Parcel Revenue: રાજકોટ રેલવે ડિવિઝનની એક દિવસમાં ₹11.01 લાખની રેકોર્ડ પાર્સલ આવક
Parcel Revenue: 6 નવેમ્બરે પાર્સલ પરિવહનથી એક જ દિવસમાં અત્યાર સુધીની સૌથી વધુ આવક મેળવી
રાજકોટ, 08 નવેમ્બર: Parcel Revenue: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને પાર્સલ પરિવહન ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે. ડિવિઝને 6 નવેમ્બર, 2026ના રોજ પાર્સલ પરિવહનથી ₹11.01 લાખની આવક મેળવીને અત્યાર સુધીની સૌથી વધુ એકદિવસીય પાર્સલ આવકનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ અગાઉ 17 ઑક્ટોબર, 2025ના રોજ ₹9.50 લાખની એકદિવસીય પાર્સલ આવકનો રેકોર્ડ નોંધાયો હતો. આમ, રાજકોટ ડિવિઝને પોતાના અગાઉના રેકોર્ડને નોંધપાત્ર અંતરથી પાછળ છોડીને નવી સિદ્ધિ હાંસલ કરી છે.
આ પણ વાંચો:- CoBRA Commandos: બસ્તરમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતા PM મોદી
રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ડિવિઝન દ્વારા પાર્સલ પરિવહનને પ્રોત્સાહન આપવા તથા વધુમાં વધુ વેપારીઓને રેલવે સાથે જોડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના પરિણામે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓનું પરિવહન રેલવે દ્વારા કરવામાં આવી રહ્યું છે.
તેમાં મુખ્યત્વે (Parcel Revenue) આર્ટિફિશિયલ જ્વેલરી (Imitation Jewellery), ઘરવખરીનો સામાન, પિત્તળના પાર્ટ્સ, ઓટોમોબાઇલ પાર્ટ્સ, કાપડની સામગ્રી, શાકભાજી અને ફળો, ઝડપથી બગડી જતી ચીજવસ્તુઓ (Perishable Items) તેમજ અન્ય વિવિધ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ડિવિઝન દ્વારા વેપારીઓને વધુ સારી પરિવહન સુવિધાઓ પૂરી પાડવા, તેમની જરૂરિયાતો અનુસાર સેવાઓમાં સુધારો કરવા તથા રેલવે દ્વારા માલ પરિવહનને પ્રોત્સાહિત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
પાર્સલ પરિવહન ક્ષેત્રે રાજકોટ ડિવિઝને નોંધપાત્ર કામગીરી કરી છે. (Parcel Revenue) નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન 1 એપ્રિલ, 2026થી 31 ઑક્ટોબર, 2026 સુધીમાં ડિવિઝન દ્વારા કુલ 2,34,367.5 ક્વિન્ટલ માલનું પરિવહન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા ₹8,44,44,855ની માલભાડાની આવક પ્રાપ્ત થઈ હતી. આ સિદ્ધિ ડિવિઝનની વધતી જતી વ્યાપારી પ્રવૃત્તિઓ, વધુ સારી પરિવહન સુવિધાઓ તથા રેલવે પ્રત્યે વેપારીઓના વધતા વિશ્વાસને દર્શાવે છે.
રાજકોટ ડિવિઝનના મંડળ રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ આ નોંધપાત્ર સિદ્ધિ બદલ વાણિજ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ સફળતા અધિકારીઓ અને કર્મચારીઓના સમર્પણ, કાર્યદક્ષતા, પ્રતિબદ્ધતા તથા સામૂહિક ટીમ ભાવનાનું પરિણામ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભવિષ્યમાં પણ આ પ્રકારના સંકલિત પ્રયાસો દ્વારા પાર્સલ અને માલ પરિવહન ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરવામાં આવશે તથા રેલવેની આવકમાં સતત વૃદ્ધિ સુનિશ્ચિત થશે.
