Naman munshi image 600x337 1

Representation of People Act: રાહુલ ગાંધીને હાથના કર્યા જ હૈયે વાગ્યા છે: નમન મુનશી

લોકપ્રતિનિધિત્વ અધિનિયમ:(Representation of People Act) 1951માં પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ એક્ટ અમલમાં આવ્યો હતો. આ કાયદાની કલમ 8માં લખાયું છે કે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્ય અપરાધિક બાબતે દોષી જાહેર થાય છે તો તે દોષી જાહેર થયાના દિવસથી આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકતા નથી. કલમ 8(1) એ એવા અપરાધોનો ઉલ્લેખ કરે છે કે જેના હેઠળ દોષિત ઠેરવવામાં આવતા ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે.

જનપ્રતિનિધિત્વ/લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 8(1) અને (2) મુજબ, જો કોઈ સાંસદ અથવા ધારાસભ્ય હત્યા, બળાત્કાર, ધર્મ, ભાષા અથવા પ્રદેશના આધારે દુશ્મનાવટ ઉભી કરે છે, તો તેનું સંસદનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે. ઉપરાંત, આ જ અધિનિયમની કલમ 8(3) માં જોગવાઈ છે કે ધારાસભ્ય અથવા સંસદનું સભ્યપદ બે વર્ષની અથવા વધુ સજા થયા પછી જ રદ થઈ શકે છે. આ કાયદાના આધારે લોકસભા સચિવાલય સાંસદની સદસ્યતા રદ કરી શકે છે.

લોકપ્રતિનિધિત્વ અધિનિયમને પડકાર –

લીલી થોમસે 2003માં રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટને પડકાર્યો હતો. થોમસ લિલીએ બંધારણની ગેરબંધારણીય કલમ 8(4)નો મુદ્દો ઉઠાવ્યો હતો. આ કલમમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે દોષિત ઠર્યા હોવા છતાં લોકપ્રતિનિધિનું સભ્યપદ ચાલુ રહેશે. જો તે કોર્ટના નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારે અને ત્યાંથી સજા પર રોક લગાવવામાં આવે.

કોર્ટે તેમની અરજી સ્વીકારી ન હતી. તેણે ફરી એક અરજી દાખલ કરી જે ફરી ફગાવી દેવામાં આવી. 2012માં 9 વર્ષ પછી તેણે ત્રીજો પ્રયાસ કર્યો અને આ વખતે તેની અરજી સ્વીકારવામાં આવી. 2013માં સુપ્રીમ કોર્ટે આ મામલામાં લિલી થોમસની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જે મુજબ 2 વર્ષ કે તેથી વધુ સજા પામેલા જનપ્રતિનિધિઓની સદસ્યતા તાત્કાલિક અસરથી ખતમ થઈ જશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો કોઈ વર્તમાન સાંસદ અથવા ધારાસભ્ય દોષિત ઠરે છે, તો તેને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(1), 8(2) અને 8(3) હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવશે.

આ કાયદાની કલમ 8(3)માં લખવામાં આવ્યું છે કે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્યને બે વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તેની સદસ્યતા તરત જ જતી રહે છે અને આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર રોક લાગી જાય છે. (મહત્વનું છે ‘તરત જ’)

2013માં સુપ્રીમ કોર્ટે આવો ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો, જેને લિલી થોમસ નિર્ણય તરીકે ઓળખવામાં આવે છે. આ મુજબ કોઈપણ જનપ્રતિનિધિને કોઈપણ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા થશે તો તેનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ ગણવામાં આવશે. ખાસ વાત એ છે કે જો કોઈ જનપ્રતિનિધિ 2 વર્ષની સજા પૂરી કરે છે તો તે સજા પૂર્ણ થયાની તારીખથી આગામી 6 વર્ષ સુધી કોઈપણ ચૂંટણી લડી શકશે નહીં. એટલે કે કાયદાથી તે ચૂંટણીથી વંચિત રહેશે.

હાથના કર્યા –

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી 2013ના સપ્ટેમ્બરના દિલ્હી ખાતે કૉંગ્રેસના નેતા અજય માકન તત્કાલીન મનમોહન સિંહની સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે લાવેલા વટહુકમ પર પત્રકાર પરિષદ કરી રહ્યા હતા. ચાલુ પત્રકાર પરિષદે એકાએક અજય માકન પત્રકારોને જણાવે છે કે, ‘તેમને રાહુલ ગાંધીનો ફોન આવ્યો હતો, તેઓ પત્રકાર પરિષદમાં આવીને કંઈક વાત કરવા માગે છે.’

એકાએક રાહુલ ગાંધી પત્રકાર પરિષદમાં ધસી આવે છે. (દૃશ્યોએ એ સમયે દેશમાં ઘણી ચર્ચા જગાવી હતી.)

રાહુલ ગાંધીએ બોલવાનું શરૂ કર્યું, ‘હું આજે એક ખાસ વાત કરવા આવ્યો છે. મેં અજય માકનને ફોન કર્યો અને પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો. એમણે મને કહ્યું કે તેઓ વટહુકમ વિશે પત્રકારો સાથે વાત કરવા આવ્યા છે. એટલે મેં તેમને કહ્યું કે હું પણ ત્યાં આવી રહ્યો છું. અને હું અહીં આવ્યો છું. મારે તમને આ વટહુકમ વિશે કહેવું છે કે તે એકદમ બકવાસ છે. નિર્થરક છે. તેને ફાડીને ફેંકી દેવો જોઈએ. મારી પાર્ટીનું ભલે કંઈ પણ કહેવું હોય પણ આ મારો અંગત અભિપ્રાય છે. હવે સમય પાકી ગયો છે કે રાજકીય કારણોસર થતાં આવા કામો બંધ કરવામાં આવે. કૉંગ્રેસ ખોટું કરી રહી છે.’

એ સમયે વડા પ્રધાન મનમોહન સિંહ અમેરિકા ગયા હતા. જે વટહુકમ લવાયો હતો એના માટેનું બિલ પણ એ પહેલાં રાજ્યસભામાં લાવી દેવાયું હતું. કૉંગ્રેસની જ સરકારે લાવેલો કાયદો તેની જ પાર્ટીના પ્રમુખ નેતાએ જાહેરમાં ‘બકવાસ’ ગણાવી, ‘ફાડીને ફેંકી દેવાની’  વાત કરતા આખા દેશમાં કૉંગ્રેસ પાર્ટી માટે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ હતી.

વડા પ્રધાન મનમોહન સિંહની ગરિમાના ઉલ્લંઘનના પણ રાહુલ ગાંધી પર આરોપ લાગ્યા હતા. મનમોહન સિંહ વિદેશ પ્રવાસ પછી ભારત આવ્યા અને કેટલીક બેઠકો થયા બાદ એ વટહુકમ અને રાજ્યસભામાં લવાયેલું બિલ પાછું ખેંચી લેવાયું.

જે કાયદો લગભગ 10 વર્ષ પહેલાં સાંસદો, ધારાસભ્યોને આવી પરિસ્થિતિમાં તાત્કાલિક ગેરલાયક ઠરવા સામે રક્ષણ આપવા લવાયો હતો, એ કાયદાનો વિરોધ ખુદ રાહુલ ગાંધીએ કર્યો હતો અને એને પરત લેવા કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએની સરકારને ક્ષોભજનક સ્થિતિમાં પણ મૂકાવું પડ્યું હતું તેમજ એ વટહુકમને પાછો ખેંચવાની ફરજ પડી હતી.

હૈયે વાગ્યા –

આ એ જ બિલ અને વટહુકમ હતો જે કદાચ, એ સમયે પાસ થઈ ગયા હોત તો સુરતની કોર્ટના ચુકાદાના લીધે રાહુલ ગાંધીના સાંસદસભ્ય પદ પર જોખમ ન આવ્યું હોત, અને સાંસદસભ્ય પદ ગુમાવવાનું હાલના સંજોગોમાં ટળી શક્યું હોત.

જોકે, આ અંતર્ગત બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવા, ભ્રષ્ટાચાર, દુષ્કર્મ જેવા ગુનાઓમાં દોષિત ઠરેલા લોકો ચૂંટણી લડી શકતા નથી. પરંતુ એમાં માનહાનિનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. ગત વર્ષે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને તેમનું ધારાસભ્યપદ ગુમાવ્યું હતું. કારણ કે તેમણે હેટસ્પીચ આપી હતી.

કોઈપણ સરકાર વિરોધ પક્ષના નેતાની વિરુદ્ધ કાયદા હેઠળ ઉચિત/યોગ્ય કાર્યવાહી કરવાની તક મળે તે જવા દે તો સરકારની ક્ષમતા પર સવાલ ઉઠે અને સત્તા પક્ષ કાંઈ કરી શકે એમ નથી એવી છાપ પડે.

હવે શું ?

રાહુલ ગાંધીને સજા તો થઇ જ ચુકી છે, ઉપલી અદાલતમાં સજા સામે અપીલ કરી સજાને પડકારવાનો ૩૦ દિવસના કાનૂની અધિકારનો ઉપયોગ કરી, ઉપલી અદાલતના નિર્ણય સુધી સજા અટકાવી શકે છે. ફરી ઉપલી અદાલતમાં સુનાવણી, દલીલોનો દોર શરુ થશે. જે માટે સમય જશે અને જ્યાં સુધી ઉપલી અદાલત સજાની વિરુદ્ધ એટલે કે રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર નહિ કરે ત્યાં સુધી તે દોષી જ ગણાશે. એટલે હાલ પૂરતું તો સાંસદસભ્ય પદ પરત મળે એ શક્ય નથી.

આ પણ વાંચો:-Buddy’s Pizza: ગઈ સવારી buddy’s પિઝામાં, ચટાકા કરવા…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *