rescue in bhavnagar

Gujarat Rain Updates: સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર; ગઢડા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ

  • સવારે ૬ થી ૧૦ કલાક સુધીમાં ભાવનગરના ઉમરાળા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૩.૫ ઇંચથી વધુ વરસાદ
google news png

અમદાવાદ, 17 જૂન: Gujarat Rain Updates: રાજ્યમાં ચોમાસાના આગમન સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, ભાવનગર જિલ્લાના પાલીતાણા અને શિહોર ૧૨-૧૨ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ સરેરાશ ૮ ઇંચ તેમજ બોટાદ જિલ્લામાં એક જ દિવસમાં સરેરાશ ૭.૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

તાલુકાની વાત કરીએ તો, ગત ૨૪ કલાકમાં ભાવનગરના જેશર અને ઉમરાળા, અમરેલીના સાવરકુંડલા તેમજ બોટાદ તાલુકામાં ૧૦ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ભાવનગરના મહુવા તાલુકામાં પણ ૯ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અમરેલીના રાજુલા, અમરેલી અને લીલીયા, ભાવનગરના વલ્લભીપુર અને તળાજા તેમજ સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં પણ ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો:- Rescue in Amreli district: અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ; નાગરિકોને રેસ્ક્યુ કરી સલામત રીતે ખસેડવામાં આવ્યા

વધુમાં, ભાવનગરના ગારીયાધાર, રાજકોટના વિંછીયા, ભરૂચના હાંસોટ, અમરેલીના બાબરા અને ખાંભા તેમજ મોરબી તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે, મોરબીના ટંકારા અને હળવદ, રાજકોટના જસદણ અને જેતપુર, સુરેન્દ્રનગરના ચુડા, સાયલા, થાનગઢ અને મુળી, ભરૂચના વાગરા અને અંકલેશ્વર, સુરતના ઓલપાડ, અમરેલીના લાઠી, કચ્છના માંડવી, ભાવનગર ઉપરાંત જૂનાગઢ શહેર અને તાલુકામાં પણ ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજ્યના ૨૫ તાલુકામાં બે ઇંચથી વધુ, ૬૬ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૯૩ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૩૩ જિલ્લાના કુલ ૨૨૧ તાલુકામાં સરેરાશ ૧.૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા. ૧૭ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮ ટકા જેટલો નોંધાયો છે. જ્યારે, સવારે ૬.૦૦ કલાકથી ૧૦.૦૦ કલાક સુધીમાં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૩.૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત બોટાદના બરવાળામાં ૩ ઇંચ તેમજ ભાવનગરના વલ્લભીપુર, અમદાવાદના ધોલેરા અને ધંધુકા તાલુકામાં પણ ચાર કલાકમાં જ બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો