flight

New flights will start in Surat: નવા વર્ષે સુરતવાસીઓ ભરી શકશે આ શહેરોની ઉડાન, શરૂ થઇ રહી છે આ હવાઇ સેવા- વાંચો વિગત

New flights will start in Surat: નવા વર્ષના મંગલ પ્રારંભે સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સુધીની હવાઈસેવા શરૂ કરવામાં આવી

સુરત, 03 જાન્યુઆરી: New flights will start in Surat: રાજ્ય સરકારના ગુજસેલ તથા વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરત એરપોર્ટથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો રાજ્યના નાગરિક ઉડ્ડયનમંત્રી પૂર્ણેશભાઈ મોદી તથા કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે પ્રારંભ થયો હતો. નવા વર્ષના મંગલ પ્રારંભે સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સુધીની હવાઈસેવા શરૂ કરવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, રાજયના નાગરિકોને જમીન, દરિયાઈ તથા હવાઈક્ષેત્રે ઝડપી ટ્રાન્સપોર્ટેશન સાથેની કનેક્ટિવિટી પૂરી પાડવા માટે સરકાર કટિબદ્ધ છે.

૨૧મી સદી માસ ટ્રાન્સપોર્ટેશન અને આધુનિક ટેકનોલોજીની સદી છે. ગામ ગામ વચ્ચે અને શહેર-શહેર વચ્ચે યાતાયાતની સુદ્રઢ સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. નાગરિકોને ઝડપી અને સસ્તાદરે હવાઈસેવા સુવિધા પૂરી પાડવાનો નિર્ધાર મંત્રીએ વ્યકત કર્યો હતો.

શહેરો-મહાનગરોના ઝડપી વિકાસના પરિણામે હવે એરપોર્ટ પર ટ્રાફિક વધ્યો હોવાનું જણાવીને મંત્રીએ કહ્યું કે, કોઈપણ શહેર, રાજય અને દેશના વિકાસ માટે સૌપ્રથમ માસ ટ્રાન્સપોર્ટેશનનો વિકાસ જરૂરી છે. આજે વેપાર ઉદ્યોગ માટે એર કનેક્ટિવિટી અનિવાર્ય બની ચુકી છે. એક સમયે લોકોની વિજળી અને પાણી માટેની પ્રાથમિક જરૂરિયાત રહેતી હતી. આજે મોબાઈલ નેટવર્ક અને સારા રસ્તાની કનેક્ટિવિટીની જરૂરીયાત ઉભી થઈ છે.

આગામી સમયમાં નવ પ્રગતિપંથવાળા રસ્તાઓનું નિર્માણ કરવાનું આયોજન હોવાનું જણાવીને મંત્રીએ ટુંક સમયમાં તારાપુરથી બગોદરાના રસ્તાને ખુલ્લો મૂકવામાં આવનાર હોવાનું કહ્યું હતું. જેનાથી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત રોડ માર્ગે જોડાણ વધશે. ભિલાડથી લઈ કચ્છના નારાયણ સરોવર સુધી કોસ્ટલ હાઇવેનું નિર્માણ કરીને દરિયાકિનારાના રસ્તાઓને જોડીને લોકોને ઝડપી સુવિધા મળે તે માટેનું આયોજન હોવાનું તેમણે કહ્યું હતું. સુરતથી હાંસોટ, જબુસર, ખંભાતથી થઈ ભાવનગરને જોડતા હાઈવેના નિર્માણ તરફ આગળ સરકાર આગળ વધી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Pocso case: ઇડર ખાતે પોક્સોના આરોપીને આજીવન કેદ, કેસ ચાલવા દરમિયાન પણ અન્ય સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

આ અવસરે કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, હવાઈ ચપંલ પહેરનાર પણ હવાઈ મુસાફરી કરી શકે તેવા વડાપ્રધાનના સ્વપ્નને સાકારિત કરવા માટે સરકાર આગળ વધી રહી છે. શહેરના વેપાર અને ઉદ્યોગના ઝડપી વિકાસને પરિણામે રોડ કનેકટીવીમાં વધારો થાય તે જરૂરી છે. જેથી સરકાર પણ કનેકટીવી ઉભી કરવા માટે ઝડપી કાર્ય કરી રહી હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું કે, આ હવાઈ સેવાના કારણે એરટ્રાવેલ માટે ૮ થી ૧૨ કલાકનો સમય થતો હતો તેના સ્થાને એક કલાકમાં પહોચી શકશે. જેના કારણે વેપારીઓથી લઈને આમ આદમીને સમયની બચત થશે, જે બદલ સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે પોલીસ કમિશનર અજય તોમર તથા સુરત એરપોર્ટ ડાયરેકટર અમન સૈનીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.આ અવસરે સુરત શહેરને સ્વચ્છ અને સુરક્ષિત રાખનારા પોલીસ જવાનો તથા સ્વચ્છતા દૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા.સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યોજાયેલા સમારોહમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટિલ, અરવિંદ રાણા, પ્રવિણ ઘોઘારી, વી.ડી.ઝાલાવાડિયા, વિવેક પટેલ, વેન્ચુરાના સવજીભાઈ ધોળકીયા, અગ્રણી લવજીભાઈ બાદશાહ, કેપ્ટન અજય ચૌહાણ, ગુજસેલના CEO અજય ચૌહાણ, વેન્ચુરાના CEO મનુભાઈ સોજીત્રા, કેપ્ટન ઈશ્વર ધોળકિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ઝડપી અને પોષણક્ષમ હવાઈસેવાથી ઈમરજન્સીના સમયે ફાયદો થશે: ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે.

આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડતી સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ લિ. દ્વારા તા.૧ જાન્યુ.૨૦૨૨ થી ૯ સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી; આ ૪ સેક્ટર પર દૈનિક ફ્લાઈટ શરૂ થઈ છે. રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે કરવામાં આવેલા કરાર અનુસાર આ ઝડપી હવાઈસેવા દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે.વેન્ચુરા દ્વારા વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર ૩૦ મિનિટમાં, સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં, સુરતથી અમદાવાદ ૬૦ મિનિટમાં અને સુરતથી રાજકોટ ૬૦ મિનિટમાં સફર પૂર્ણ થશે.

રાજ્ય સરકારના સહયોગથી શરૂ થયેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ. ૧૯૯૯ ટિકિટદર રાખવામાં આવ્યો છે. આમ,નવા વર્ષે સુરતને નવી ઉડ્ડયન સેવાનો સુરતવાસીઓને લાભ મળ્યો છે.

Whatsapp Join Banner Guj