Banner naman

About Russia-Ukraine war: કેટલાક યુદ્ધ અનિવાર્ય હોય છે, સ્વીકાર્ય હોય છે

About Russia-Ukraine war: કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી ચુક્યા હતા, દરેક સંજોગો અને માર્ગો યુદ્ધ તરફ જ  જતા હતા. કૌરવ રાજકુમાર દુર્યોધન પાંડવોને કોઈપણ રીતે કંઈપણ આપવા તૈયાર ન હતો. તેની જીદ પાંડવોના હક્કને દબાવી રહી હતી. દુર્યોધને સ્પષ્ટ રૂપમાં કહી દીધું હતું કે તે પાંડવોને સોંયની અણી જેટલી જમીન પણ આપવા તૈયાર નથી. જો પાંડવોએ હક્ક મેળવવો હશે તો યુદ્ધ અનિવાર્ય છે, તેમ છતાં, કૃષ્ણ એક વખત છેલ્લો શાંતિનો પ્રસ્તાવ લઈને કૌરવોની સભામાં જવા તૈયાર થયા હતા.

ભીમે કૃષ્ણને કહ્યું કે જો યુદ્ધ નહિ થાય તો મારી પ્રતિજ્ઞાનું શું થશે? ભીમે પ્રતિજ્ઞા લીધી હતી કે દુઃશાસનની છાતીનું લોહી દ્રૌપદીના વાળમાં લગાવશે.

કૃષ્ણે, પળનોય વિલંબ કર્યા વિના કહ્યું કે ‘જો તારી પ્રતિજ્ઞાના ભોગે, યુદ્ધ ટળી જતું હોય અને રાજમાં શાંતિ સ્થપાતી હોય તો, તારી પ્રતિજ્ઞાનો ભોગ કંઈ બહુ મોટો નથી’. ટૂંકમાં જ કૃષ્ણે શાંતિનો મહિમા અને યુદ્ધના પરિણામની સ્પષ્ટતા કરી દીધી હતી. જ્યાં યુદ્ધ છે ત્યાં વિનાશ જ છે, ચાહે જીત કોઈની પણ થતી હોય.

રશિયા – યુક્રેન યુદ્ધ પર પલ પલ ની ખબર તમને ન્યુઝ ચેનલ બતાવી રહી છે. આ યુદ્ધ થવાના કારણો, તારણો અને યુદ્ધના સમર્થન-વિરોધ પર અનેક વાદવિવાદ ચાલે છે પરંતુ આ યુદ્ધ રશિયા માટે અનિવાર્ય હતું જે વિશ્વ માટે સ્વીકાર્ય જ રહેશે, આજે નહિ તો કાલે.

Russia Ukraine war Update

હકીકતમાં અમેરિકા વત્તા નાટોના ભરોષે યુક્રેને રશિયા જેવી મહાસત્તા સામે ટક્કર લેવાનું દુઃસાહસ કર્યું છે. હા,આ દુઃસાહસ છે, કારણ રશિયા લશ્કરી મહાસત્તા તો છે જ.

યુદ્ધ થાય એટલે હિંસા, લશ્કરી-આર્થિક હતાહત થવાની જ છે. એટલે હવે આ મુદ્દે રડવાનો યુક્રેનને હક નથી કેમકે તેણે સામે ચાલીને રશિયાને આક્રમણ કરવાનો મોકો આપ્યો છે. રશિયા યુક્રેનને, અમેરિકા અને યુરોપીય સંઘની મીલીભગત જેવી દુનિયાની કાયદેસરની તોફાની ટોળી એવા ‘નાટો’ ના પોઠીયા ન બનવાની સૂચના આપતું રહ્યું પરંતુ યુક્રેન આ ટોળીના ભરોષે રશિયા સામે શીંગડા ભરાવતું રહ્યું. છેવટે રશિયા જે તક વર્ષોથી શોધતું હતું તે તક યુક્રેને તાસક પર ભેટ આપી. અમેરિકા અને નાટો યુક્રેનને નાટો ટોળકીમાં સામેલ થવા દબાણ કરતા હતા. એકવાર યુક્રેન નાટોમાં સામેલ થાય તો નાટો સેના રશિયાની બોર્ડર સુધી પહોંચી જાય જે રશિયા માટે કાયમી સરદર્દ બની જાય.

રશિયાને ફરીથી લશ્કરી સુપર પાવર, શક્તિમાન સાબિત કરવાની સુવર્ણ તક ફરી મળે એમ ન હતું. અમેરિકાએ વારંવાર ઇરાક કે સીરિયા જેવા દેશો પર આક્રમણ કરીને એકમાત્ર જગત જમાદાર હોવાની છાપ અને ધાક જમાવી છે. એક સમયે રશિયા અને અમેરિકાની ધાક આખા વિશ્વમાં હતી. પુતિને તૂટેલા રશિયાને ફરીથી પ્રતિષ્ઠા અને પાવર આપતી તક ગુમાવવી ન હતી.

આ પણ વાંચોઃ Russia partially ban Facebook: રશિયાએ ફેસબુક પર લગાવ્યો પ્રતિબંધ- વાંચો વિગત

યુક્રેન, અમેરિકા અને નાટોના કહેવાતા સહારા પર આધાર રાખી બેઠું હતું કે જો રશિયા આક્રમણ કરશે તો અમેરિકા અને નાટો, યુક્રેન તરફે રણમેદાનમાં ઝંપલાવશે પરંતુ આ ધારણા ઠગારી નીવડી છે, અમેરિકા અને અમેરિકાના ખીલે બંધાયેલા, કુદતા પશ્ચિમી કે યુરોપીય દેશ સીધા રશિયા સાથે સંઘર્ષમાં ઉતારવાની હિમ્મત ધરાવતા નથી. અમેરિકા આર્થિક-લશ્કરી મહાસત્તા છે તો રશિયા પણ લશ્કરી મહાસત્તા છે જ, પછી ભલે તે આર્થિક રીતે સધ્ધર નથી.

અમેરિકા સ્વાર્થી અને મૂડીવાદી દેશ છે, તેની નીતિ રહી છે ‘અમેરિકા ફર્સ્ટ’, અમેરિકા પોતાના કે પોતાની જનતાના ભોગે કોઈ ત્રાહિત દેશ માટે રશિયા જેવી સત્તા સામે યુદ્ધમાં પોતાના સૈનિક ઉતારે એ શક્ય જ નથી, હા તે અરબો રૂપિયાના શસ્ત્ર સરંજામ યુક્રેન ને આપી ધંધો કરી લેશે.

ભારતની મોદી સરકારની આંતરરાષ્ટ્રીય કૂટનીતિ જેવા સાથે તેવા અને ‘ભારત ફર્સ્ટ’ની છે. તેથી ભારત અમેરિકાને સાથ આપી રશિયાનો વિરોધ નહિ જ કરે. ભારતીય શાસક જાણે છે કે અમેરિકામાં અત્યારે સૌથી નબળું અને બિનભરોસાપાત્ર શાસન છે. વળી, મોદી સરકાર બખૂબી જાણે છે કે જેમ ભારતને અમેરિકા તેમજ રશિયાની જરૂરત છે તેમ જ રશિયા અને અમેરિકાને પણ ભારતની જરૂર છે, છે ને છે જ.

બીજી અગત્યની વાત જો ભારત પુતિન-રશિયાનો વિરોધ કરે તો તેણે પીઓકે ભૂલી જવું પડે. કેમ કે પાકિસ્તાન સામે ચાલીને, યુનો કે બીજા કોઈ દેશને કહ્યે પીઓકે ભારતને આપી દેવાનું નથી. ભારતને પીઓકે જોઈતું હશે તો પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું જ પડવાનું છે. ત્યારે ભારતને રશિયાની મદદ જોઈશે જ. અમેરિકા પાસે પૈસા છે તો રશિયા પાસે મજબૂત ઈચ્છા શક્તિ છે.

કેટલાક યુદ્ધ અનિવાર્ય હોય છે, સ્વીકાર્ય હોય છે. યાદ રહે કૃષ્ણ યુદ્ધની વિરુદ્ધ ન હતા, કૃષ્ણે આજીવન યુદ્ધને અંતિમ ઉપાય તરીકે પસંદ કર્યુ જ હતું.

Gujarati banner 01