Ek vaat mahatma ni part 16

“એક વાત મહાત્માની” અંક ૧૬ : ગાંધીજીનાં રચનાત્મક કાર્યો

Hiren Banker
હિરેન બેન્કર
પીએચડી રિસર્ચ સ્કોલર.અમદાવાદ
Ek vaat mahatma ni part 16

હિન્દુસ્તાનની આઝાદી ઝંખી રહેલા તમામ ભારતવાસીઓની આંખોમાં ઉત્કૃષ્ઠ ભારતનું સ્વપ્ન તરી રહ્યું હતું. પરંતુ આ દેશને કઈરીતે ઉત્કુષ્ઠ અને શ્રેષ્ઠ બનાવી શકાય તે અંગેનો માર્ગ અને વિચાર, ખ્યાલ મહાત્મા ગાંધીજીએ પોતાની વર્ષ ૧૯૪૧માં લખેલી પુસ્તક “ રચનાત્મક કાર્યક્રમ”માં આપ્યો. મહાત્મા ગાંધીએ રાજકીય લડતની સાથે સામાજિક બદલાવ માટે પ પ્રયત્નો આરંભ્યા હતા. દેશની આઝાદીની લડતને અહિંસાથી જોડીને એક અહિંસક સમાજની સાથે નુતન વિચારધારા લોકો સમક્ષ મૂકી. સાવ જુના શબ્દ “રચનાત્મક”ને નવી પરિભાષા અને અર્થ સાથે નવી રૂપરેખા આપી. તેમણે વર્ણવેલા કાર્યક્રમ નક્કર વાસ્તવિક જમીની હકીકત સાથે સંકળાયેલા હતા. ગાંધીજી એ આપેલા દરેક કાર્યમાં સ્વચ્છતાને ખુબ મહત્વ આપ્યું હતું. તે “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”માં ઊંડી શ્રદ્ધા રાખતા. રચનાત્મક કાર્યક્રમ એ માત્ર પ્રવૃત્તિ ન હતી તે એક પ્રયોગશાળા હતી.જે આધુનિક સમાજ નવરચના માટે ઉમદા કાર્ય હતું,

સ્વરાજ મળ્યા પછી સ્વરાજને ટકાવી રાખવા માટે વ્યક્તિગત કે સામાજિક કેળવણી આર્થિક કે ભૌતિક સુધી નહિ ચાલે તે આધ્યાત્મિક અને નૈતિક રીતે પણ ઉન્નન્ત હોવી જરૂરી છે. ગાંધીજીએ શરુ કરેલા રચનાત્મક કાર્યો જાજરૂ સાફ કરવાથી લઈને મન,આત્મા અને વિચાર શુદ્ધિ સુધી બહોળો વ્યાપ ધરાવતા હતા. ગાંધીજીનું માનવું હતું કે ખરી શક્તિ પ્રજામાં રહેલી છે. ગાંધીજીએ લખ્યું છે કે “અંતરથી ઉલટથી કામ કરનાર કાર્યકર્તાઓનો એક સમૂહ જો દ્રઠ સંકલ્પ કરીને એ રચનાત્મક કાર્યકમનાં અમલમાં લાગી જાય તો જણાશે જે આ કોઈ પણ કાર્યક્રમ જેવો જ  અને ઘણા ખરા કરતા તો વધારે વહેવારુ છે. એ ગમે તે કહો સ્વરાજની લડતમાં કાર્યક્રમ આપણે અહિંસાનાં પાયા પર ઘડવો હોય તો રાષ્ટ્રની આગળ અવેજીમાં મુકવાનો બીજો કાર્યકર્મ મારી પાસે નથી” તેમનાં રચનાત્મક કાર્યમાં કોમી એકતા, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંદી, ખાદી, ગામ સફાઈ, નવી તાલીમ અને પાયાની કેળવણી સહિતના ૧૮ જેટલા કાર્યોની શરૂઆત કરી હતી. જે શરૂઆતમાં કેવળ ૩ જેટલા હતા. કાર્યકરોને પોતાનો રેટિયો લઈને ગામડામાં જઈ ગામલોકો સાથે એકરૂપ થઈ અસ્પૃશ્ય સાથે મૈત્રી કેળવવા અને સાથે રાખીને, કોમી એકતાને નક્કર હકીકત બનાવવાનો અનુરોધ રાખવામાં આવતો હતો.

અઢાર કાર્યકમોમાં કોમી એકતા, દારૂબંધી, ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, ગ્રામઉદ્યોગ, ગ્રામ સફાઈ, નવી તાલીમ, પ્રૌઢ શિક્ષણ, સ્ત્રી ઉન્નતી, તંદુરસ્તીનાં નિયમોની જાળવણી, પ્રાંતીય ભાષાનો વિકાસ, રાષ્ટ્રીય ભાષાની વિકાસ, આર્થિક સમાનતા, કિસાન સંગઠન, આદિવાસીઓના ઉત્કર્ષ કાર્યન રક્તપિતના રોગીઓની સેવા, વિદ્યાર્થી સંગઠનનો સમાવેશ થતો હતો. આ કાર્યકમો એક શૈક્ષણિક પ્રકિયા હતી. જેમાં સેવક અને સેવ્ય વચ્ચે આંતર-બાહ્ય એકતા સંધાય અને વર્ગના ઉત્કર્ષ માટે કાર્ય થાય તે લક્ષ્ય હતું,

રચનાત્મક કાર્યને વેગ આપવા માટેના ગાંધીજીનાં શરૂઆતી પ્રયત્નો મહત્વના હતા પોતે બાર જેટલા દિવસ કચ્છમાં ફર્યા અને ત્યાં અસ્પૃશ્યતા નિવારણ માટે કામ કર્યા પછી જયારે આશ્રમ પાછા આવ્યા બાદ ત્યાં કોઈ વિદ્યાર્થી-વિધાર્થીની ક્ષતિની ખબર મળતા પોતે જવાબદાર ગણી સાત દિવસ ઉપવાસ કર્યા.ગાંધીજીએ આફ્રિકામાં ફીનીક્સ અને ટોલ્સટોય ફાર્મમાં ચાલુ કરેલી સામુદાયિક પ્રવૃત્તિઓનો અનુભવ હતો જ જે તેમને ભારતમાં રચનાત્મક કર્યોને સફળતાપૂર્વક પાર પાડવામાં મદદરૂપ નીવડ્યો. ગુજરાતમાં રચનાત્મક કાર્યની કામગીરી અન્ય જગ્યા કરતા સારી રીતે થઇ જેની પાછળ ગુજરાતમાં ગાંધીજીની હાજરી અને સતત પ્રેરણા અને તેમની છત્રછાયા હતી. જેની નીચ વર્ષ ૧૯૨૦થી ૧૯૩૦ સુધીમાં ઘણા નિષ્ઠાવાન સેવકો બહાર આવ્યા અને જીવનભર આ કામગીરીમાં જોડાયલા રહ્યા. કાર્યક્રમો સુચારુરૂપે ચાલે તે માટે તેમણે સંઘ અને સંસ્થાઓની સ્થાપના કરી જેમાં ચરખા સંઘ, ગ્રામોધ્યોગ સંઘ, નઈ તાલીમ સંઘ, ગૌ સેવા સંઘ, હરીજન સેવા સંઘ, હિન્દુસ્તાન પ્રચાર સમિતિ, મજુર મહાજન સંઘ જેવી સંસ્થાઓ હતી.

ગાંધીજીનાં મતે ભારતનાં પાંચમા ભાગની વસ્તીને અસ્પૃશ્યતા ને કારણે કાયમી ગુલામ રાખવાથી સાચા અર્થમાં સ્વરાજ નહિ પ્રાપ્ત થાય. જો પશુઓ મારવાને લીધે માંસ રુધિર, હાડકા તથાતને લગતા કામગીરી કરવાથી અસ્પૃશ્ય બનતું હોય તો નર્સ અને ડોકટર પણ અસ્પુર્શ્ય હોવા જોઈએ, તે જ પ્રમાણે ખ્રિસ્તી, મુસલમાન, અને ઉચ્ચ વર્ગનાં હિંદુઓ જેઓ આહાર અથવા યજ્ઞ માટે પશુવધ કરે છે તેઓ પણ અસ્પૃશ્ય હોવા જોઈએ. ગાંધીજીના વિચારોએ લોકોમાં ઊંડી છાપ છોડી હતી સાથોસાથ તેમના દ્વારા ચાલુ કરાયેલા “રચનાત્મક કાર્યો” થી આમૂલ પરિવર્તન આકરી શકે તેવા વિચારોને સાચા અર્થમાં લોકોનાં હૃદય સુધી કંડારવાનું કામ બાપુએ કર્યું હતું. પોતાના રચનાત્મક કાર્યોમાં ગાંધીજીએ નાનાથી લઈને મોટા સુધી, યુવાનથી લઈને પ્રૌઢ સુધી અને સ્ત્રી-પુરુષ તમામનાં જીવનને સ્પર્શતા અને તેમના જીવનમાં બદલાવ લાવતા કાર્યો પોતાની રાજકીય લડતની સાથે સાથે સામાજિક ઉદ્ધાનને પણ ધ્યાને રાખીને શરુ કરવામાં આવ્યા હતા. જે મોટે અંશે સફળ પણ થયા હતા.

સ્વદેશી, સ્વચ્છતા, રોજગારી, સ્ત્રી ઉદ્ધાન, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબધી જેવા કામો આજે પણ આપણી વચ્ચે પ્રસ્તુત છે. અને તેમને નાથવા ગાંધીજીએ દર્શાવેલ રચનાત્મક કાર્યો થકી આ બંદીઓને સમાજ અને આપણા આંતર-બાહ્ય બંને રીતે દુર કરી શકીશું.

(ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

Reference: ગાંધી આત્માકથા, એની સ્કાર્ફ, લુઇ ફિશર, સોમાભાઈ પટેલ, મગનભાઈ નાયક લિખિત પુસ્તક અને ગાંધી સાહિત્ય.

ક્લિક કરો અને આગણ વાંચો…….અંક ૧૭ : સાર્જન્ટ મેજર ગાંધી

loading…