Employment training for youth: યુવાધનને રોજગાર સંબંધી તાલીમ મળી રહે તે માટે રાજય સરકાર કટિબધ્ધઃ રાજેન્દ્ર ત્રિવેદી
- ‘સેવાસેતુ’’ કાર્યક્રમના સાત તબક્કમા કુલ ૪૧,૧૪,૭૯૯ અરજીઓ પૈકી કુલ ૪૧,૧૪,૪૮૯ અરજીઓનો નિકાલ સાથે ૯૯.૯૯% અરજીઓનો નિકાલ
- દેશની આઝાદીની ચળવળમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને રૂ.૧૦,૦૦૦/- અને તેમના આશ્રિતોને રૂ.૭,૦૦૦/- માસિક પેન્શન ચૂકવવા માટે રૂ.૨૦૫.૦૦ લાખની જોગવાઇ
- વિધાનસભા ખાતે સામાન્ય વહીવટ વિભાગની મંત્રી પરિષદ અને ચૂટણી પ્રભાગની માગણીઓ મંજૂર
Employment training for youth: વર્ષ ૧૯૯૨ થી નવેમ્બર-૨૦૨૧ સુધી સંસ્થામાંથી કુલ ૨૩૮ ઉમેદવારો અખિલ ભારતીય મુલ્કી સેવામાં પસંદગી
ગાંધીનગર, ૧૬ માર્ચ: Employment training for youth: મહેસૂલમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે કે,કોઇપણ સરકારની સફળતાના પાયામાં તેનું પારદર્શક અને આધુનિક ઉપાયો સાથે સુસંગત એવુ વહીવટી તંત્ર જરૂરી છે. આ વહીવટી તંત્રને સુદ્રઢ બનાવવા અને સતત સુધારણાથી નવપલ્લિત રાખવા નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ સામાન્ય વહીવટ વિભાગ માટે ૨૦૨૨-૨૩ના વર્ષમાં રૂ.૨૧૪૬.૩૭ કરોડનું બજેટ ફાળવી કરવામા આવી છે. સામાન્ય વહીવટ વિભાગમાં કર્મચારી/ અધિકારીઓની ભરતી ન્યાયપૂર્ણ પારદર્શી અને પક્ષપાતરહિત થાય તે માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને રૂ.૧૪.૧૫ કરોડ અને ગુજરાત જાહેર સેવા આયોગને રૂ.૩૪.૯૬ કરોડ ફાળવવામાં આવ્યા છે.
મંત્રીએ ઉમેર્યુ કે, કેન્દ્રિય જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી અખિલ ભારતીય મુલ્કી સેવા અને તેની સંલગ્ન પરીક્ષામાં સફળતા મેળવી IAS/IPS/IFS બનવાની મહત્વાકાંક્ષા ધરાવતા ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી યુવકો/યુવતીઓને ઉચ્ચ કક્ષાની તાલીમ મળી રહે તે હેતુસર સ્પીપા અમદાવાદ અને તેના નિયંત્રણ હેઠળનાં પ્રાદેશિક તાલીમ કેન્દ્રો (અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ) તેમજ ગુજરાત કોમર્સ કોલેજ, અમદાવાદ ખાતે કુલ ૫૦૦ ઉમેદવારોને પ્રવેશ પરીક્ષાનાં માધ્યમથી મેરીટવાઈઝ અને રાજ્ય સરકારના પ્રવર્તમાન અનામત નીતિ મુજબ કેટેગરીવાઈઝ ઉમેદવારો ભરીને તેમને સઘન તાલીમ આપવામાં આવે છે અને તાલીમ દરમિયાન પ્રોત્સાહન સહાય/ઈનામ આપવામાં આવે છે. વર્ષ ૧૯૯૨ થી નવેમ્બર-૨૦૨૧ સુધી સંસ્થામાંથી કુલ ૨૩૮ ઉમેદવારો અખિલ ભારતીય મુલ્કી સેવામાં પસંદગી કરાઈ છે.
તેમણે ઉમેર્યુ કે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પ્રજાની આવકના દાખલા, રાશન કાર્ડ, આધાર કાર્ડ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વિધવા સહાય યોજના, વૃધ્ધ નિરાધાર સહાય યોજના, લર્નીંગ લાયસન્સ, સાતબાર/આઠ-અના પ્રમાણપત્રો, બસ કન્સેસન પાસ, નવું બેંક એકાઉન્ટ ખોલાવવું, દિવ્યાંગતા પ્રમાણપત્ર, પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર, પી.એમ.જયમાં અરજી, લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરેને લગતી કુલ ૫૬ સેવાઓ સ્થળ પર મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે.
ગ્રામ્ય કક્ષાએ ૬ થી ૮ ગામો વચ્ચે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં, શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા વિસ્તારમાં સમગ્ર સમયગાળા દરમ્યાન ૪ થી ૧૦ કાર્યક્રમો નાયબ મ્યુનિસિપલ કમિશ્ન્રરની અધ્યક્ષતામાં અને નગરપાલિકા વિસ્તારમાં ૪ થી ૫ વોર્ડનું એક યુનિટ બનાવી સમગ્ર રાજ્યની તમામ નગરપાલિકાઓમાં ૨ થી ૩ કાર્યક્રમ જિલ્લા મ્યુનિસિપલ અધિકારીની અધ્યક્ષતામાં દર અઠવાડિયે શુક્રવાર અને શનિવારે યોજાય છે. ‘સેવાસેતુ’’ કાર્યક્રમ (તબક્કા-૭ )માં કુલ ૪૧,૧૪,૭૯૯ અરજીઓ મળેલ હતી જેમાંથી કુલ ૪૧,૧૪,૪૮૯ અરજીઓનો નિકાલ એટલે કે ૯૯.૯૯% અરજીઓનો નિકાલ કરાયો છે.
મંત્રીએ ઉમેર્યુ કે,રાજયમાં માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ અરજદાર તેની અરજી ઓનલાઇન કરી શકે તે સેવા તા.૩૦/૧૧/૨૦૨૧ થી શરૂ કરેલ છે. જેમાં સચિવાલયના વિભાગો માટે Right to Information Web Portal શરૂ કરવામાં આવેલ છે. અરજદાર ભરવાની થતી ફી પણ ઓનલાઇન ભરી શકે છે. ગુજરાત રાજ્યના નાના ગામડાથી શરૂ કરીને શહેરોના સર્વાંગી વિકાસમાં ખુટતા કડીરૂપ નાના નાના વિકાસના કામો માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ તથા આપનો તાલુકો વાયબ્રન્ટ તાલુકો યોજના અંતર્ગત ૧૩૦૬.૨૫ કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે.
કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિને મદદરૂપ થવા સભ્યો દ્વારા સૂચિત તેમના વિસ્તારના વિકાસના કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ ૨૦૨૦-૨૧ના વર્ષમાં મુલત્વી રાખવામાં આવી હતી અને ૨૦૨૧-૨૨ ના વર્ષે આ મહામારીને સંબંધિત હોસ્પીટલો/ દવખાનાઓમાં અધતન મશીનો/ સાધનો ખરીદવા દરેક ધારાસભ્યોએ ઓછામાં ઓછી રૂ.૫૦.૦૦ લાખની રકમ ફાળવવાના નિર્ણય સહિત તેમજ આ કામો ઝડપથી થઇ શકે તે માટે તા.૩૧-૭-૨૦૨૧ ના રોજ સંપૂર્ણ ગ્રાન્ટ જિલ્લાના હવાલે મુકવામાં આવી હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજનની ગ્રાન્ટ તાલુકા સેન્ટ્રીક એપ્રોચ અપનાવીને તાલુકામાં આવેલ ગામોની સંખ્યાના આધારે ફાળવવામાં આવે છે. જેથી દરેક વિસ્તારનો સમાન રીતે વિકાસ થાય તે રીતે જિલ્લા આયોજન મંડળો હસ્તક ગ્રાન્ટ મુકવામાં આવે છે.
તેમણે ઉમેર્યુ કે, સ્વાતંત્ર્ય દિન, પ્રજાસતાક દિન અને ગુજરાત ગૌરવ દિનની ઉજવણી વખતે જે તે જિલ્લા/તાલુકાના વિકાસ માટે અલગથી ગ્રાન્ટ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્ર્મ હેઠળ આપવામાં આવે છે. આ હેતુ માટે ૨૦૨૨-૨૩ના વર્ષ માટે રૂ.૬૦.૦૦ કરોડની જોગવાઇ સૂચવેલ છે. દેશની આઝાદીની ચળવળમાં યોગદાન આપનાર આદરણિય સ્વાતંત્ર્ય સેનાનીઓને રૂ.૧૦,૦૦૦/- અને તેમના આશ્રિતોને રૂ.૭,૦૦૦/- માસિક પેન્શન ચૂકવવા માટે ૨૦૨૨-૨૩ના વર્ષ માટે રૂ.૨૦૫.૦૦ લાખની જોગવાઇ સૂચવેલ છે.
મંત્રીએ ઉમેર્યુ કે, વિકાસ અંગેના સંયુક્ત રાષ્ટ્ર સંઘના એજન્ડા ૨૦૩૦ અંતર્ગત ૧૭ નિરંતર વિકાસનાધ્યેયો અને ૧૬૯ લક્ષ્યાંકો નિયત કરેલ છે. નીતિ આયોગ દ્વારા રાજ્યો-રાજ્યો વચ્ચે વિકાસ માટે રચનાત્મક સ્પર્ધા થાય તે હેતુથી રાજ્યનું પ્રદર્શન વધુ શ્રેષ્ઠ બને તે માટે વિભાગો સાથે વર્કશોપનું આયોજન કરવામાં આવે છે તથા નીતિ આયોગના સભ્યો સાથે સમયાંતરે બેઠક યોજવામાં આવે છે.
મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (નિરંતર વિકાસના ધ્યેયો) અંગે લાંબાગાળાની કામગીરીની દેખરેખ માટે સ્ટેટ એમ્પાવર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે. નિરંતર વિકાસના ધ્યેયોના નિર્દેશકો સંબધિત માહિતી તૈયાર કરીને નીતિ આયોગને પૂરી પાડવામાં આવે છે. નીતિ આયોગના અહેવાલ મુજબ ગુજરાત હવે પરફોર્મર કેટેગરી માંથી “ફ્રન્ટ રનર” કેટેગરીમાં સામેલ થયેલ છે.
તેમણે કહ્યુ કે,રાજ્ય સરકાર દ્વારા પ્રજાના સર્વાંગી વિકાસ માટે તેમજ માનવ વિકાસના અભિગમને સુનિશ્ર્ચિત દિશામાં પ્રોત્સાહન મળે તથા માનવ વિકાસ સૂચકાંક (HDI)માં વૃદ્ધિ કરવાના ઉદ્દેશથી સામાજિક આંતર માળખાકીય બાબતોનો વિકાસ કરવા માટે ‘ગુજરાત સામાજિક આંતરમાળખાકીય વિકાસ સોસાયટી(GSIDS)’ સ્વાયત્ત સંસ્થા સામાન્ય વહીવટ વિભાગ હેઠળ કાર્યરત છે.
ભારત સરકારના આકાંક્ષિત જિલ્લા કાર્યક્રમ (Aspirational Districts) હેઠળ ગુજરાતના નર્મદા અને દાહોદ જિલ્લાનો સમાવેશ થયેલ છે. મને જણાવતા સવિશેષ આનંદ થાય છે કે નર્મદા જિલ્લાના માર્ચ-૨૦૧૮ના આધાર રેખા ક્રમાંક(બેઝલાઇન રેન્કીંગ)ના સંયુકત આંક(CS Value) ૪૧.૪ ની સાપેક્ષમાં ૧૩.૭ પોઇન્ટસના વધારા સાથે નવેમ્બર-૨૧ માસમાં ૫૫.૧ થયેલ છે. અને દાહોદ જિલ્લાના માર્ચ-૨૦૧૮ના આધાર રેખા ક્રમાંક(બેઝલાઇન રેન્કીંગ)ના સંયુકત આંક(CS Value) ૪૧.૧૨ ની સાપેક્ષમાં ૧૯.૨૮ પોઇન્ટસના વધારા સાથે નવેમ્બર-૨૧ માસમાં ૬૦.૪ થયેલ છે.
ગુજરાત રાજ્યના દરેક વિસ્તારનો સમાન રૂપે વિકાસ થાય, ઉત્તમ વહીવટ તંત્ર પ્રાપ્ત થાય અને દેશના યુવાધનને રોજગાર સંબંધી તાલીમ મળી રહે તે આ વિભાગનો મહત્વનો ઉદ્દેશ છે. વિધાનસભા ખાતે સામાન્ય વહીવટ વિભાગની મંત્રી પરિષદ અને ચૂટણી પ્રભાગની માગણીઓ મંજૂર કરાઈ હતી.

