SKY scheme for farmers: ખેડૂત હિત માટે ચિપિયા પછાડતું કિસાન સંઘ મીંદડી બની ગયું…

SKY scheme for farmers: ગુજરાતને છેલ્લા ચાર દાયકામાં મળેલા મુખ્યપ્રધાનોના પ્રમાણમાં ભુપેન્દ્રભાઈ પટેલ સૌથી સજ્જન મુખ્યપ્રધાન સામાન્ય જન ગણી રહ્યો છે.

ગાંધીનગર, 11 જૂનઃ SKY scheme for farmers: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભારતમાં અને ભારતની બહાર અલગ અલગ ભગિની સંસ્થાઓ કાર્યરત છે. જે પૈકીની ભારતીય કિસાન સંઘ ખેડૂતોના હિતો માટે સતત પ્રયત્નશીલ હોય છે. તેમાય જ્યારે ભાજપ સિવાયની સરકાર હોય ત્યારે આંદોલનના ચિપિયા બહુ જોરથી પછાડે છે પણ સત્તામાં જ્યારે ભાજપ આવે છે ત્યારે કિસાન સંઘ કહેવત મુજબ મિયાની મીંદડી થઈ ચૂપ બેસે છે. ભાજપના શાસનમાં જાણે ખેડૂતોમાં કોઈ પ્રશ્નો જ ના હોય તેવી રીતે કિસાન સંઘ વર્તે છે આમ ખેડૂતોના હિતો માટે આજે કોઈ લડાયક સંસ્થા કે પ્લેટફોર્મ રહ્યું નથી.

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે નાના પાયે ખેડૂતો ખેતીની સાથે સોલારની એટલે કે સૂર્ય ઉર્જાની ખેતી કરી શકે તે ઈરાદાથી SKY યોજના અમલી બનાવી હતી. જેમાં ખેડૂતો 10% રકમ ભરવાની હતી અને 30% લોન આપવામાં આવતી હતી તેમજ 60% સબસીડી અપાતી હતી. જે યોજનાના પ્રચાર માટે કિસાન સંઘના હોદ્દેદારોએ ગામડે ગામડે બેઠકો કરી ખેડૂતોમાં જાગૃતિ લાવી સ્કાય યોજના તરફ વાળ્યા હતા. ઘણા ખેડૂતોએ આ માટે અરજીઓ કરી બોરવેલમાં રોકાણ પણ કર્યું હતું.

કેટલીક જગ્યાએ ખેડૂતોના ભાગની 10% રકમ પણ સરકારમાં ભરાવી હતી. જોકે આ સમયગાળા દરમિયાન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે દિલ્હી જતા રહ્યા અને દિવા પાછળ અંધારું થાય તેમ ખેડૂતોની સ્કાય યોજના ઉર્જા મંત્રી સૌરભ દલાલે બંધ કરાવી લાખો ખેડૂતોનું અહિત કર્યું. તેમજ માત્ર મોટા કોર્પોરેટ અને ઉદ્યોગપતિઓ માટેની જ સૂર્ય ઉર્જા હોય તેવી નીતિઓ તૈયાર કરી ગુજરાત રાજ્યને ખૂબ મોટું નુકશાન કર્યું છે.

આ પણ વાંચોઃ Donations at the Ambaji Temple: અંબાજી મંદિર ખાતે એપ્રિલ- મેં 2021માં દાનભેટની આવક રૂપિયા 78.80 લાખની થઇ

ત્યારબાદ ખેડૂત આગેવાનોને Kusum-કુસુમ યોજનાની લોલીપોપ આપી ગુજરાત સરકારે ફરીથી ખેડૂતો સાથે છેતરપીંડી કરી. કુસુમ યોજનાની રાજ્ય સરકારે કોઈ ગાઈડલાઈન તૈયાર જ ન કરી. તેમજ કુસુમ યોજના હેઠળ કયા ભાવે વીજળી ખરીદવી તેની કોઈ સ્પષ્ટતા પણ ન કરી. બધું અધ્ધરતાલ છોડી દઈ ખેડૂતોને સૂર્ય ઉર્જા ક્ષેત્રે વાંઝિયા બનાવી દેવાનું કામ છેલ્લા સાત વર્ષથી ચાલી રહ્યું છે.

કિસાન સંઘે તો સરકારના ખોળે બેસી ગયું છે પણ સાચા ખેડૂતોની માંગણી એવી છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્કાયને ફરીથી શરૂ કરવામાં આવે તેમજ સૂર્ય ઉર્જાને ખેડૂતો માટે ખેતીનો દરજ્જો આપી લોન અને સબસિડી આપી ગામડે ગામડે વીજળી ઉત્પન્ન કરવાના હબ બનાવવા જોઈએ. જેના કારણે ખેડૂતોને નાની મોટી આવક થશે. બીજું કે વીજ તંત્રને લાઇન લોસ, ટ્રાન્સમિશન લોસ સહન નહી કરવો પડે. સાથે સાથે ખેડૂતોને દિવસે 12 કલાક વીજળી આપવાનું શક્ય બનશે.

આમ જો ખેડૂતો માટે સૂર્ય ઉર્જાને ખેતીનો દરજ્જો, કુસુમ અને સ્કાય યોજનામાં પ્રોત્સાહક નીતિ ચાલુ કરવામાં આવશે તો આજના દિવસે ગુજરાત કિસાન સંઘના સ્થાપક અને જેમને હૈયે મૃત્યુ પર્યંત ખેડૂતોનું હિત વસેલું રહ્યું હતું તે દેવનગરના જીવણદાદાને આપણે સાચી અંજલિ આપી ગણાશે.

આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલના હૈયે ખેડૂતો માટે કઈક કરી છૂટવાની ભાવના હશે. ગુજરાતને છેલ્લા ચાર દાયકામાં મળેલા મુખ્યપ્રધાનોના પ્રમાણમાં ભુપેન્દ્રભાઈ પટેલ સૌથી સજ્જન મુખ્યપ્રધાન સામાન્ય જન ગણી રહ્યો છે.

આ પણ વાંચોઃ MoF ICONIC VEEK: 6થી 12 જૂન સુધી સિસ્ટર નિવેદિતા સ્કૂલ ખાતે ‘પરોક્ષ કર’ વિષય પર સૂત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

Gujarati banner 01