National Sickle Cell Anemia Eradication Mission-2047: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ૧૭ રાજ્યોમાં “રાષ્ટ્રીય સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશન-૨૦૪૭”નો પ્રારંભ કરાવશે
- ગુજરાતના ૧૪ જિલ્લામાં સીકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો પ્રારંભ થશે
National Sickle Cell Anemia Eradication Mission-2047: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
અમદાવાદ, 29 જૂનઃ National Sickle Cell Anemia Eradication Mission-2047: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧ જુલાઇએ “રાષ્ટ્રીય સીક્લ સેલ એનિમિયા નાબૂદી મિશન-૨૦૪૭”નો મધ્યપ્રદેશ ખાતેથી પ્રારંભ કરાવશે. રાષ્ટ્રવ્યાપી સીકલસેલ એનિમિયા નાબૂદી મિશનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમગ્ર દેશને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધશે.
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટાસડા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અંબાજી થી ઉમરગામના આદિવાસી ક્ષેત્રના મુખ્ય ૧૪ જિલ્લાઓના વિવિધ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્ય સરકારના વિવિધ મંત્રી, સ્થાનિક સાંસદ, ધારાસભ્ય, પદાધિકારીઓ, અધિકારીઓ ઓનલાઇન માધ્યમથી આ કાર્યક્રમ નિહાળશે.
દેશ આઝાદીના સુવર્ણકાળમા પ્રવેશે એટલે કે વર્ષ ૨૦૪૭ સુધીમાં સમગ્ર દેશમાંથી સીકલસેલ એનિમિયા નાબૂદીનો લક્ષ્યાંક છે. આ મિશન અંતર્ગત દેશના ૦ થી ૪૦ ની વયના અંદાજીત ૭ કરોડ જેટલા લોકોનું આ અભિયાન અંતર્ગત સ્ક્રીનીંગ કરવામાં આવશે. જેમાં આ સીકલસેલ એનિમિયા ડિટેક્ટ થતા તેઓની સારવાર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ગુજરાતમાં પણ ૧૪ જિલ્લાઓમાં સીકલસેલ એનિમિયા નાબૂદી અભિયાનનો પ્રારંભ થશે. રાજ્યના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં ખાસ કરીને આ મિશન અંતર્ગત વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીકલસેલ એનિમિયા એ વારસાગત હિમોગ્લોબીનની ખામીને કારણે થતું જોવા મળે છે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૬ માં સીકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો ગુજરાતમાં પ્રારંભ કર્યો હતો. જેના અંતર્ગત રાજ્યમાં ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં આદિજાતી વસ્તીમાં સીકલસેલ એનિમિયાના નિદાન માટે નિયમિત પણે સ્ક્રીનીંગ કરવામાં આવે છે.
અત્યારસુધીમાં આશરે ૯૭ લાખ આદિજાતી વસ્તીનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જેમાંથી ૭.૧૧ લાખ થી વધુ સીક્લસેલ ટ્રેઇટ અને ૩૧ હજાર જેટલા સિક્લસેલ ડીસીઝ શોધી કાઢીને તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
અત્રે મહત્વની બાબત એ પણ છે કે, વર્ષ ૨૦૦૬થી ગુજરાતમાં કાર્યરત સીકલસેલ એનિમિયા નાબૂદી મિશન હેઠળની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ વર્ષ ૨૦૧૧ માં ગુજરાતને પ્રધાનમંત્રી એક્સલએન્સ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો
