Women Empowerment: વિશ્વકર્મા પંચાલ સમાજનું ઐતિહાસિક મહિલા અધિવેશન
Women Empowerment: 22 નવેમ્બરે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર મહિલા અધિવેશનમાં સમાજના વિકાસ માટે 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે વિશેષ મંથન
અમદાવાદમાં વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન માટે પૂર્વ તૈયારી બેઠક ભવ્ય રીતે યોજાઈ
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોઅમદાવાદ, 06 જુલાઈ: Women Empowerment: શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન-ગુજરાત (VNF) દ્વારા આગામી 22 નવેમ્બર, 2026 (રવિવાર) ના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન–સંમેલનની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવા માટે તા. 5 જુલાઈ, 2026 ના રોજ અમદાવાદના નારણપુરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સહકાર ભવન (GSC બેન્ક) ખાતે પૂર્વ તૈયારી બેઠકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ગુજરાતના ખૂણે-ખૂણેથી વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના વિવિધ ગોળ, ટ્રસ્ટ અને મંડળોના પ્રમુખો, મંત્રીઓ, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો તેમજ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને માતૃશક્તિ ઉપસ્થિત રહી હતી. બેઠકનો મુખ્ય હેતુ આગામી મહિલા અધિવેશનને ઐતિહાસિક અને સફળ બનાવવા માટે આયોજન, જવાબદારીઓ તથા સમાજના વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો હતો.

સમાજના વિકાસ માટે આગેવાનોનું માર્ગદર્શન
કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખ સંજયભાઈ પંચાલ, ટ્રસ્ટી વીરેન્દ્રભાઈ પંચાલ તથા કન્વીનર સુનિલભાઈ પંચાલએ મહિલા અધિવેશનની (Women Empowerment) રૂપરેખા, આયોજન અને સમાજના સર્વાંગી વિકાસ માટેના વિઝન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આ અધિવેશન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજની નવી દિશા અને એકતાનું પ્રતિક બનશે.
બહેનોની પ્રેરણાદાયી રજૂઆત બની મુખ્ય આકર્ષણ
બેઠકનું વિશેષ આકર્ષણ સમાજની જાગૃત બહેનોની (Women Empowerment) રજૂઆત રહી હતી. નિલમબહેન પંચાલ (હારીજ), શ્રદ્ધાબહેન આકાશ પંચાલ, નિલમબહેન ચુનીલાલ પંચાલ, કિંજલબહેન પંચાલ, નિલેશ્વરીબહેન પંચાલ (દાહોદ) તથા વર્ષાબહેન મારૂ (પોરબંદર) સહિતની બહેનોએ સમાજના વર્તમાન પ્રશ્નો, મહિલાઓની ભૂમિકા, શિક્ષણ, સ્વાવલંબન અને સમાજમાં જરૂરી પરિવર્તન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે સમાજના પડકારોના સકારાત્મક અને વ્યવહારુ ઉકેલો અંગે પણ સૂચનો આપ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન જીગરભાઈ પંચાલ દ્વારા અસરકારક અને રસપ્રદ રીતે કરવામાં આવ્યું હતું.
22 નવેમ્બરે યોજાનાર મહિલા અધિવેશનમાં આ 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે વિશેષ ચર્ચા
સંસ્થાએ જણાવ્યું કે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર મહિલા અધિવેશનમાં સમાજના ભવિષ્ય અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને નીચેના છ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિશેષ ચર્ચા, માર્ગદર્શન અને સંકલ્પ લેવામાં આવશે:
1. સમાજની ઘટતી જનસંખ્યા અને સમાજમાં વધી રહેલા વિભાજન અંગે જાગૃતિ લાવવી.
2. મહિલાઓના કૌશલ્ય વિકાસ (Skill Development), આત્મનિર્ભરતા અને સ્વરોજગાર માટે યોગ્ય મંચ અને તકો ઉપલબ્ધ કરાવવી.
3. દીકરા-દીકરીઓના મોડા થતા લગ્નની સમસ્યાના યોગ્ય અને સામાજિક ઉકેલ માટે સામૂહિક પ્રયાસો કરવાના.
4. સમાજમાં વધતા છૂટાછેડાના પ્રમાણ અંગે ગંભીર ચર્ચા કરીને જાગૃતિ અને નિવારણ માટે માર્ગદર્શન પૂરું પાડવું.
5. યુવાનોને શિક્ષણની સાથે રોજગાર, સ્વરોજગાર અને વ્યવસાયિક તકો તરફ પ્રોત્સાહિત કરવાના પ્રયાસો કરવાના.
6. સામાજિક પ્રસંગોમાં દેખાદેખી અને બિનજરૂરી ખર્ચને ઘટાડીને સરળ, સંસ્કારી અને જવાબદાર સામાજિક વ્યવસ્થાને પ્રોત્સાહન આપવું.
આ પણ વાંચો:- NCW Helpline: NCW હેલ્પલાઇન 14490 મહિલાઓ માટે બની સહારો
સમાજને એક મંચ પર લાવવાનો પ્રયાસ
આગેવાનોએ જણાવ્યું હતું કે મહિલા અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ માત્ર મહિલાઓને સન્માનિત કરવાનો નથી, પરંતુ સમાજની એકતા મજબૂત બનાવવી, નવી પેઢીને યોગ્ય દિશા આપવી અને મહિલાઓને સમાજના વિકાસમાં વધુ સક્રિય ભાગીદાર બનાવવાનો છે.
સફળ બેઠક બાદ સૌનો આભાર
પૂર્વ તૈયારી બેઠકની સફળતા બાદ સંસ્થાના હોદ્દેદારોએ સમગ્ર ગુજરાતમાંથી ઉપસ્થિત રહેલા તમામ સામાજિક આગેવાનો, ઉદ્યોગકારો, ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને ખાસ કરીને માતૃશક્તિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે સમાજના તમામ સભ્યોને 22 નવેમ્બરે અમદાવાદ ખાતે યોજાનારા પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેને ઐતિહાસિક સફળતા અપાવવા અપીલ કરી હતી.
