Dr bidhan chandra roy

National Doctor Day: નેશનલ ડૉકટર્સ દિવસ કેમ ઉજવવામાં આવે છે? મોટા ભાગનાં લોકો એની પાછળનું કારણ નથી જાણતાં

(વિશેષ નોંધ: લેખ કદાચ લાંબો લાગે પણ આજનાં (National Doctor Day)ડોક્ટર્સ ડે નિમિત્તે આ ૨ મહાન પ્રતિભાઓ વિશે તો જાણવું જ રહ્યું. આ બંને વિરલ પ્રતિભાઓનાં નામ ઇતિહાસમાં સ્વર્ણિમ અક્ષરે કોતરાયેલાં છે એટલે એમનું આછું પાતળું જીવન ઝરમર મુકવાનો પ્રયાસ કર્યો છે.)

google news png

National Doctor Day: દર વર્ષની જેમ આજે પણ તબીબોની પ્રમાણિકતા અને કર્તવ્યપરાયણતા માટે સન્માન પ્રગટ કરવાં હેતુ નેશનલ ડૉકટર્સ ડે ઉજવવામાં આવી રહ્યો છે. ડૉક્ટર્સની ઉપલબ્ધિઓ અને મેડિકલ ક્ષેત્રે નવાં પરિમાણો મેળવવા માટે આજનાં દિવસે ડૉક્ટર્સનું સન્માન કરવામાં આવે છે.

આપણા દેશમાં દર વર્ષે પહેલી જુલાઈએ નેશનલ ડૉકટર્સ (National Doctor Day) દિવસ ઉજવવામાં આવે છે પણ મોટા ભાગનાં લોકો એની પાછળનું કારણ અથવા મહત્વનાં વ્યક્તિનું યોગદાન નથી જાણતાં. દેશના મહાન ચિકિત્સક અને પશ્ચિમ બંગાળનાં બીજા મુખ્યમંત્રી ડૉ. બિધાનચંદ્ર રોયનાં સન્માનમાં આ દિવસ મનાવવામાં આવે છે.

Vaibhavi Joshi, writer

કેન્દ્ર સરકાર દ્વારાં વર્ષ ૧૯૯૧થી આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી જેથી આપણા જીવનમાં તબીબોનું શું મહત્વ છે તેનાં પર પ્રકાશ નાખી શકાય. એ સિવાય મેડીકલ ક્ષેત્રમાં નવી સિદ્ધિઓ અને સંશોધનો કરનારાં ડૉક્ટરોને સન્માન કરવા માટે પણ ભારતમાં દર વર્ષે ૧લી જુલાઇએ ડૉક્ટર્સ દિવસ (National Doctor Day) ઉજવાય છે. એટલું જ નહીં મેડિકલ સ્ટુડન્ટ્સને પ્રેરિત કરવાં માટે શાળા અને કોલેજોમાં મેડિકલ સાથે જોડાયેલ અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.

વિશ્વમાં અલગ-અલગ દેશોમાં અલગ-અલગ દિવસે ડૉક્ટર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડૉક્ટર્સ દિવસની સૌપ્રથમ શરુઆત યુ.એસ.નાં જ્યોર્જિયામાં થઇ હતી. ૩૦ માર્ચ, ૧૯૩૩નાં રોજ યુડોરા બ્રાઉન એલ્મંડએ ડૉક્ટરોનાં સન્માન કરવા માટે ડૉક્ટર ડે ઉજવવાનું નક્કી કરેલું. ડો.બી.સી.રોયનો જન્મ ૧ જુલાઈ, ૧૮૮૨માં થયો હતો અને તેમનું અવસાન ૮૦ વર્ષની ઉંમરે ૧લી જુલાઈ ૧૯૬૨માં થયું હતું. તેમનો જન્મદિવસ અને પુણ્યતિથી એક જ તારીખે આવે છે એટલે તેમનાં માનમાં ભારત સરકારે દર વર્ષે ૧લી જુલાઇને ડૉક્ટર દિવસ તરીકે ઉજવવાનું નકકી કર્યું છે.

આ પણ વાંચો:- Swamiji ni vani Part-32: શું માત્ર ધન-સંપત્તિથી આપણને સંતોષ થવાનો છે? વિચારજો જરૂરથી..

આવી વિરલ પ્રતિભાનાં જીવન ઝરમર પર થોડી નજર દોડાવીએ તો કલકત્તામાંથી તબીબી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડો. રોયે લંડનમાંથી એમ.આર.સી.પી. અને એફ.આર.સી.એસની ડિગ્રી મેળવી હતી. ૧૯૧૧માં તેઓ ભારત પાછા ફર્યા અને ફિઝીશીયન તરીકે ભારતમાં જ તેમની પ્રેકટીસ શરુ કરી, ત્યારબાદ તેઓ કોલકત્તા મેડિકલ કોલેજ અને કેમ્પબેલ મેડિકલ સ્કૂલમાં જોડાયા.

તેઓ ખૂબ જ જાણીતાં ફિઝીશીયન અને શિક્ષણવિદ્ હતા. મહાત્મા ગાંધીની સવિનય કાનૂનભંગની ચળવળમાં પણ જોડાયાં હતાં અને ઇન્ડિયન નેશનલ ક્રોંગ્રેસનું નેતાપદ પણ શોભાવ્યું હતું. ડૉક્ટર તરીકે તેમણે દેશના નાગરિકોની નિઃસ્વાર્થ સેવા કરી અભૂતપૂર્વ લોકચાહના મેળવી હતી. ૧ જુલાઇ ૧૯૬૨માં ડો. રોયનાં દુઃખદ નિધન બાદ તેમને ભારતનાં સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યાં હતા.

આજનાં ડૉક્ટર્સ દિવસ નિમિત્તે અન્ય એક વિરલ પ્રતિભા વિશે પણ બધા એ ખાસ જાણવું જોઈએ અને એ છે આપણા દેશની પહેલી મહિલા ડૉક્ટર આનંદી ગોપાલ જોશી. તેઓ ત્યારે દેશમાં ડૉક્ટર બનીને વિદેશથી પરત આવ્યા હતાં, જયારે દેશમાં મહિલાઓ માટે ભણતર ન હતું, તેમાં ખૂબ રોકટોક થતી હતી. એમનાં જીવનની કહાની ખૂબ હ્યદયસ્પર્શી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આનંદીબેનનાં લગ્ન ૯ વર્ષની ઉંમરમાં લગભગ ૨૫ વર્ષનાં ગોપાલરાવ જોશી સાથે કરાવી દેવાયા હતાં. તેમનું ઘર ખૂબ રૂઢીવાદી હતું. લગ્ન બાદ તેમનું નામ આનંદી ગોપાલ જોશી પડ્યું.

પુણેમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી આનંદી જોશીની જીવન કથા સંવાદ પ્રકાશને પ્રકાશિત કરી છે, જેમાં તેમનાં જીવન સંઘર્ષ અને સમાજની રૂઢીઓને તોડીને આગળ વધવાની કહાની છે. તેમની જીવન કથા અનુસાર ગોપાલરાવની આનંદીબેન સાથે લગ્નની શરત જ તે હતી કે તેણી આગળ ભણશે. આનંદીબેનનો માવતર પક્ષ એમનાં ભણતરની વિરુદ્ધ હતો. લગ્ન સમયે આનંદીબેનને અક્ષર જ્ઞાન પણ ન હતું. ગોપાલરાવે એમને શબ્દો શીખવ્યા હતા. નાનકડી આનંદીને ભણતર સાથે ખાસ લગાવ ન હતો. તેને લાગતું હતું કે જે સ્ત્રી ભણે છે, તેનો પતિ મૃત્યુ પામે છે.

આનંદીબેનને ગોપાલરાવ ખીજાઇને ભણાવતાં હતા. એક વખત તેમણે આનંદીબેનને ખીજાઇને કહ્યું કે, જો તું ભણીશ નહીં તો હું મારો ધર્મ બદલીને ખ્રિસ્તી બની જઇશ. અક્ષરજ્ઞાન બાદ ગોપાલરાવ આનંદીબેન માટે આગળનાં ધોરણનાં પુસ્તકો લાવ્યા. ત્યાર બાદ તેઓ થોડા દિવસો માટે શહેરથી બહાર ચાલ્યાં ગયા. જ્યારે પરત આવ્યાં તો જોયું કે આનંદીબેન ઘરમાં રમી રહ્યા હતા. ત્યારે તેઓ ગુસ્સે થઇને બોલ્યા, તું વાંચતી કેમ નથી. આનંદીબેનએ જવાબ આપ્યો, જેટલી પુસ્તક હતી બધી વાંચી લીધી.

જીવનમાં લાગેલાં એક મોટા આઘાતે આનંદીબેનને ડૉક્ટર બનવા માટે પ્રેરિત કર્યા હતા. જ્યારે તે માત્ર ૧૪ વર્ષનાં હતાં, ત્યારે માતા બન્યા પણ માત્ર ૧૦ દિવસમાં જ એમણે પોતાનું નવજાત બાળક ગુમાવી દીધું. આ તેમના માટે એક મોટો ઝટકો હતો. ત્યારે એમણે નિશ્ચય કર્યો કે તે એક દિવસ ડૉક્ટર બનીને દેખાડશે અને આવા કસમયનાં મોતને રોકવા માટે પ્રયત્નો કરશે.

આ મામલે એમનાં પતિએ તેમનો દરેક પગલે સહકાર આપ્યો હતો. તે સમયે વિવાહિત મહિલાઓ માટે વિદેશમાં જઇને ભણવું ખૂબ મુશ્કેલ હતું. સમાજની ટીકાઓ અને રૂઢીઓથી વિચલિત થયાં વગર તેઓ અમેરિકા ભણવા માટે ગયેલા. આનંદીબેનએ કોલકાતાથી પાણીનાં જહાજ દ્વારાં ન્યૂયોર્ક સુધીની યાત્રા કરી. એમણે પેંસિલ્વેનિયાની વૂમન મેડિકલ કોલેજમાં ચિકિત્સા કાર્યક્રમમાં દાખલ થવાં માટે નામાંકિત કરાયા. જે વિશ્વમાં બીજો મહિલા ચિકિત્સા કાર્યક્રમ હતો.

National Doctor Day

આનંદીબેનએ વર્ષ ૧૮૮૬માં માત્ર ૧૯ વર્ષની ઉંમરમાં એમ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેઓ એમ.ડી.ની ડીગ્રી મેળવનાર અને સાથે પ્રથમ ભારતીય મહિલા ડૉક્ટર બન્યા. વર્ષ ૧૮૮૬નાં અંતમાં આનંદીબેન ભારત પરત આવ્યા, જ્યાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કોલ્હાપુર રિયાસતે એમને સ્થાનીય એડવર્ડ હોસ્પિટલની મહિલા વોર્ડની ચિકિત્સક પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતાં.

આજનો આ દિવસ ડોક્ટર્સનાં યોગદાનને સમર્પિત છે અને આ દિવસે સામાન્ય જનતાને ડોક્ટર્સનાં મહત્વ વિશે જાણકારી આપવામાં આવે છે. ડોક્ટર્સને હંમેશા ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. એવું એટલા માટે કારણ કે તેઓ હંમેશા પોતાનો સમય અને જીવની ચિંતા કર્યા વગર પોતાના દર્દીઓનો જીવ બચાવવાનો પ્રયાસ કરે છે. કોરોના કાળમાં ડોક્ટર્સે આ વાતને ખરા અર્થમાં સાબિત કરી છે. કોઇ પણ ગંભીર તબીબી સમસ્યામાંથી આપણને ઉગારવા માટે ડોક્ટર હંમેશા તૈયાર રહે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો