Gujarat foundation day

Gujarat 62th foundation day: ગુજરાત સ્થાપના દિવસના અવસરે એક નજર નાખીયે ગુજરાતનાં ગૌરવવંતા ઇતિહાસ પર વૈભવી જોશીની કલમે…

Gujarat 62th foundation day: “ઉત્તરે ઇડરિયો ગઢ ભલો, દખ્ખ્ણે દરિયાની અમીરાત,
ખમીર જેનું ખણખણે, એ છે ધમધમતું ગુજરાત”

ગરબા, ગાંઠિયા, ખાખરા, થેપલાં, ઢોકળાં, મનમોજીલાં અને ખમીરવંતા માણસો – આ તમામ વસ્તુઓ જેની ઓળખ છે, એ છે “આપણું ગુજરાત”.

Gujarat 62th foundation day: આજે આપણા ગુજરાતનાં ૬૨માં સ્થાપનાં દિવસનાં અવસરે એક અછડતી નજર નાખીયે ગુજરાતનાં ગૌરવવંતા ઇતિહાસ પર.
ગુજરાતનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે. પ્રાચીન કાળમાં ગુજરાતને ‘આનર્ત પ્રદેશ’ તરીકે ઓળખવામાં આવતો હતો. આ આનર્ત પુત્ર રેવત દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્ણએ વ્રજ છોડીને સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકા નગરી વસાવી હતી. કૃષ્ણએ જે નગરી વસાવી હતી તે સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હોવાનું ભલે કહેવાય છે, પરંતુ તેનાં પુરાવાં સમયાંતરે મળતાં જ રહે છે.

Gujarat 62th foundation day, Vaibhavi Joshi

ગુજરાતનાં લોથલ અને રામપુર જેવાં વિસ્તારોમાંથી હડપ્પન સંસ્કૃતિનાં અવશેષ મળી આવ્યાં છે. થોડો ઈતિહાસ મોર્યવંશમાં પણ મળી આવ્યો છે. ત્યાર પછી મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકીવંશની સ્થાપનાં કરી. અહીં ગુર્જર જાતિનાં લોકોનો મોટો વસવાટ હોવાથી આ વિસ્તાર ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો. પ્રાચીનકાળમાં ગુજરાતને ‘પશ્ચિમ ભારતનું ઘરેણું’ પણ કહેવાતું હતું.

આઝાદી પહેલાથી ગુજરાત રાજ્યનો વિચાર વહેતો થયો હતો. ગુજરાતની રચનાં ભલે ૧૯૬૦માં થઈ હોય, પરંતુ તેનો વિચાર ‘કુમાર’ નામનાં એક સામયિકમાં ૧૯૨૮માં વહેતો થયો હતો. લેખક અને આઝાદીનાં લડવૈયા ક.મા.મુનશીએ ‘મહાગુજરાત’ વિચારને વહેતો મુક્યો હતો. ૧૯૩૭માં કરાચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય સભામાં આ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. એ જ રીતે ગુજરાત રાજ્યનો પ્રથમ નકશો દેવશવજી પરમારે લખેલા ‘ઉથરીષ્ટ જાગરત’ નામની કવિતાનાં આગળનાં ભાગમાં જોવા મળ્યો હતો.

વર્ષ ૧૯૫૬માં ‘સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન એકટ’ દ્વારાં રાજયોની સીમાં નક્કી કરવામાં આવેલી. તે સમયે એક બોમ્બે રાજ્ય હતું, જેમાં ગુજરાતી, કચ્છી, મરાઠી અને કોંકણી ભાષા બોલનારાં લોકો વસતાં હતાં. ૧ લી મે, ૧૯૬૦નાં રોજ ગુજરાત રાજ્યની સ્થાપનાં કરવામાં આવી, આ જ દિવસે મહારાષ્ટ્રની પણ સ્થાપના થઈ હતી. ગુજરાતી અને કચ્છી બોલનારાં લોકોનું એક અલગ રાજ્ય હોય તેવી માંગ સાથે, મહાગુજરાત આંદોલન થયું. અમદાવાદ ખાતે થયેલા આ આંદોલનમાં અમુક વિધાર્થીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો.

આંદોલનમાં શહીદ થયેલા વિદ્યાર્થીઓની સ્મૃતિમાં લાલ દરવાજા પાસે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું. ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત આંદોલનને સંભાળતા હતા. અંતે પ્રેસિડેન્ટ રાજેન્દ્ર પ્રસાદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂએ ગુજરાત અને મહારાષ્ટ્ર હવેથી આ બે અલગ રાજ્ય છે, તેમ ઘોષિત કરવા સંમત થયા અને ૧ લી મે નાં રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્ય આ રીતે સ્થપાયા.

મહારાજા સયાજીવાર ગાયકવાડે કલા-સંસ્કૃતિ માટે ખૂબ કરેલું પણ જે સમયે અસ્પૃશ્યતાં ચરમસીમાએ હતી તેવાં સમયે ભીમરાવ આંબેડકરને શિષ્યવૃત્તિ આપી પરદેશ ભણવાં મોકલ્યાં હતાં. હેમચંદ્રાચાર્ય જેવા સાધુએ ગુજરાતી વ્યાકરણનો ગ્રંથ તૈયાર કર્યો. મૂકસેવક રવિશંકર મહારાજે ભટકેલાં લોકોને માર્ગ પર પાછા લાવવાની સેવા કરી. પૂ. મોટાએ મૌન મંદિર સ્થાપ્યું. સ્વામી દયાનંદ સરસ્વતી જેમણે આર્ય સમાજ રચ્યો તેઓ પણ ગુજરાતી ને જલારામ બાપા પણ ગુજરાતી.

સંતો જેસલ તોરલ, પાનબાઈ, ગંગાસતી, બજરંગદાસ બાપા, પ્રમુખ સ્વામી, પણ ગુજરાતી. સ્વામીનારાયણ સંપ્રદાય પણ ગુજરાતમાં જ સ્થપાયો. આ સંપ્રદાયે દેશ-વિદેશમાં હિન્દુ ધર્મને પ્રસરાવ્યો છે. આજે મોરારીબાપુ યુ.એ.ઈ.થી લઈને રોમ સુધી રામકથાને લઈ ગયા છે તો રમેશભાઈ ઓઝા ભાગવતનાં સારને દેશવિદેશમાં ફેલાવી રહ્યાં છે.

ગુજરાત સતત વિકસતું રહ્યું છે અને રહેશે. ગુજરાતમાં સરદાર પટેલ જેવા નેતા પણ થયાં અને નરેન્દ્ર મોદી પણ થયાં જેમણે સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતનું જ નહિ પણ ભારતનું નામ પણ ગૂંજતું અને સંભળાતું કર્યું. વિશ્વનાં સૌથી ૨૦ ધનવાન વ્યક્તિઓમાં સ્થાન પામતાં મૂકેશ અંબાણી પણ ગુજરાતી. ભારતીય રીઝર્વ બૅન્કનાં પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલ પણ ગુજરાતી.

ક્રિકેટરોમાં જામ રણજીતસિંહજી, કરશન ઘાવરી, ચંદુ બોરડે, સલીમ દુરાની, અંશુમન ગાયકવાડ, વિકેટ કીપર તરીકે જાવેદ મિંયાદાદ જેવા બૅટ્સમેનને ચીડવનાર કિરણ મોરે, અતુલ બેદાડે, નયન મોંગીયા, અજય જાડેજા (જોકે તે ભારતીય ટીમમાં હરિયાણા તરફથી પ્રવેશ પામ્યાં હતાં), પાર્થિવ પટેલ, ઈરફાન પઠાણ, યુસૂફ પઠાણ, અક્ષર પટેલ, ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બૂમરાહ, અક્ષર પટેલ…હજુ પણ કેટલાંક નામો રહી ગયા હોય તો નવાઈ નહીં.

ગુજરાતે હંમેશા ભારત દેશને દિશા બતાવી છે. કદાચ સરદાર પટેલ નામનાં એક ગુજરાતી આ દેશને ન મળ્યાં હોત તો આજે પણ આપણો દેશ એક ન થઈ શક્યો હોત. ગુજરાતની તાસીર અલગ છે, ગુજરાતનાં રીત-રીવાજો, સાહિત્ય, લોકગીતો, બાળગીતો, લગ્નગીતો, કવિતાઓ, ગઝલો, હઝલો, નઝમો, આધ્યાત્મિક સ્થાનો, પ્રાકૃતિક સ્થળો, ઐતિહાસિક સ્થળો સહિત તમામ વસ્તુ ગુજરાત પાસે અદભૂત છે.
આવો આપણે પણ સૌ સહભાગી થઈ આપણાં રાજ્યને સફળતાનાં શિખરે કાયમ રહે તેવા સંપૂર્ણ પ્રયત્નો કરવાનાં પ્રણ લઈએ.
ક્રુષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું.

હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું.
વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું. હા… હું ગુજરાત છુ…!!

એવાં ગુજરાતનાં સૌ નાગરિકોને જય જય ગરવી ગુજરાત અને ગુજરાતનાં સ્થાપનાં દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!

આ પણ વાંચો..Canadian People Protest: કોવિડ-19 પ્રતિબંધોનો વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની થઇ ધરપકડ- વાંચો શું છે મામલો?

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *