swami viditatmanand ji

Swamiji ni vani Part-31: માણસો પોતાની જાતને દેખાદેખીથી હોડમાં મૂકી દે; પછીના પરિણામ શું?

google news png

માણસો પોતાની જાતને દેખાદેખીથી હોડમાં મૂકી દે છે. ‘પેલા પાસે મારુતિ છે એટલે મારી પાસે પણ હોવી જોઈએ. પડોશીનો છે તેવો બંગલો મારો પણ હોવો જોઈએ’ આવો એક તરંગ માણસના મનમાં જન્મે, પછી તો યેન કેન પ્રકારેણ, ગમે તે પ્રકારે તેનેે પ્રાપ્ત કરવા માટે એ મનુષ્ય પ્રયત્ન કરવાનો. પરંતુ જો આપણે આપણી મૂળભૂત જરૂરિયાતો તપાસીએ તો સમજાશે કે આ બધાની એવી આવશ્યકતા હોતી નથી.

મી દયાનંદજી કહેતા હતા કે એક વાર એક ખૂબ જ ધનવાન માણસ તેમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો : ‘મહારાજ ! મારી પાસે બધું જ છે પણ શાંતિ નથી. મને બહુ જ ચિંતા રહે છે.’ સ્વામીજીએ તેમને કહ્યું, ‘એક કામ કરો. એકતાળીસ દિવસ માટે તમે એક વ્રત લો કે તમારું ભોજન તમારી જાતે જ બનાવવું, ભોજનની જરૂરી સામગ્રી પણ તમારે જ લાવવાની, જેટલું રાંધ્યું હોય તેટલું તમારે જ ખાઈ જવાનું અને રસોઈ અને જમવામાં તમે વાપરેલાં વાસણો પણ તમારે જાતે જ સાફ કરવાનાં.’
સ્વામીજીમાં શ્રદ્ધાને કારણે પેલા માણસે વ્રત લીધું. પહેલે દિવસે તો અંદાજ નહીં, એટલે ઘણો બધો લોટ કેળવ્યો, તેની પુષ્કળ રોટલીઓ બની. બધું ખવાય નહીં પણ પરાણે ખાઈ ગયા.

પછી તો જેમ જેમ સભાન થતા ગયા તેમ તેમ ખબર પડી કે પોતાની જરૂરિયાતો કેટલી ઓછી છે. પછી તો એટલી જ રસોઈ બનાવવા માંડી જેટલી પોતાને માટે જરૂરી હોય. દશ દિવસ પછી સ્વામીજી પાસે આવીને કહે, ‘સ્વામીજી ! હવે મને કોઈ ચિંતા નથી.’ સ્વામીજીએ પૂછ્યું : કેમ, શું થયું કે ચિંતા નથી ?’ તો કહે, ‘બસ, મારે જોઈએ ત્રણ રોટલી, જરાક શાક અને આટલો અમસ્તો ભાત. પછી કોને માટે અને શાનેે માટે ચિંતા કરું ? મારી જરૂરિયાત કેટલી ?’

આમ જોઈએ તો આપણી જરૂરિયાત કેટલી ? આપણે જરૂરિયાતો વધારીએ એટલી વધે. પણ ખરેખર એ બધી જરૂરિયાતો ગણાય ખરી ? શાસ્ત્રો અપરિગ્રહ વ્રતનું નિદર્શન કરે છે. વગર જોઈતી વસ્તુ સંઘરવી જ નહીં. માત્ર દેખાદેખીથી આપણે કેટલુંયે કરતા હોઈએ છીએ. જીવનનું અમુક ધોરણ હોવું જ જોઈએ એ કોણ નક્કી કરે છે ? ભગવાને આપેલી બુદ્ધિનો આપણે સ્વતંત્રતાપૂર્વક ઉપયોગ કરતા નથી અને દેખાદેખી, ગાડરિયા પ્રવાહની જેમ ચાલ્યા કરીએ છીએ. લોકો તો આપણ ને કહેતા નથી હોતા કે તેમને શા અનુભવ થયા. અને એમની દેખાદેખીથી આપણે એમની પાછળ ચાલીએ છીએ.

આ પણ વાંચો:- Hu chhu tari sathe: રોહન તેને મળવાના ઉત્સાહ સાથે ઘરે પાછો ફર્યો તો મમ્મીએ કહ્યું….

એક વાર ગામડામાં પાંચેક છોકરાં ફરવા ગયા. ફરતા ફરતા બહુ દૂર નીકળી ગયા. ત્યાં એક વૃક્ષ નીચે ગણપતિની મૂર્તિ જોઈ. ગણપતિની ફાંદ તો મોટી હોય જ. ફાંદમાં ડૂંટીનું કાણું હતું. રમત કરતાં કરતાં એક છોકરાએ ગણપતિની ડૂંટીમાં આંગળી ખોસી. ખોસતાંની સાથે જ બહાર કાઢી લીધી. બીજો પૂછે કે, ‘કેમ, શું થયુું ?’ પેલાએ કહ્યું : ‘બહુ ઠંડું ઠંડું લાગે છે.’ બીજાએ આંગળી ખોસી. પછી તરત જ કાઢી લીધી. ત્રીજાએ પછ્યું : ‘કેમ, શું થયું ?’ પેલાએ કહ્યું : ‘બહુ જ મજા આવી.’ આમ, વારાફરતી પાંચેય જણાએ આંગળી નાખી. છેલ્લાએ આંગળી ખોસીને બહાર કાઢી ત્યારે ખબર પડી કે અંદર એક વીંછી બેઠેલો હતો.

જે આંગળી ખોસે તેને ડંખ મારતો હતો, પણ કોઈ બીજાને કહે જ નહીં ! તેવી જ રીતે જીવનના અનુભવોમાં બીજાઓ આપણને કહેતા હોતા નથી કે તેમને શી વીતી રહી છે અને આપણે સમજ્યા વિના જ આ ગાડરિયા પ્રવાહમાં ધકેલાયા કરીએ છીએ. મોટા થયા, કૉલેજમાં ગયા, નોકરી લીધી, પરણી ગયા, વગેરે. અંદર ઝંપલાવ્યા પછી જ ખબર પડે કે બીજાઓ કરે છે એ આપણે માટે હંમેશ યોગ્ય હોતું નથી.

માત્ર દેખાદેખીથી આપણે કેટલી બધી વસ્તુઓ કરતા હોઈએ છીએ ! કેલિફોર્નિયાની ફૅશન તરત જ ન્યૂર્યોક પહોંચે અનેે પછી ત્યાંથી અમદાવાદમાં આવે ! ત્યાં જીન્સ શરૂ થાય કે તરત જ અહીં અમદાવાદમાં પણ યુવાનો તે પહેરવા લાગે. આપણા દેશના હવામાનમાં આટલાં જાડાં જીન્સ આરામદાયક છે કે નહીં તેનો કશો જ વિચાર નહીં કરવાનો. ખાલી બહારના દેખાવથી આપણે અંજાઈ જઈએ છીએ. કશું જ ઊંડાણ નહીં. જીવનમાં કાંઈ ગંભીરતા, કાંઈ પરિપક્વતા નહીં ! જીવનના હેતુ વિષે ભાગ્યે જ વિચાર થાય કે આ જીવન શાને માટે છે ? આપણી સંસ્કૃતિ શું કહે છે ? આપણે ત્યાં શાનું ગૌરવ છે ?

આપણે ત્યાં ગૌરવ છે ત્યાગનું, તપશ્ચર્યાનું, જ્ઞાનનું. અર્થ, કામ વગેરે પ્રાપ્ત કરવામાં કશો જ વાંધો નથી. જરૂર ધન-સંપત્તિનું ઉપાર્જન કરો, પરંતુ એ પ્રાપ્તિમાં જો ધર્મ એટલે કે આપણાં મૂળભૂત મૂલ્યોનો ભોગ આપવો પડે તો એ પ્રાપ્તિનું કોઈ મૂલ્ય નથી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો