DRM Trophy: રાજકોટ રેલવે ડિવિઝનમાં “DRM ટ્રોફી” ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ
DRM Trophy: 11 વિભાગીય ટીમો વચ્ચે રમાશે 28 રોમાંચક મેચો
રાજકોટ, 6 માર્ચ: DRM Trophy: પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝનમાં કર્મચારીઓ વચ્ચે પરસ્પર સમન્વય, ખેલદિલી અને બહેતર સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી રાજકોટ ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશનના નેજા હેઠળ આંતર-વિભાગીય ક્રિકેટ ટુર્નામેન્ટ “DRM ટ્રોફી 2026” નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ મંડળ રેલ પ્રબંધક (DRM), રાજકોટ અને રાજકોટ ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશનના અધ્યક્ષ ગિરિરાજ કુમાર મીનાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશનના સચિવ અને વરિષ્ઠ મંડળ સંરક્ષણ અધિકારી શ્રી આર.સી. મીણા વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ 6 માર્ચથી 22 માર્ચ 2026 દરમિયાન રાજકોટ સ્થિત રેલવે ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઈ રહી છે. આ સ્પર્ધામાં રાજકોટ રેલવે ડિવિઝનના વિવિધ વિભાગો — વાણિજ્ય, મિકેનિકલ, એન્જિનિયરિંગ, ઓપરેટિંગ, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન, પર્સનલ, રેલવે સુરક્ષા દળ (RPF), ઇલેક્ટ્રિકલ, TRD (ઇલેક્ટ્રિફિકેશન) અને એકાઉન્ટ્સ વિભાગ — ની કુલ 11 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટ દરમિયાન આ ટીમો વચ્ચે કુલ 28 મેચો રમાશે.
આ વર્ષે DRM ટ્રોફી અંતર્ગત ક્રિકેટની સાથે ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ચેસ, ફૂટબોલ અને એથ્લેટિક્સ સ્પર્ધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ રમતોમાં રેલવેના વિવિધ વિભાગોની ટીમો ભાગ લેશે અને તમામ સ્પર્ધાઓમાં મેળવેલા ગુણોના આધારે અંતે DRM ટ્રોફીના વિજેતા નક્કી કરવામાં આવશે.
ટુર્નામેન્ટની પ્રથમ મેચ મિકેનિકલ વિભાગ અને સિગ્નલ વિભાગની ટીમો વચ્ચે રમાઈ હતી. જેમાં મિકેનિકલ વિભાગે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા મિકેનિકલ વિભાગની ટીમે 15 ઓવરમાં 9 વિકેટે 111 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતા સિગ્નલ વિભાગની ટીમે શાનદાર પ્રદર્શન કરી 12.5 ઓવરમાં 5 વિકેટે 112 રન બનાવીને મેચ 5 વિકેટે જીતી લીધી હતી. ટુર્નામેન્ટની સેમીફાઈનલ મેચ 21 માર્ચ અને ફાઈનલ મેચ 22 માર્ચ 2026ના રોજ રમાશે.
આ પ્રસંગે ડિવિઝનના અનેક અધિકારીઓ, કર્મચારીઓ અને રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

