Swamiji ni vani Part-32: શું માત્ર ધન-સંપત્તિથી આપણને સંતોષ થવાનો છે? વિચારજો જરૂરથી..
Swamiji ni vani Part-32: અજ્ઞાન-અવિવેક: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
Swamiji ni vani Part-32: જાતજાતની કામનાઓથી પ્રેરાઈને લોકો જાતજાતની સેવા-ઉપાસના કરતા હોય છે. કોઈ ભૂત-પલીતની, તો કોઈ યક્ષ-રાક્ષસની, તો વળી કોઈ દેવતાઓની, તો વળી કોઈ બીજા કેટલાક વિષયોની ઉપાસના કરતા હોય છે. છે તો બધા ઉપાસકો જ. પોતે જે ઇચ્છે છે તેની પ્રાપ્તિ માટે જે વ્રત-નિયમોનું પાલન કરવું પડે તે બધું જ તે કરતા હોય છે. પ્રતિષ્ઠાની પ્રાપ્તિ માટે કે ચૂંટણીમાં વિજય માટે લોકો કેટલાંયે વ્રત નથી કરતા હોતા ?
જેમનામાં વિવેક નથી તેઓ ક્ષણિક ફળ માટે પ્રયત્ન કરે છે. ભગવાન કહે છે, ‘જે દેવતાઓનું ભજન કરે તે દેવતાઓને પ્રાપ્ત કરે, જે પિતૃઓનું ભજન કરે તે પિતૃઓને પામે, જે ભૂતોનું ભજન કરે તે ભૂતોને પામે અને જે મારું ભજન કરે તે મને પામે.’ આ સઘળામાં પ્રયત્ન તો સમાન જ છે, છતાં ફળ ભિન્ન-ભિન્ન છે. જ્યારે આપણા જીવનમાં વિવેક ન હોય ત્યારે આપણે જાણતા હોતા નથી કે આપણે શું જોઈએ છે, જીવનમાં આપણે શું શોધી રહ્યા છીએ.
શું માત્ર ધન-સંપત્તિથી આપણને સંતોષ થવાનો છે ? કે પ્રતિષ્ઠા, માન-સન્માનથી આપણને સંતોષ થવાનો છે ? જગતમાં એવો કોઈ પણ માનવી જન્મ્યો છે જેને આ બધાથી સંતોષ થયો હોય ? જેમણે આ બધું પૂરતી માત્રામાં પ્રાપ્ત કર્યું છે તેમને પૂછો કે એ બધાથી તેમને સંતોષ થયો ખરો ? આ બધી સિદ્ધિઓ છે પરંતુ તે સર્વ અલ્પ છે અને અલ્પ વસ્તુ માનવીને સંતુષ્ટ ન કરી શકે, કારણ કે મનુષ્ય તો પૂર્ણને, અનંતને શોધી રહ્યો છે.
આ પણ વાંચો:- A stone gate: જ્યાં સૂર્યપ્રકાશ પાંદડા દ્વારા નૃત્ય કરતો હતો, પથ્થર ઉર્જાથી ગુંજી રહ્યો હતો
પ્રત્યેક માનવી જન્મથી જ જાણ્યે-અજાણ્યે એક જ વસ્તુની ખોજ કરી રહ્યો છે અને તે છે અનંતની ખોજ. અનંત અસ્તિત્વની, અનંત જ્ઞાનની અને અનંત આનંદની અર્થાત્ પૂર્ણતાની ખોજ અને જ્યાં સુધી તેની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એની યાત્રા અટકવાની નથી. એક જન્મમાંથી બીજા જન્મમાં એની યાત્રા ચાલ્યા જ કરવાની છે.
હું પૂર્ણતાને ઇચ્છું છું છતાં ધન, સંપત્તિ, પ્રતિષ્ઠા ઇત્યાદિ અનેક અલ્પ વિષયો પાછળ શું કામ પડું છું ? એટલા જ માટે કે મારામાં વિવેક નથી. પ્રત્યેક મનુષ્ય અજ્ઞાની જ જન્મ્યો હોઈ તેને જ્ઞાન નથી કે પોતે કોણ છે અને શું ઇચ્છે છે. ભગવાને આપણી ઇન્દ્રિયો બહિર્મુખ બનાવી હોવાથી ઇચ્છાની પૂર્તિ માટે આપણે હંમેશાં બહાર જ જોતા હોઈએ છીએ. મનુષ્ય ક્યારેય પણ પોતાના અંતરમાં નજર કરતો નથી કે જેને તે શોધી રહ્યો છે તે અંદર છે કે નથી. કોઈને શાંતિ જોઈએ છે, કોઈને સુખ જોઈએ છે, કોઈને પૂર્ણતા જોઈએ છે. એનો અર્થ એ થયો કે સૌ પોતાને અશાંત, દુઃખી, અપૂર્ણ માને છે.
આત્મા તો પૂર્ણ છે, આનંદસ્વરૂપ છે – સત્, ચિત્, આનંદ છે, પરંતુ આપણે સતત તેના ઉપર વિપરીત આરોપ કરીને તેને દુઃખી, સંસારી, અશાંત માની લીધો છે. એનો અર્થ એ થયો કે આપણને આત્માનું જ્ઞાન નથી, સચ્ચિદાનંદનું, ઈશ્વરનું જ્ઞાન નથી. આપણો મૂળભૂત પ્રશ્ન અજ્ઞાનનો છે અને તેને કારણે જ આપણે ગેરમાર્ગે દોરવાયેલા છીએ અને શાંતિની-સુખની શોધમાં ચારેય બાજુ ભટકતા હોઈએ છીએ.
આનંદસ્વરૂપ આત્મા અંદર બેઠેલો હોવા છતાં પણ આનંદ માટે હું બહાર ભીખ માગું તો અંદર બેઠેલા આત્માને કેવું ખરાબ લાગે ? લાગે જ ને ! આપણા પિતા કરોડપતિ હોય અને આપણે પાનવાળા પાસે એક સિગારેટ ઉધાર માગીએ તો તે પિતાનું કેવું અપમાન કહેવાય ? તે જ રીતે પૂર્ણ આનંદ અંદર બેઠેલો હોવા છતાં પણ આપણે ભેળપુરી પાસે આનંદ માગીએ તે કેવું ? કોઈ કહેશે, ‘હે સંપત્તિ ! મને આનંદ આપ’. કોઈ કહેશે, ‘હે સત્તા ! મને આનંદ આપ’. કોઈ કહેશે, ‘હે પ્રતિષ્ઠા ! મને આનંદ આપ’. કોઈ કહેશે, ‘હે પુત્રો ! મને આનંદ આપો’.
આમ, આપણે ભીખ માગ્યા જ કરીએ છીએ. આ આપણો અવિવેક છે. આપણું અજ્ઞાન છે. આપણે જાણતા નથી કે જીવનમાં આપણે જે ઇચ્છીએ છીએ તે તો અંતરમાં જ છે, આપણું સ્વરૂપ જ છે અને બહારથી તે મેળવવાનું નથી કે તે મળવાનું પણ નથી. જીવનના અનુભવોનું વિશ્લેષણ કરીએ ત્યારે જ સમજાય કે આટઆટલું આપણે પ્રાપ્ત કર્યું હોવા છતાં આપણે યાચક જ રહ્યા છીએ. યાચનાઓ પૂરી થયા કરે છે પરંતુ પેલો યાચક તો અકબંધ રહી જાય છે અને તેથી નવી નવી યાચનાઓ જન્મ્યા કરે છે. તેમને પૂરી કરવા વળી આપણે અનેક પ્રકારનો પરિશ્રમ, ઉપાસનાઓ કરતા હોઈએ છીએ.
આ પરિશ્રમ જો અનંત આત્મા જે અંતરમાં જ બિરાજમાન છે, તેને પ્રાપ્ત કરવા કરીએ તો છેવટે પેલો યાચક જ નષ્ટ થઈ જશે અને પ્રયત્નની કોઈ આવશ્યકતા જ નહીં રહે. આ સમજનું નામ વિવેક.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો