Sunday on Cycle: રાજકોટ ડિવિઝન પર “ખેલો ઇન્ડિયા – ફિટ ઇન્ડિયા” સાયકલિંગ અભિયાનનું આયોજન

રાજકોટ, 08 જૂન: Sunday on Cycle: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા ૮ જૂન, ૨૦૨૫ ના રોજ “ખેલો ઇન્ડિયા – ફિટ ઇન્ડિયા” પહેલ હેઠળ એક સફળ સાયકલિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. “સન્ડે ઑન સાયકલ” ની થીમ પર આધારિત આ આયોજન સ્વાસ્થ્ય, ફિટનેસ અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થયું.
આ પ્રેરણાદાયક સાયકલિંગ રેલી ડીઆરએમ ઓફિસ, રાજકોટથી શરૂ થઈને રેસકોર્સ ગ્રાઉન્ડ અને ત્યાંથી પરત ડીઆરએમ ઓફિસ સુધી ઉત્સાહપૂર્વક સંપન્ન થઈ. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના અપર ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી કૌશલ કુમાર ચૌબે, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, સિવિલ ડિફેન્સ સ્ટાફ, સ્કાઉટ એન્ડ ગાઈડ અને રેલવે કર્મચારીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ વિશેષ બનાવ્યો.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને આળસ, તણાવ, ચિંતા અને રોગોથી મુક્તિ અપાવીને સ્વસ્થ અને ફિટ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો હતો. આ આયોજન લોકોને દૈનિક જીવનમાં ફિટનેસ પ્રવૃત્તિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.