World Environment day 2024

World Environment Day 2024: મારી કલમની નજરે જોઉં તો ઊજવણીની નહીં સાચવણીની જરૂર છે: વૈભવી જોશી

google news png

“ઝાડ કાપી બારણું કર્યું,

બારણે ટોડલો મુકાવ્યો,

ટોડલે મોર ચીતરાવ્યો,

દિવાલે જંગલ, ઘોડો, હાથી દોરાવ્યો.

સુઘરીનો માળો પરસાળે ઝુલાવ્યો.

મૃગ અને વાઘ ચર્મથી દીવાન સજાવ્યો.

એ માણસ પછી આખેઆખો પ્રકૃતિ પ્રેમી ગણાયો..!!”

“World Environment Day 2024” એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ: મારી કલમની નજરે જોઉં તો ઊજવણીની નહીં સાચવણીની જરૂર છે.

World Environment Day 2024: Vaibhavi Joshi

આજે ૫મી જૂન – “વિશ્વ પર્યાવરણ દિવસ”. આ દિવસની ઉજવણી કરવાં પાછળ માણસને પર્યાવરણ અને પ્રકૃતિની સંભાળ લેવા માટે જાગૃત કરવાનો ઉદ્દેશ છે પણ વિશ્વમાં સતત વધતાં પ્રદૂષણ અને ગ્લોબલવોર્મિંગની ચિંતાઓનાં પગલે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાં કરતાં એની સાચવણી કરવાનું વધુ યોગ્ય લાગી રહયું છે. કેમકે દર વર્ષે આ દિવસ ઉજવવામાં તો આવે છે પરંતુ પર્યાવરણની સ્થિતી હજુ જેમની તેમ જ છે. પર્યાવરણની સતત ખરાબ થતી જતી હાલત પાછળ જવાબદાર આપણાં માણસોની જ કેટલીક આદતો છે.

5 જૂનનો દિવસ એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. વિશ્વ પર્યાવરણ દિવસ એટલે વિશ્વને બચાવવાં, આ પૃથ્વી પરનાં પર્યાવરણને બચાવવાં માટે લોકોને અપીલ કરવાની, અપીલ કરવાં માટે જુદાજુદા કાર્યક્રમો કરવાનાં, જુદીજુદી રેલીઓ કરવાની, વૃક્ષારોપણનાં કાર્યક્રમ કરવાનાં, પર્યાવરણ બચાવવાં માટેનાં જુદાજુદા પ્રવચનો આપવાં, નાનીનાની ડોક્યુમેન્ટરી ફિલ્મોનાં માધ્યમથી પર્યાવરણને માનવજાત કેટલું નુકશાન પહોંચાડે છે તે બતાવવું.

આ પણ વાંચો:- Hu chhu tari sathe: રોહન તેને મળવાના ઉત્સાહ સાથે ઘરે પાછો ફર્યો તો મમ્મીએ કહ્યું….

આ બધું એક દિવસ કરવામાં આવે એટલે આપણા રુંવાડા ઉભા થઇ જાય અને મનોમન નક્કી કરી લઇએ કે હું પર્યાવરણને નુકશાન નહીં પહોંચાડું અને પર્યાવરણનું જતન કરીશ. પરંતુ ૫ જૂનની સાંજ પડે અને ૬ જૂનની સવાર આવે એટલે બધું સ્મૃતિપટમાંથી ગાયબ. જો આ વાતને કોઈ નકારતું હોય અને જો કોઈ એમ કહેતું હોય કે અમે પર્યાવરણ પ્રત્યે અમારાથી બનતાં પ્રયાસો કરીએ જ છીએ તો એ તદ્દન ખોટું છે (અમુક લોકોને ચોક્કસ અપવાદમાં બાદ કરવા પડે જેઓ ખૂબ સજાગ રહીને ચોક્કસપણે આ દિશામાં યથાવત કાર્ય કરી જ રહ્યા છે).

પણ આપણે બધાએ જો ખરેખર એમ કર્યું હોત તો આજે વગર પર્યાવરણ દિવસની ઉજવણી કર્યે આ પૃથ્વી અનુકુળ પર્યાવરણથી છવાયેલી હોત અને આપણે પણ જીંદગીમાં હરિયાળીભર્યું અને પ્રદૂષણ મુક્ત જીવન જીવતાં હોત. પણ આપણે એ રીતે જીવી શકતા નથી એનો સીધો મતલબ એ જ છે કે આપણે હજુ પર્યાવરણ પ્રત્યે જાગૃત થયાં નથી કે પછી થવાં માંગતા નથી અને એમાં આપણે બધા જ આવીયે છીએ.

પર્યાવરણની વાત કરીએ છીએ એટલે પર્યાવરણ સાથે જોડાયેલાં વિવિધ પાસાઓની વાત કરવી જરૂરી છે. જેમાં ખાસ કરીને પ્રદૂષણ આવે છે. અત્યારે દુનિયાની સામે મુખ્ય આઠ પ્રકારનાં પ્રદૂષણનો ખતરો છે. જેમકે, ભૂગર્ભજળ સહિતનાં પાણીનું પ્રદૂષણ. હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, થર્મલ પ્રદૂષણ, રેડિયોએક્ટિવ પ્રદૂષણ, ઘોંઘાટનું પ્રદૂષણ, પ્રકાશનું પ્રદૂષણ, વિઝયુઅલ પ્રદૂષણ અને વ્યક્તિગત પ્રદૂષણ.

આ સાથે જ પૃથ્વીનું સંતુલન કરનારી હરિયાળી એટલે કે જંગલો પણ આવે છે. જંગલ કે વૃક્ષ વિનાની પૃથ્વી ધડ વિનાનાં માનવી જેવી છે અને આપણે એ ધડને જ કાપી રહ્યા છીએ. પૃથ્વી પર પર્યાવરણનું સંતુલન જાળવી રાખવાં માટે પ્રકૃતિનાં દરેક રંગ અને રૂપને સમરસ જાળવવાં જરૂરી છે. પરંતુ આ સમરસ ખોરવાઈ રહ્યું છે.

વૈશ્વિક પર્યાવરણ દિવસ પર વૈશ્વિક નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? પ્રથમ તો પર્યાવરણ વિશેની જાગૃતિ ફેલાવી શકીએ. આપણાં પરિવારમાં, કાર્યાલયમાં અથવા આપણાં વિસ્તારમાં બાળકો સાથે વાત કરીને નાનાં સ્તરે જાગરૂકતાં ફેલાવી શકીએ. આ વર્ષની થીમ વિશે દરેકને જાણ કરીએ બીજા નંબરે એક નાનો બગીચો બનાવી શકીએ અથવા તો ફૂલ કે છોડ ઉગાડી શકીએ.

સ્વાભાવિક છે કે, મેટ્રોપોલિટન શહેરમાં જગ્યા શોધવાનું મુશ્કેલ છે, પરંતુ જ્યાં શક્ય હોય ત્યાં આપણાં ઘરમાં કૂંડમાં કે અગાશીમાં ફ્ળો, શાકભાજી વગેરે ઉગાડી શકાય. જે આપણને પ્રકૃતિ સાથે વાર્તાલાપ કરવામાં સહાય કરશે અને કંઈક નવું કરવાની તક આપશે. ઉપરાંત Refuse, Reduce, Reuse, Renew, Recycle આ પાંચ R ને જાદુઈ મંત્ર ગણીએ.

માનવી પૃથ્વીને મેલી કરીને ચંદ્ર પર જીવન શોધવાં જાય છે પરંતુ પ્રકૃતિનો દરેક કણ એક બીજા સાથે એવી રીતે જોડાયેલો છે કે એકને નુકશાન થાય તો બીજાને પણ નુકશાન થાય. હજુ તો ચંદ્ર પર આપણે પગ મુક્યો છે પરંતુ ચંદ્રનું પર્યાવરણ પણ જોખમ ભરેલું જ છે. પૃથ્વી પર જે રીતે પર્યાવરણની દયનીય સ્થિતિ છે તે જોતાં દરરોજ કરવામાં આવતા અનેક તજજ્ઞોનાં અનુમાનો ભલે અમુક અંદાજે તૈયાર થતાં હોય પરંતુ પૃથ્વી પર માનવ જીવન અને અન્ય સજીવોનું જીવન સર્વનાશ તરફ જઈ રહ્યાનું કાઉન્ટ ડાઉન તો ક્યારનુંય શરૂ થઇ ગયું છે એની નોંધ ચોક્કસ લઈએ.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *