State Government’s Plan: આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર તૈયાર: મુખ્યમંત્રી
State Government’s Plan: આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારના વિભાગોની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
રાજ્યમાં NDRFની ૧૫, SDRFની ૧૧ કંપનીનું ડિપ્લોયમેન્ટ થયું છે.
- મહાનગરપાલિકા-જિલ્લા-તાલુકા કક્ષાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનમાં કોમ્યુનિટી પાર્ટીશીપેશન વધારવા અને મોકડ્રીલ – તાલીમ માટે પ્રેરક સૂચન.
- પ્રજાજીવન – જાનમાલ સુરક્ષા સાથે સીધા સંકળાયેલા વિભાગો પોતાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન દ્વારા પૂરતું આપદા પ્રબંધન સુનિશ્ચિત કર્યુ છે.
- ભારે વરસાદથી હાઇવે માર્ગોને નુકસાન થાય તો વૈકલ્પિક રુટ તૈયાર કરાશે.

ગાંધીનગર, 11 જૂન: State Government’s Plan: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારની સજ્જતા અને આગોતરા આયોજનની તલસ્પર્શી માહિતી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મેળવી હતી. રાજ્યમાં પ્રિ-મોનસૂન કામગીરી વિવિધ વિભાગોએ હાથ ધરી છે અને વરસાદી સ્થિતિમાં જનજીવનને વિપરીત અસર ન પડે તેવું આયોજન પોતાના વિભાગોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરીને કર્યું છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસ્તૃત વિગતો મેળવી હતી. તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદી સ્થિતિના સમયે જરૂર જણાયે પ્રશાસનની સહાયતા માટે એન.ડી.આર.એફ.ની ટીમ સમયસર પહોંચે તે હેતુસર કચ્છ – સૌરાષ્ટ્ર માટે એક ટીમ પરમેનેન્ટ ડીપ્લોય રહે તે જરૂરી છે. તેમણે આ માટે NDRF સાથે જરૂરી સંકલન માટે મહેસુલ અધિક મુખ્ય સચિવ ડો.જયંતિ રવીને સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક વિભાગોના વરિષ્ઠ સચિવોને જણાવ્યું કે, ચોમાસા દરમિયાન જે દુરસ્તી કામ યુદ્ધના ધોરણે હાથ ધરીને જનજીવન પૂર્વવત કરવામાં આવે તે વિષયને સોશિયલ મીડિયા, મીડિયા દ્વારા સકારાત્મક રીતે લોકો સુધી પહોંચે તે પણ જરૂરી છે.
આ પણ વાંચો:- Child Labour: રાજ્યભરમાં રેડ કરીને 455 બાળ શ્રમિકો અને 161 તરુણ શ્રમિકોને મુક્ત કરાયા
મુખ્ય સચિવ પંકજ જોષી તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ અને વિભાગોના વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, સિંચાઈ અને જળ સંપત્તિ, પાણી પુરવઠો, ઉર્જા, અન્ન નાગરિક પુરવઠો, માર્ગ મકાન, આરોગ્ય સહિતના પ્રજાજીવન સાથે સીધા સંકળાયેલા વિભાગો દ્વારા પ્રિ-મોન્સુન એક્ટિવિટિઝ આયોજનની છણાવટ કરવામાં આવી હતી.
રાજ્યમાં શહેરી વિસ્તારોમાં મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા કક્ષાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનમાં કોમ્યુનિટી પાર્ટીશીપેશન વધારવા સાથે મોકડ્રીલ અને તાલીમ કાર્યક્રમ યોજવામાં આવશે તેમ જી.એસ.ડી.એમ.એ. દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ હેતુસર ૯ હજાર જેટલા આપદા મિત્રોને બચાવ રાહતની સઘન તાલીમ આપવાનું પણ આયોજન છે.
મુખ્યમંત્રીશ્રીએ ભારે વરસાદને કારણે હાઇવે – માર્ગોને નુકસાન થાય તો તાકીદે રીપેરીંગ કરવા સાથે વૈકલ્પિક રૂટ તૈયાર રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યના નાના પુલ – કોઝ-વેનું ૯૦ ટકા પ્રિ- મોનસુન ઇન્સ્પેક્શન થઈ ગયું છે તેમ આ બેઠકમાં માર્ગ મકાન સચિવે જણાવ્યું હતું.

વરસાદી સ્થિતિમાં વીજ પુરવઠાને અસર પડે તો તાત્કાલિક તે પૂર્વવત થાય એ માટે ઊર્જા વિભાગ સેટેલાઈટ ફોન સહિત પૂરતા સાધનો અને મેનપાવરથી સુસજ્જ છે તેમ ઊર્જાના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદરે જણાવ્યું હતું. મુખ્ય સચિવ પંકજ જોશીએ જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહે તે માટે તેમજ દરેક જિલ્લાની જરૂરિયાત મુજબ તેમને સાધન-સામગ્રી કે અન્ય મદદ મળે તે જોવા સંબંધિત વિભાગોને સૂચનો કર્યા હતા.
રાજ્ય સરકારના વિભાગો ઉપરાંત કેન્દ્રીય હવામાન વિભાગ, NDRF. કોસ્ટગાર્ડના અધિકારીઓ પણ બેઠકમાં સહભાગી થયા હતા.