બાળમજૂરી વિરોધી દિન’ તરીકે ચિન્હિત કરવામાં આવ્યો છે.
દેશનું ભાવિ ગણાતા બાળકો ગરીબી અને મજબૂરીને કારણે મિલ કે ફેક્ટરીમાં મજૂરી, ખેતીકામ, નાનો વ્યવસાય કે કોઈ લારી/હોટલ પર કામ કરવા મજબુર બને છે. જે કારણે તેઓનો સર્વાંગી વિકાસ રૂંધાય છે. અભ્યાસ, રમત-ગમત કે મનોરંજનના અધિકારથી પણ વંચિત રહી જાય છે. કેટલાક કિસ્સાઓમાં બાળમજૂરો કુસંગ, ગુન્હાખોરી કે વ્યસનના આદિ બની જાય છે.
દેશ કે સમાજ માટે પડકારરૂપ આ સમસ્યાને નાથવા ચોક્કસ પગલાં આવશ્યક હોવાથી નિયત ધારા-ધોરણોને આધીન બાળમજૂરોના હિતાર્થે કામ કરતી નાયબ શ્રમ આયુક્ત(ચાઈલ્ડ લેબર)ની કચેરી દ્વારા નિયમિત ધોરણે કાર્યવાહી કરી બાલ શ્રમયોગીઓના પુનર્વસનની કામગીરી કરવામાં આવે છે.
આ પણ વાંચો:- PMAY: 3 કરોડ મકાનો પીએમ-આવાસ યોજનામાં બનાવવાના નિર્ણયને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
સુરત જિલ્લાની વાત કરીએ તો, જાન્યુ.૨૦૨૩થી મે-૨૦૨૪ સુધીમાં કુલ ૫૩ રેડ કરીને ૧૭ બાળ શ્રમિકો(૧૪ વર્ષથી ઓછી વયના)ને મુક્ત કરી તેઓને કામે રાખતી ૧૨ સંસ્થાઓ સામે FIR કરવામાં આવી છે. જેમાં ૧ બાળક ગુજરાતનું જ હોવાથી તેનું પુન:શિક્ષણ શરૂ કરવાં આવ્યું છે. અને આ જ સમયગાળા દરમિયાન ૧૪-૧૮ વર્ષના ૮૪ તરુણ શ્રમયોગીઓને રાખતી કુલ ૫૨ સંસ્થાઓને નિયમનની નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં ગત વર્ષે કુલ ૩.૧૦ લાખનો અને વર્તમાન વર્ષે હાલ સુધીમાં ૧.૨૦ લાખ દંડ ફટકારાયો હતો.
આ અંગે માહિતી આપતા મદદનીશ શ્રમ આયુક્ત એચ.એસ.ગામીતે જણાવ્યું હતું કે, સુરતમાં વ્યવસાય અર્થે આવતા પરપ્રાંતીય લોકો વધુ આવતા હોવાથી બાળ કે તરુણ શ્રમયોગીઓ મુખ્યત્વે ઝારખંડ,બિહાર,રાજસ્થાન સહિતના રાજયોમાં થી ઝરીકામ, ટેક્સટાઇલ, હોટલ-રેસ્ટોરન્ટ, ઈંટની ભઠ્ઠી, બાંધકામ, ગોળ બનાવવાના કોલા પર રોજગારી અર્થે કામ કરતાં જોવા મળે છે. જેમાં બાળ શ્રમયોગીઓને કામના સ્થળેથી રેસ્ક્યૂ કરી બાળ સુરક્ષા સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે.

જ્યાં બાળકો સાથે પરામર્શ કરી યોગ્ય ચકાસણી તેમજ માતા-પિતાને બાળમજૂરી અંગે પુરતી સમજ આપી બાળકો તેઓને સોંપવામાં આવે છે. બાળશ્રમિક રાખતી સંસ્થા વિરુધ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ તરુણ શ્રમયોગી રાખતી સંસ્થાને નોટિસ ફટકારી જરૂરી કિસ્સામાં કોર્ટ કેસ કરવામાં આવે છે.
વધુમાં તેમણે નાયબ શ્રમ આયુક્તની કચેરી,સુરત દ્વારા સમયાંતરે સ્ટીકર, પોસ્ટર, પેમ્પલેટ, કેલેન્ડર તેમજ સેમિનાર, સ્ટ્રીટ પ્લે કે નાટ્યકૃતિ દ્વારા બાળમજૂરી અંગે લોકજાગૃતિ લાવવા યોજાતા કાર્યક્રમોની માહિતી આપી હતી. સાથે જ મદદનીશ શ્રમ આયુક્તશ્રીએ બાળકોના સર્વાંગી વિકાસ માટે તેઓને ફરજિયાત અભ્યાસ માટે પ્રોત્સાહન આપવાનું જણાવી દરેક નાગરિકને નૈતિક જવાબદારીના ભાગરૂપે બાળમજૂરીના દૂષણને નાથવા આવશ્યક પ્રયત્નો કરવા જરૂરી બને છે. લોક જાગૃતિ માટે બાળમજૂરી અંગે ફરિયાદ નોંધાવવા રિપોર્ટિંગ એજન્સીઓની જાણકારી આપી હતી.
રિપોર્ટિંગ એજન્સીઓ ‘પેન્સિલ’ પોર્ટલ ઉપર કૅમ્પલેઇન કોર્નર, કોઈ પણ પોલીસ સ્ટેશન/એસજેપીયુ, ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ, રાજ્ય કે જિલ્લામાં આવેલા શ્રમ આયુક્ત વિભાગમાં, ૧૦૯૮ ચાઇલ્ડ લાઇન, જિલ્લા નોડલ અધિકારી કે કોઈ પણ શ્રમિકોના પ્રશ્નો માટે કાર્યરત 155372 શ્રમિક હેલ્પલાઈન પર કોઈ પણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે છે.
બાળમજૂરી (પ્રતિબંધ અને નિયમન) ધારો ૧૯૮૬
નોંધનીય છે કે, બાળમજૂરી (પ્રતિબંધ અને નિયમન) ધારો ૧૯૮૬ અનુસાર ૧૪ વર્ષથી નીચેના બાળશ્રમિક કે ૧૪ થી ૧૮ વર્ષના તરુણ શ્રમયોગીઓને જીવન અને આરોગ્ય માટે જોખમરૂપ પ્રક્રિયામાં શ્રમિક રૂપે ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. આ ગુના બદલ માલિકને રૂ.૨૦ હજારથી રૂ.૧ લાખ સુધીનો દંડ અથવા ૬ મહિનાથી ૨ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.