Girnar parikrama

Girnar Lili Parikrama: લીલી પરિક્રમા @ ગિરનાર : નિલેશ ધોળકીયા

Girnar Lili Parikrama: નમીએ ગિરનાર, તુને વંદીએ ગિરનાર : ગિરનાર એ જ્વાળામુખી દ્વારા બનેલો પર્વત છે જ્યાં સિધ્ધચોરાસી સંતોના બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પવિત્ર ભૂમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા, સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજ(સિંહ) જગ પ્રસિધ્ધ છે.આવી આ ધરતી પર ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમાને લીલી પરિક્રમા કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. આ પરિક્રમા કારતક સુદ અગિયારસથી ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે.

Girnar Lili Parikrama by Nilesh Dholakia

સમય બદલાતા, આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય છે, કારણકે ગિરનારમાં એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્કૃતિ જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી, તમામ તણાવથી દુર પ્રકૃતિના ખોળે અને જંગલની હરિયાળી વચ્ચે વહેતા ઝરણાઓની સાથે, કલરવ કરતા પક્ષીઓ સાથે પ્રકૃતિના ખોળામાં જીવનની ભાગદોડથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારના દુ:ખ ભુલીને આવનાર સમયમાં સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે.

કેડીઓ, ધૂળિયા રસ્તા, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. આશરે ૩૬ કી.મી.ની યાત્રાના છેલ્લા દિવસે એટલે કે કારતક સુદ પૂનમ, દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. યાત્રિકો ગિરનાર ચડે છે. દેવસ્થાનોના દર્શન કરે છે. મહાદેવના દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે.

ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળીપરબ 1800 ફૂટની ઊંચાઈ ધરાવે છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને 866 મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. લોકમાન્યતા મુજબ ગિરનારના કુલ 9,999 પગથિયા છે. 15મી સદીના કવિ નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરતા હતા અને તેમના મોટા ભાગના પ્રભાતિયા તેમણે અહીં રચ્યા હોવાનું મનાય છે. પાંચ શિખરો પર આવેલા મંદિરોને જોડતાં પથરાળ માર્ગ પર આગળ વધતા હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયના અસંખ્ય મંદિરો જોવા મળે છે. તમામ ધર્મના સ્થપત્યો અહીં જોવા મળે છે. સર્વ ધર્મના મિલનની જગ્યા જ લાગે.

આ પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્કૃતિ અને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ-સુવિધાથી દુર પ્રકૃતિના ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓના કલરવ સાથે પ્રકૃતિની ગોદમાં જીવનના ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારના દુ:ખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથું બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે.

યાત્રા દરમિયાન કેડીઓ, ધૂળિયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળે કળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો છે. જૂનાગઢ શહેરથી ૫ કી.મી. દુર ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ અગિયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને બંધુકના ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે. જીણાબાવાની મઢી છે ત્યાં નવાબી કાળમાં જીણાબાવા નામના સંત ધૂણી ધખાવીને રહેતા હતા. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. તેરસના દિવસે ભગવાન સૂર્યનારાયણના પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે.

આ પણ વાંચો:- Miracle: શું ખરેખર ચમત્કાર થાય છે?

પુરાણો મુજબ બ્રહ્મા ભગવાન પૃથ્વીની યોજના કરતી વખતે તેઓએ પર્વતની પાંખો કાપી નાખી જેથી પવનની ગતિ પ્રતિ કલાક 20 થી 100 કિ.મી. થઈ ગઈ. તેની બહેનનાં લગ્નમાં હિમાલય જવા માટે ગિરનાર દરિયાની બહાર નીકળ્યો અને સમુદ્રથી માત્ર 50 કિ.મી. દૂર જમીન પર સ્થિર થયો. ગિરનારને હિમાલય જવા માટે કોઈ શક્ય ન થયું તેથી ત્રિપુરી પૂર્ણિમા પર માતા પાર્વતી ભગવાન શિવ સાથે ગિરનાર આવ્યા શિવ પાર્વતીના લગ્નમાં સર્વ ભગવાન ઋષિ મુનિ, નવગ્રહ અષ્ટ સિદ્ધિ નવનિધિ 52 વીર 64 દેવી 11 જળ દેવતા, નવનાગ, અષ્ટ વસુ, કુબેર ભંડારી તે બધાએ શિવ પાર્વતી સાથે 4 દિવસ ગિરનારની પરિક્રમા કરી, તે સમય દરમિયાન બધા દેવતાઓ ગિરનારના જંગલમાં રહ્યા હતા. કાર્તિક એકાદશીથી કાર્તિક પૂર્ણિમા સુધી તમામ દેવી-દેવતાઓ ગિરનાર પર્વતના જંગલના માર્ગમાં રોકાયા હતા.

લોકોમાં પ્રિય ગોરજી કાંતિલાલ કહેતા કે ગિરનાર ઉપર પથ્થર ચટ્ટીની જગ્યામાં રહેતા હરનાથગર નામના અઘોરીએ એકવાર કોઈ બ્રાણના પુત્રને ઉપાડી લાવીને તેનું ભક્ષણ કર્યું હતું. તે બ્રાહ્મણ પુત્રને શોધતાં શોધતાં ગિરનાર ઉપર આવ્યો પરંતુ પુત્ર ન મળવાથી અત્યંત દુઃખી હૃદયે તે ગિરનારના અધિષ્ઠાયક દેવોને પ્રાર્થના કરે છે. બ્રાણના આક્રંદ થી તુષ્ટ થયેલ વરદત્ત શિખરના અધિષ્ઠાયક દેવ જાગૃત થયા, તેમની સહાયથી પેલો બ્રાણપુત્ર પુનઃ જીવિત થયો અને અધિષ્ઠાયક દેવે તે અઘોરીને લાકડી વડે ખૂબ માર મારતાં તે અઘોરી લંગડો થઇ ગયો, ત્યારબાદ ઘણા અઘોરીઓ ગિરનાર છોડીને ચાલ્યા ગયા.

ગિરનારના શ્રી નેમિનાથ દાદાની પૂજા કરનાર આરાધક આત્માઓ ધન્ય બની જાય છે, એકવાર એક યોગી પુરૂષને જીવતા સળગાવી દેવામાં આવ્યા હોવા છતાં તે મહાત્માએ ભડભડ બળતાં અગ્નિમાંથી સહજતાપૂર્વક બહાર નીકળીને કલકત્તાના અંગ્રેજ ગવર્નરને આશ્ચર્ય પમાડી દીધા હતાં. ગિરનારની ગુફામાં વસતાં નાગાબાવાઓ મહાશિવરાત્રિના મેળાના અવસરે અનેકવિધ અકલ્પનીય યોગના દાવો દ્વારા સૌને આશ્ચર્યમુગ્ધ કરતાં હોય છે. આજે પણ ઘણા અઘોરીઓ ગિરનારની ગુફામાં વસે છે.

લોકોક્તિ અનુસાર એકવાર એક બાવાએ જંગલમાં કોઈ રસ કુપિકાની શોધ કરીને તેમાંથી રસ લઈને એક તુંબડીમાં ભરી દીધો હતો, રાત્રે કોઈ સોનીને ત્યાં રોકાણ કરી બીજા દિવસે સવારે ઉઠીને તે પોતાના રસ્તે ચાલી નીકળ્યો હતો. સોનીના ઘરમાં જ્યાં જ્યાં તુંબડીમાં રહેલા રસના છાંટા હતા તે તે વસ્તુઓ સોનાની બની ગઈ હતી. આ ઘટનાનો ખ્યાલ આવતાં સોનીએ તાત્કાલિક તે બાવાને શોધવાના પ્રયત્નો કર્યા પરંતુ તે બાવાનો કોઈ પત્તો ન લાગ્યો. કાળી ટેકરીની આગળની ટેકરીને વલ્મિકી ઋષિની ટેકરી કહે છે. તે સ્થાનની આગળ જટાશંકર જવાનો રસ્તો આવે છે, તે માર્ગમાં પ્રથમ ‘પુતળીઓ ગોળો’ નામની જગ્યા આવે છે. તે સ્થાન ઉપર ચોખાના આકારના પથરાઓ જોવા મળે છે.

વાયકાઓ તેમજ દંતકથા અન્વયે ગબ્બર અથવા ગધ્ધેસિંહનો ડુંગર પાંચમીટૂંકના નૈઋત્ય ખૂણામાં છે, ત્યાં શાશ્વતી પ્રતિમાઓ છે પરંતુ તેમાં કુંજ ધ્રુવ નામનો ઝરો છે તેને તાંતણીયો ધરો પણ કહેવાય છે. તેમાં રતન બાગમાંથી શુદ્ધ નિર્મળ જળ આવે છે અને અગાધ હોવાથી તેનો કોઈ પાર આવતો નથી તેથી તે શાશ્વતી પ્રતિમાના સ્થાન સુધી કોઈ પહોંચી શકતું નથી. આ તાંતણીયો ધરો બીલખા તરફ થઈને હોજતને મળે છે. ગબ્બર અને દાતારના ડુંગરની વચ્ચે નવનાથ, ૮૪ સિદ્ધની ટેકરી છે, તેને હાલ ટગટગીઆનો ડુંગર કહે છે. આ ટગટગીઆના ડુંગરથી રત્નેશ્વર અને ત્યાંથી કાળીના મુકામે જવાય છે.

આ ડુંગરમાં પૂર્વે ઘણા અઘોરીઓ રહેતા હતા. ગિરનારમાં એવી વનસ્પતિ છે જેના મૂળિયા રાંધીને ખીચડી બનાવીને ખાવાથી છ-છ માસ સુધી માણસની ભૂખ ખલાસ થઈ જાય છે. ગિરનારમાં એવી વનસ્પતિ છે જેમાંથી દુધ નીકળે છે. તે દુધના ૩-૪ ટીપાં આપણા સાદા દુધમાં નાખવામાં આવે તો પાંચ જ મિનિટમાં તે દહીં બની જાય છે. આવી ઘણી રસપ્રદ જાણકારી ગિરનારની લીલી પરિક્રમામાં વધુ જીજ્ઞાસ જગાડતી રહેતી હોય છે. વરસાદી માહોલ મચાવે છે કોલાહલ !

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *