Amdavad Chhath Pooja: અમદાવાદમાં છઠપૂજા મહાપર્વમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Amdavad Chhath Pooja: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના મંત્રને દેશના રાજ્યોના પારંપારિક ઉત્સવો સાકાર કરે છે: મુખ્યમંત્રી
વ્યવસાય-ધંધા-રોજગાર-નોકરી માટે દેશભરમાં વસેલા વિવિધ રાજ્યોના સમુદાયો ઉત્સવોની ઉમંગ ઉજવણીથી પોતાની સંસ્કૃતિને સદાકાળ જીવંત રાખે છે: ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ, 07 નવેમ્બર: Amdavad Chhath Pooja: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં છઠ મહાપર્વ પૂજા ઉત્સવમાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “એક ભારત-શ્રેષ્ઠ ભારત”નો જે મંત્ર આપ્યો છે તેને વિવિધ રાજ્યોના પારંપારિક ઉત્સવો સાકાર કરે છે.
આ છઠ પૂજાનું આયોજન છઠ મહાપર્વ સમન્વય ટ્રસ્ટ, હિન્દી ભાષી મહાસંઘ અને માં જાનકી સેવા સમિતિના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં વસતા બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ વિસ્તાર સહિતના પરિવારો આ છઠ પૂજા ઉત્સવમાં ઉમંગ ઉલ્લાસથી જોડાયા હતા.
મુખ્યમંત્રીએ ઉત્સવો અને પર્વોને ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ ગણાવતા કહ્યું કે, વ્યવસાય, ધંધા, રોજગાર કે નોકરી માટે દેશભરમાં વસેલા બિહાર, ઝારખંડ અને અન્ય રાજ્યોના પરિવારો જ્યાં વસ્યા છે ત્યાં આવા ઉત્સવો ઉજવીને પોતાની સંસ્કૃતિને સદાકાળ જીવંત રાખે છે. તેમણે ઉમેર્યું કે, દેશના અનેક રાજ્યોના લોકોએ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી છે. આવા લોકોને પારંપારિક પર્વની ઉજવણીમાં પોતાના વતન જેવું વાતાવરણ મળે એ માટે આ છઠ પૂજા જેવા મહાપર્વનું આયોજન ગુજરાતમાં પણ કરાય છે.
વડાપ્રધાનએ “વસુધૈવ કુટુંબકમ”નો જે ધ્યેય રાખ્યો છે તેને સૌ સાથે મળીને આવા ઉત્સવોની ઉજવણીથી સાકાર કરે છે તેનો આનંદ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નવરાત્રી, ઉતરાયણ જેવા તહેવારો જેમ ગુજરાતની આગવી ઓળખ બન્યા છે તેમ છઠ પૂજા ઉત્સવએ બિહાર સહિત ઉત્તર ભારતના રાજ્યોની આગવી પહેચાન બન્યો છે. તેમણે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાનએ આપેલા સંકલ્પને પાર પાડવા સૌ દેશવાસીઓ સાથે મળીને “એક બની, નેક બનીને” આગળ વધે તેવી અપેક્ષા વ્યક્ત કરતાં છઠ મહાપર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
છઠ મહાપર્વ આયોજન સમિતિના ટ્રસ્ટી લલિત કુમાર ઝાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને પૂજા ઉત્સવની મહત્વતા વર્ણવી હતી.
આ પણ વાંચો:- Parikrama Mela Special Train: જૂનાગઢ પરિક્રમા મેળા માટે દોડશે સ્પેશિયલ ટ્રેન
આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર, રાજ્યના પૂર્વ મંત્રી આઇ.કે.જાડેજા, પ્રદીપ પરમાર અને બિહાર સહિતના રાજ્યોના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.