Sardar Sarovar Narmada Dam: સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ
Sardar Sarovar Narmada Dam: સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં નર્મદા મૈયાના પાવન જળ રાશિના વધામણાં કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ થયા પછી સરદાર સરોવર ડેમ સતત પાંચમી વાર મહત્તમ ૧૩૮.૬૮ મીટર સપાટીએ ભરાયો
આ વર્ષે ૧૧ ઓગસ્ટથી શરૂ થઈ ૫૧ દિવસ ઓવરફ્લો થવા સાથે ૧૦,૦૧૨ મીલીયન ઘનમીટર ઓવરફ્લો થયો
નર્મદા, 01 ઓકટોબર: Sardar Sarovar Narmada Dam: ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિ માટે જિવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટર એટલે કે, ૪૫૫ ફુટ પહોંચી છે. ડેમની આ ૧૩૮.૬૮ મીટર સપાટીએ કુલ જળસંગ્રહ ક્ષમતા ૯૪૬૦ મીલીયન ઘનમીટર છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના આ છલકાતાં નીરના વધામણા મંગળવારે બપોરે વિજય મુહૂર્તમાં સરદાર સરોવર ડેમ સાઈટ એક્તા નગર પહોંચીને જળ પૂજનથી કર્યા હતા.
આ વર્ષે વરસાદી મોસમમાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ ૧૧ ઓગસ્ટથી ઓવરફ્લો થવાનો શરૂ થયો હતો. અત્યાર સુધીમાં ૫૧ દિવસ સુધી આ જળાશય ઓવરફ્લો થયું છે અને કુલ ૧૦,૦૧૨ મીલીયન ઘનમીટર એટલે કે, ૮,૧૭૭ MAF પાણી ઓવરફલોને કારણે આવ્યું છે. એટલું જ નહિ, નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં આ વર્ષે ચોમાસાના સમયમાં કુલ ૧૩૪૩ મેગાવોટ વીજળી તથા અત્યાર સુધીમાં ૬૨૮૩ કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૧૦,૦૧૪ ગામો, ૧૮૩ શહેરો અને ૭ મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને ૪ કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પુરું પાડતા આ પ્રોજેક્ટના જળાશયમાં પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર ૧૭ દિવસમાં જ નર્મદા ડેમનું બાકીનું કામ પૂર્ણ કરવા તથા ગેટ બેસાડવાની મંજુરી આપી હતી. રાજ્ય સરકારે પણ ત્વરાએ આ કામગીરી હાથ ધરીને ૩૦ દરવાજાઓની કામગીરી સહિતની બધીજ કામગીરી નિર્ધારીત સમય કરતાં ૯ મહિના વહેલી પૂર્ણ કરી દીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૭માં તેમના જન્મદિવસ, ૧૭મી સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યુ છે. ૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ પછી અત્યાર સુધીમાં પાંચ વાર આ ડેમ તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. સરદાર સરોવર ડેમના છલકાવાથી અગાઉ દરિયામા નિરર્થક વહી જતાં પાણી હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટીવંત નેતૃત્વ અને સુચારુ જળ વ્યવસ્થાપનથી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ ભરવા તથા સુજલામ સુફલામ યોજના દ્વારા ઉત્તર ગુજરાતના ૯ મોટા-મધ્યમ જળાશયો અને ૯૦૯ તળાવોમાં પહોંચાડવામાં આવે છે.
આ વર્ષે પણ સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થતાં રાજ્યની જુદી-જુદી ૧૦ નદીઓમાં નર્મદા જળરાશિ વહેવડાવીને આ નદીઓને જીવંત કરવામાં આવી છે.
રાજ્યની અવિરત પ્રગતિના છડીદાર અને ગુજરાતના પાણીઆરા સમાન આ સરદાર સરોવર નર્મદા ડેમના પૂર્ણ સપાટીએ પહોંચેલા જળરાશિના પૂજન-અર્ચનથી જળ શક્તિની વદંના કરવાની પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજા વર્ષે પણ જળ પૂજન કરીને આગળ ધપાવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નર્મદા જળપૂજનના આ અવસરે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, સંગઠનના પદાધિકારીઓ, મુખ્યસચિવરાજકુમાર, નર્મદા નિગમનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવઓ પંકજ જોષી અને એમ.કે. દાસ. સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેક્ટર નાદપરા તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.