swami ji viditanand

Swamiji ni vani Part-34: જગતમાં કોઈ પણ પ્રાપ્તિ માટે કિંમત ચૂકવવી જ પડે છે

Swamiji ni vani Part-34 પછી શું: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swamiji ni vani Part-34: કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન સામે માનવજીવનનો મૂળભૂત પ્રશ્ન આવીને ઊભો રહ્યો. રાજ્ય મળે તેથી શું ? સ્વર્ગના ભોગ મળે તોયે શું ? આ જીવનનો અર્થ શો છે ? હવે સમજાયું કે આ બધી સિદ્ધિઓ મર્યાદિત છે. એનાથી મારા જીવનનો મૂળભૂત પ્રશ્ન ઊકલવાનો નથી. ક્ષણ માટે મને કદાચ લાગે કે હવે કાંઈ નહીં જોઈએ, પરંતુ બીજી જ ક્ષણે જાણે કે હું અધૂરો ને અધૂરો જ હોઉં એવું મને જણાય છે. આ અધૂરપ દૂર ન થાય ત્યાં સુધી શાંતિ નથી અને તેથી અર્જુને ભગવાનને કહ્યું ઃ ‘મારે માટે જે નિશ્ચિત શ્રેય હોય તે મને કહો, એવું શ્રેય જે પ્રાપ્ત કર્યા પછી બીજું કશું પ્રાપ્ત કરવાનું રહે જ નહીં.’

આપણે જીવનમાં અનેક વસ્તુ પ્રાપ્ત કરતા હોઈએ છીએ, પરંતુ દરેક પ્રાપ્તિની પાછળ કાંઈ ને કાંઈ કિંમત ચૂકવવી પડતી હોય છે. નોકરી નહોતી અને મળી ત્યારે ખૂબ ખુશ થયો, પરંતુ હવે રોજ સવારે છ વાગ્યે ઊઠીને ઝટપટ તૈયાર થવું પડે છે. પહેલાં તો આરામથી નવ વાગ્યે ઊઠતો હતો. નોકરી મળવાથી એ સ્વતંત્રતા જતી રહી. પરણ્યા નહોતા ત્યારે પરણવાની તાલાવેલી હતી.

પરણ્યા. હવે સાંજે અર્ધો કલાક મોડા જાઓ તો અનેક પ્રશ્નોનો સામનો કરવો પડે, ‘ક્યાં ગયા હતા ? કેમ મોડું થયું ?’ વગેરે. પહેલાં તો મિત્રને ત્યાં પણ સૂઈ જઈએ. જે કરવું હોય તે કરીએ. એ સ્વતંત્રતા હવે ગઈ. બાળક નથી. બાળક થાય ત્યારે ઉછેરવો કેમ એ ચિંતા. બાળક નાનું હોય ત્યારે આખી રાત રડારોળ-કકળાટ. જરા મોટું થાય પછી ભણે નહીં. પરીક્ષા આવે એટલે મા-બાપે બાળકને ભણાવવા બેસવું પડે.

આ પણ વાંચો:- Confluence of Powers: શક્તિનો સંગમ

આમ, જગતમાં કોઈ પણ પ્રાપ્તિ માટે કિંમત ચૂકવવી જ પડે છે.

પરંતુ આપણે એ પણ વિચારતા નથી કે આપણે જે ચૂકવવું પડે છે તે કિંમત વધારે છે કે તેનાથી જે થાય તે પ્રાપ્તિ વધારે છે. આપણે હિસાબ કર્યો જ નથી. પૈસાના હિસાબમાં આપણે બહુ જ કુશળ અને ચોક્કસ છીએ, પણ જીવનના હિસાબમાં ચોક્કસ જણાતા નથી. આપણે જે મેળવ્યું તેના પ્રમાણમાં કેટલી બધી કિંમત ચૂકવી ! મોડા મોડા જાગીને જોઈએ ત્યારે ખબર પડે કે આપણે જીવન શેની પાછળ વેડફી દીધું. આ બધું શું થઈ ગયું ? અને તેથી સૌ પ્રથમ મનુષ્યે જીવનના મૂળભૂત પ્રશ્ન ઉપર વિચાર કરવો જોઈએ.

Rakhi Sale 2024 ads

દુનિયામાં ગાડરિયા પ્રવાહની જેમ સઘળું દેખાદેખીથી જ ચાલે છે. મોટા થયા,

કૉલેજમાં ગયા, નોકરી લીધી, પરણ્યા, દીકરા થયા, બંગલા બાંધ્યા, બસ પતી ગયું. જીવન પૂરું ! એક વખત સ્વામી વિવેકાનંદજી અમેરિકા જઈ રહ્યા હતા. એ દિવસોમાં તો વહાણમાં મુસાફરી કરવી પડતી. સ્વામીજી જે વહાણમાં જતા હતા એ વહાણમાં એક યુવાન પણ અમેરિકા જતો હતો. એ ભણેલો-ગણેલો, અક્કડ હતો. સ્વામીજીને પ્રણામ કરે નહીં, સત્સંગમાં જાય નહીં.

સ્વામીજી સામે ચાલીને એક વાર તેની પાસે ગયા. પૂછ્યું ‘શું નામ તારું ? તું કોણ છે ?’ ‘ડૉક્ટર છું’ જવાબ મળ્યો. ‘ક્યાં જાય છે ?’ ‘અમેરિકા.’ ‘ત્યાં શું કરીશ ?’ ‘એમ.ડી. થઈશ.’ ‘પછી ?’ ‘ઘણા બધા પૈસા કમાઈશ.’ ‘પછી ?’ ‘ઘર બંધાવીશ.’ ‘પછી ?’ ‘લગ્ન કરીશ.’ ‘પછી ?’ ‘બાળક થશે.’ ‘પછી ?’ ‘બાળકને ઉછેરીશ.’ ‘પછી ?’ ‘એને પણ ડૉક્ટર બનાવીશ.’ ‘પછી ?’ ‘એ પણ એની પ્રેક્ટિસ શરૂ કરશે.’ ‘પછી શું ?’ ‘પછી હું ભારત આવીશ.’ ‘પછી શું ?’ ‘નિવૃત્ત થઈશ.’ ‘પછી શું ?’ પેલો અકળાયો. ‘પછી શું વળી ? પછી મરી જઈશ.’ સ્વામીજીએ કહ્યું, ‘બસ ? મરવા માટે જ આટલું બધું કરવાનું છે ?’

આપણે કશો જ વિચાર કરતા નથી કે જીવનમાં શાને માટે આ બધી ધમાલ છે. આ બધું ન કરવું એમ મારે નથી કહેવું, પરંતુ આ બધાની પાછળ સમજ હોવી જરૂરી છે.
આપણું શ્રેય શેમાં છે તે સમજવું આવશ્યક છે.

********************

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *