Fennel Adulteration: ઉનાવા-ઊંઝામાં વરિયાળીની ભેળસેળ સામે કડક કાર્યવાહી
Fennel Adulteration: આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું – નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની રમત ચલાવી લેવાશે નહીં
- કેમિકલ કલરની ભેળસેળવાળો રૂ. ૧૯.૬ લાખનો ૨૬ ટન વરિયાળીનો જથ્થો જપ્ત: આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોગાંધીનગર, 09 જુલાઈ: Fennel Adulteration: રાજ્યના નાગરિકોના જાહેર આરોગ્યની સુખાકારી માટે ગુજરાત સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વ હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં ભેળસેળિયા તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત તંત્રએ મહેસાણા જિલ્લાના ઊંઝા પાસે આવેલા ઉનાવા ખાતેથી કેમિકલ કલરની ભેળસેળવાળો રૂ. ૧૯.૬ લાખની કિંમતનો ૨૬ ટનથી વધુ વરિયાળીનો મોટો જથ્થો ઝડપી પાડીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ સફળ કામગીરી અંગે વધુ વિગતો આપતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફ્લાઈંગ સ્કોડે ઉનાવા ખાતે બે જગ્યાએ અચાનક દરોડા પાડ્યા હતા. જેમાં (૧) મે. ભાર્ગવકુમાર પ્રવીણભાઈ પટેલનું ગોડાઉન અને (૨) મે. પટેલ રાકેશકુમાર તલસીભાઈની પેઢી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઝડપાઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, વરિયાળીને વધુ પડતી લીલી અને આકર્ષક બતાવવા માટે તેમાં કેમિકલયુક્ત અખાદ્ય કલરની ભેળસેળ કરવામાં આવતી હતી. આ સિવાય, આ બંને આસામીઓ પાસે ખાણી-પીણીની વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી એવું ફૂડ સેફ્ટી લાઈસન્સ પણ નહોતું.
મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ ઉમેર્યું હતું કે, તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અખાદ્ય કલરની પ્રબળ શંકાના આધારે વરિયાળીના ત્રણ કાયદેસરના નમૂના લઈને લેબોરેટરીમાં વિશ્લેષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ સાથે જ તંત્રએ સ્થળ પરથી રૂ. ૧૯.૬ લાખથી વધુની અંદાજિત કિંમતનો ૨૬ ટન જેટલો વરિયાળીનો તમામ લુઝ જથ્થો સીઝ કરી લીધો છે અને જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.
લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત એલર્ટ હોવાનું જણાવતા મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, આગામી દિવસોમાં પણ ગેરકાયદે કામ કરનારા અને મિલાવટખોરો સામે આ ચેકિંગ ઝુંબેશ વધુ તેજ અને કડક બનાવવામાં આવશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત એલર્ટ છે. આગામી દિવસોમાં પણ ગેરકાયદે કામ કરનારા અને ભેળસેળિયાઓ સામે આ ચેકિંગ ઝુંબેશ વધુ તેજ અને કડક બનાવવામાં આવશે.
