Swamiji ni vani Part-37: કસોટી: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
Swamiji ni vani Part-37: કસોટી
Swamiji ni vani Part-37: કઠોપનિષદ વર્ણવે છે કે મૃત્યુદેવ યમરાજા પાસે ત્રીજું વરદાન માગતાં બાળક નચિકેતા પૂછે છે : ‘કોઈ કહે છે કે મૃત્યુ પછી આત્મા નામનું તત્ત્વ શેષ રહે છે અને કોઈ કહે છે કે દેહથી ભિન્ન આત્મા છે જ નહીં. આપ મને આનું રહસ્ય સમજાવો.’ યમરાજા આશ્ચર્યચકિત થઈ ગયા. આટલો નાનો બાળક આત્મવિદ્યા વિશે પ્રશ્ન કરે છે, આત્મા વિષે જ્ઞાન પ્રાપ્ત કરવા માગે છે ! આવું જ્ઞાન યોગ્ય પાત્ર સિવાય તો અપાય નહીં. એટલે યમરાજા પહેલાં નચિકેતાની કસોટી કરે છે. નચિકેતાને ખૂબ બધાં પ્રલોભન આપતાં કહે છે : ‘નચિકેતા, તું આ વાત છોડી દે. આ તારે માટે નથી. દેવતાઓને પણ આ વિષયમાં સંશય રહેલા છે અને તેમને માટે પણ આ જ્ઞાન દુર્લભ છે. આથી આત્મજ્ઞાનને બદલે પુત્ર, પૌત્ર, રાજ્ય, વાહન, સુખ, સગવડ જે જોઈએ તે બધું તું માગી લે.’
નચિકેતાએ કહ્યું: ‘જે જ્ઞાન દેવતાઓને પણ દુર્લભ છે તે તો મારે વિશેષે કરીને જોઈએ. મારે સુખ-સગવડો નથી જોઈતાં. તેને હું શું કરું ?’ યમરાજાએ કહ્યું, ‘તને પૃથ્વીના ભાગોથી સંતોષ ન થતો હોય તો હું તને સ્વર્ગના ભોગ આપું.’ નચિકેતાએ જવાબમાં કહ્યું : ‘ભગવાન ! આપ જે વસ્તુઓ મને આપવા તૈયાર છો – રાજ્ય, સુખ, ઉપભોગો, વાહનો, અપ્સરાઓ, નૃત્ય, ગીત ઇત્યાદિ, એ શું હંમેશાં ટકી રહેવાનાં ખરાં ? તે આવતી કાલે હશે તેની ખાતરી ખરી ? આપ મને લાંબું આયુષ્ય આપી શકો પણ કેટલું લાંબું ? આપના આયુષ્ય કરતાં તો વધુ લાંબું નહીં જ આપી શકોને ?’ યમરાજાનું પણ એક પદ છે, અધિકાર છે અને તેની પણ મર્યાદા હોય છે. તેથી નચિકેતા કહે છે, ‘આપ ગમે તેટલું લાંબું આયુષ્ય આપો પરંતુ તે શાશ્વતની અપેક્ષાએ અલ્પ જ રહેવાનું છે. તેથી મને એવી વસ્તુ આપો જે નિત્ય હોય, સ્થાયી હોય.’
યમરાજાએ જોયું કે આ બાળક સત્યને જ શ્રદ્ધાપૂર્વક વળગી રહેલો છે અને તેથી જ્ઞાનનો અધિકારી છે ત્યારે તેમણે તેને આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો.
નચિકેતા જો ધન-સંપત્તિ, રાજપાટ, પુત્રપૌત્રાદિમાં લલચાઈ ગયો હોત તો તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શક્યો ન હોત. કહેવાનું એટલું જ છે કે ઉત્કૃષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તો નિકૃષ્ટ વસ્તુનો ભોગ આપવો જ પડે. કોઈ માણસ વ્રત લે તો તેની કસોટી તો થવાની જ છે. એ સિવાય એ વ્રતનો અર્થ જ નથી રહેતો. એટલે જીવનમાં ઉચ્ચ ધ્યેય સિદ્ધ કરવું હોય તો કસોટી તો થવાની જ, વિઘ્નો તો આવવાનાં જ. આ વિઘ્નોનો સામનો કરવા માટે આપણામાં શ્રદ્ધા જોઈએ, અંતરનું બળ જોઈએ.
શિવ-મહિમ્ન સ્તોત્રમાં એક કથાનો ઉલ્લેખ છે.
વિષ્ણુ ભગવાન શિવજીના ભક્ત છે. તેઓ દરરોજ કાશી વિશ્વનાથની ખૂબ ભક્તિભાવથી પૂજા કરે, સહસ્રનામ-અર્ચના કરે અને ભગવાનનાં શ્રીચરણમાં એક હજાર કમળ ચઢાવે. એક વાર શંકર ભગવાને એમની ભક્તિની કસોટી કરવાનો ર્નિણય કર્યો. એક દિવસ નિત્ય નિયમ પ્રમાણે સહસ્રનામ-અર્ચના ચાલી રહી હતી. એક હજારમાંથી ૯૯૯ નામના ઉચ્ચારણ સાથે શ્રીવિષ્ણુએ કમળ ચઢાવ્યાં અને ત્યાં કમળ ખૂટી ગયાં. છેલ્લા નામ સાથે ચઢાવવા માટે કમળ રહ્યું નહીં.
આપણે પૂજા કરતા હોઈએ અને કમળ ખૂટે તો ચોખા ચઢાવી દઈએ, અગર તો ઊઠીને બહારથી લઈ આવીએ, પરંતુ પૂજા પૂરી કર્યા વિના આસનેથી ઉઠાય નહીં. સંકલ્પ કર્યા પછી કામ પૂરું થાય નહીં ત્યાં સુધી આસન છોડાય નહીં. હવે પૂજા પણ કેમ કરવી ? એક કમળ ક્યાંથી લાવવું ? વિષ્ણુ ભગવાનને યાદ આવ્યું કે લોકો મને પુંડરીકાક્ષ એટલે કમળનયન કહે છે. અર્થાત્ મારાં નેત્રોને કમળ સાથે સરખાવે છે. તો મારું નેત્રરૂપી કમળ જ હું શા માટે ભગવાનને અર્પણ ન કરું !
આમ વિચારીને તેમણે પોતાની એક આંખ ઉખાડીને ભગવાનનાં શ્રીચરણમાં ધરી દીધી !
કેવી તીવ્ર ભક્તિ અને કેવી મહાન શ્રદ્ધા !
આવાં અનેક ઉદાહરણો આપણે ત્યાં છે. આપણી પાસે એટલી શક્તિ નથી, સામર્થ્ય નથી, શ્રદ્ધા નથી કે ભક્તિભાવ પણ નથી કે આપણી આંખ અર્પણ કરી દઈએ અને આપણી પાસે એટલી અપેક્ષા પણ નથી. પરંતુ આપણે ઉત્કૃષ્ટ ધ્યેય પામવા ઇચ્છતા હોઈએ ત્યારે અનેક વિઘ્નો આવવાનાં જ, કસોટી થવાની જ. એમનો સામનો કરવા માટેનો દૃઢ નિશ્ચય આપણામાં હોવો જોઈએ.
સત્યનો જ જય થાય છે એવી શ્રદ્ધા હોવી જોઈએ અને ન હોય તો ભગવાનને એ માટે સાચા દિલથી પ્રાર્થના કરવી જોઈએ.
આ પણ વાંચો:-
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો