Gujarat vibrant chief secretary

Gujarat vibrant chief secretary: ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિમણૂક, જાણો કોણ છે નવા CS

Gujarat vibrant chief secretary: ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિમણૂક કરવામાં આવી છે. 1986ની બેચના IAS ઓફિસર પંકજ કુમારના નામ પર મહોર મારવામાં આવી

ગાંધીનગર, 27 ઓગષ્ટઃ Gujarat vibrant chief secretary: ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિમણૂક કરવામાં આવી છે. 1986ની બેચના IAS ઓફિસર પંકજ કુમારના નામ પર મહોર મારવામાં આવી છે. તેઓ 31 ઓગસ્ટથી મુખ્ય સચિવનો પદભાર સંભાળશે. આપને જણાવી દઇએ કે, હાલના મુખ્ય સચિવ અનિલ મુકીમ 31 ઓગસ્ટે સેવાનિવૃત થઈ રહ્યાં છે.

કોણ છે ગુજરાતના નવા મુખ્ય સચિવ પંકજ કુમાર?

પંકજકુમાર મૂળ બિહારના વતની છે. તેઓ IIT કાનપુરમાં સિવિલ એન્જીનિયરીંગ ફેકલ્ટીમાં બીટેક થયેલા છે. આ ઉપરાંત તેમણે પબ્લિક પોલિસી અને મેનેજમેન્ટમાં MBA પણ કર્યું છે. પંકજ કુમાર 1986ની બેચના ગુજરાત કેડરના ઓફિસર છે. તેઓ 25 ઓગસ્ટ 1986થી IAS તરીકે જોડાયેલા છે. હાલ તેઓ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો પદભાર સંભાળી રહ્યા છે.

પંકજ કુમાર એક બાહોશ સનદી અધિકારી તરીકે પ્રખ્યાત છે. ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા, ત્યારે તેઓએ પંકજ કુમારની કાબેલિયત અને કુનેહનો અસરકારક સદ્ઉપયોગ કર્યો હતો. તેઓએ મુખ્યમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે સેવાઓ આપેલી છે.

આ પણ વાંચોઃ love jihad law: લવ જેહાદના કાયદાના અમલીકરણ ઉપર રોક લગાવતા હાઇકોર્ટના હુકમને ગુજરાત સરકાર સુપ્રિમ કોર્ટમાં પડકારશે

ગુજરાતમાં જ્યારે જ્યારે પણ કુદરતી કે અન્ય આફતો સર્જાય ત્યારે પંકજ કુમારનો વિભાગ કોઈ પણ હોય, સરકારમાં એમની વિશિષ્ટ સેવાઓ લેવાઇ છે. કુદરતી જળ સંકટ હોય, કાયદો અને વ્યવસ્થાની બાબત હોય, કે વર્તમાન કોરોનાના સંજોગો હોય, આફતને પહોચી વળવા માટેની સ્ટ્રેટેજી બનાવવામાં અને તંત્ર પાસે તેનો અમલ કરાવવામાં પંકજ કુમારની કામગીરી હંમેશા અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઇ છે. ગુજરાતના વહીવટી તંત્રની મુડી સમાન આવા બાહોશ સનદી અધિકારી હવે જ્યારે ગુજરાતના વહીવટી તંત્રના સુકાની બન્યા છે, ત્યારે વહીવટી તંત્ર વધુ ચેતનવંતુ અને પરિણામલક્ષી બનશે તેવી લોકોમાં આશા જાગી છે.

હાલ અનિલ મુકીમ ગુજરાતના મુખ્ય સચિવ છે. 1985 બેચના સનદી અધિકારી અનિલ મુકીમ ડિસેમ્બર 2019માં ગુજરાતના મુખ્ય સચિવ પદે આવ્યા હતા. તેઓ ગયા વર્ષે ઓગસ્ટ 2020માં જ વયનિવૃત્ત થયા હતા. જે બાદ સરકારે તેમને છ મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું, આ એક્સટેન્શના પૂર્ણ થવાના થોડા દિવસ અગાઉ ગુજરાત સરકારે કોરોના સંક્રમણ, રાજ્યના આગામી બજેટ અને ચાલી રહેલી ચૂંટણીઓના સંદર્ભે કેન્દ્ર સરકારને અરજી કરીને તેમને વધુ એક એક્સટેન્શન આપવા માટેની અપીલ કરી હતી.

આ પણ વાંચોઃ Pakistan border video: અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર હજારો અફઘાની નાગરિકોની ભીડ, વીડિયો થયો વાયરલ

જેથી કેન્દ્ર સરકારે અનિલ મુકીમને વધુ 6 મહિનાનું એક્શનશન આપ્યું. જે ઓગસ્ટના અંતમાં પૂર્ણ થાય છે. ત્યારે હવે પંકજ કુમારની પસંદગી નવા મુખ્ય સચિવ તરીકે કરાઈ છે. તેઓ હવે 31મી ઓગસ્ટે ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળશે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે ઓર્ડર જાહેર કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અનુભવ અને કામગીરીના આધાર પર ગુજરાતના નવા મુખ્ય સચિવની રેસમાં સૌથી આગળ પંકજ કુમારનું નામ ચાલી રહ્યું હતું. તેમની સાથે અલ્હાબાદ-ઉત્તરપ્રદેશના વતની એવા રાજીવકુમાર ગુપ્તાનું નામ પણ ચર્ચામાં હતું. ત્યારે હવે 1986ની બેચના IAS ઓફિસર પંકજ કુમાર નામ પર મહોર લાગી ગઇ છે. તેઓ આગામી 31 ઓગસ્ટ 2021થી ચાર્જ સંભાળશે.

Whatsapp Join Banner Guj