International Yoga Day: રાજકોટ રેલવે ડિવિઝનમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી
International Yoga Day: રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) અશ્વની કુમારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, રેલવે કર્મચારીઓએ પોતાના રોજીંદા જીવનમાં યોગને અપનાવવો જોઈએ
રાજકોટ, ૨૧ જૂન: International Yoga Day: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આજે 10મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા મળેલી માર્ગદર્શિકા મુજબ રાજકોટના કોઠી કમ્પાઉન્ડ સ્થિત રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે 06.30 થી 07.45 દરમિયાન યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
પતંજલિ યોગ સમિતિ-રાજકોટના યોગ પ્રશિક્ષકો ગોપાલ શર્મા અને કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ રેલવે અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોને કોમન યોગ પ્રોટોકોલ હેઠળ આસન, પ્રાણાયામ અને ધ્યાન સંબંધિત વિવિધ કસરતોની તાલીમ આપવામાં આવી હતી.
આ પ્રસંગે રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) અશ્વની કુમારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, રેલવે કર્મચારીઓએ પોતાના રોજીંદા જીવનમાં યોગને અપનાવવો જોઈએ એટલું જ નહી પરંતુ પોતાના પરિવારના સભ્યોને પણ આ માટે પ્રેરણા આપવી જોઈએ જેથી કરીને દરેક વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકે.
International Yoga Day: યોગાભ્યાસના આ કાર્યક્રમમાં રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર (ADRM) કૌશલ કુમાર ચૌબે, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા રાજકોટના ઉપપ્રમુખ મમતા ચૌબે અને તેમની ટીમ, સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર મનીષ મહેતા, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:- Amdavad Smart School: અમદાવાદમાં રૂ. 36 કરોડના ખર્ચે નિર્માણ પામેલી 30 સ્માર્ટ શાળાઓનું અમિત શાહે કર્યું ઇ-ઉદઘાટન
રાજકોટ ડિવિઝનના મુખ્ય સ્ટેશનો પર પણ રેલવે કર્મચારીઓ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની(International Yoga Day) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ સ્થિત કાર્યક્રમનું સંચાલન મુખ્ય કલ્યાણ નિરીક્ષક શૈલેષ મકવાણાએ કર્યું હતું. અંતમાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.