Student Awards: રાજકોટની R.B. વિદ્યાલયનો અનોખો પ્રયાસ, 100 બાળકોને વાંચન માટે રોકડ પુરસ્કાર
Student Awards: એક મહિના સુધી વાંચન કરનાર વિદ્યાર્થીઓને કલાક દીઠ 5 રૂપિયાનું પ્રોત્સાહન; સોશિયલ મીડિયાથી દૂર રાખી બાળકોમાં વાંચનની ટેવ વિકસાવવાના અભિયાનની પૂર્ણાહુતિએ પુરસ્કાર વિતરણ કરાયું.
રાજકોટ, 07 નવેમ્બર: Student Awards: બાળકોમાં વાંચનની ટેવ વિકસે, પુસ્તકો પ્રત્યે રુચિ વધે અને તેઓ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી દૂર રહે તેવા હેતુથી રાજકોટની R.B. વિદ્યાલય દ્વારા અનોખું વાંચન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરમાં SRP કેમ્પ સામે વર્ધમાનનગર ખાતે આવેલી આ શાળામાં એક મહિના સુધી ચાલેલા આ અભિયાનની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સતત એક મહિના સુધી વાંચન કરનાર 100 વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:- Medicine Price List: 9 નવેમ્બરથી કેન્સરની 1000થી વધુ દવાઓ સસ્તી થશે
શાળા દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને વાંચન માટે પ્રોત્સાહિત કરવા કલાક દીઠ 5 રૂપિયાનું ઇનામ આપવાની પહેલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ નિયમિત રીતે વાંચન કર્યું હતું અને આ સમગ્ર સમયગાળા દરમિયાન વાલીઓ તથા શિક્ષકો દ્વારા સતત ફોલોઅપ રાખવામાં આવ્યું હતું. તેમના સહયોગથી બાળકોમાં વાંચન પ્રત્યે રસ અને નિયમિતતાની ભાવના વિકસે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ પહેલમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
જિલ્લા શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં પુરસ્કાર વિતરણ
અભિયાનની (Student Awards) પૂર્ણાહુતિ પ્રસંગે યોજાયેલા પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે એક મહિના સુધી સતત વાંચન કરનાર 100 વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના સંચાલક વિનયભાઈ લોખીલે પ્રાસંગિક પ્રવચન આપતાં જણાવ્યું હતું કે શાળા દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ ભારતભરમાં પ્રથમ હોવાનો તેમનો દાવો છે. વિદ્યાર્થીઓએ આ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો છે અને શાળા ભારતીય સંસ્કૃતિ તથા વાંચનની પરંપરાને પુનર્જીવિત કરવા માટે કટિબદ્ધ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાળક કુમળા ફૂલ જેવું હોય છે અને તેને યોગ્ય દિશા આપવાની જવાબદારી શિક્ષકો તથા વાલીઓની છે. વાંચન એ આત્માનો ખોરાક છે અને દરેક બાળકે દરરોજ ઓછામાં ઓછું એક કલાક વાંચન કરવું જોઈએ. પુસ્તકોના વાંચનથી બાળકોના જ્ઞાનમાં વધારો થાય છે, વિચારશક્તિ વિકસે છે અને તેમના વ્યક્તિત્વ ઘડતરમાં પણ મદદ મળે છે.
અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ પહેલ
કાર્યક્રમના મુખ્ય મહેમાન જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલે શાળા દ્વારા અપનાવવામાં આવેલા આ નવતર અભિગમની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બાળકોમાં વાંચનની ટેવ વિકસે અને તેઓ ભવિષ્યમાં સારા નાગરિક બને તે માટે આવી પહેલ મહત્ત્વપૂર્ણ છે. (Student Awards) તેમણે શાળા સંચાલક વિનયભાઈ લોખીલ અને સમગ્ર શાળા પરિવારના પ્રયાસોને બિરદાવ્યા હતા. સાથે જ અન્ય શાળાના સંચાલકોને પણ વિદ્યાર્થીઓમાં અભ્યાસ અને વાંચન પ્રત્યે જાગૃતિ વધે તેવા રચનાત્મક કાર્યક્રમો યોજવા પ્રેરણા આપી હતી.
મહાનુભાવો અને શાળા પરિવારની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં ડૉ. અતુલ બલદેવ, કિરીટભાઈ મૈયડ, ભરતભાઈ કાનગડ, સંદીપભાઈ જાદવ, વિરેન્દ્રભાઈ પટેલ, રાવતભાઈ ડાંગર, ખોડૂભાઈ મકવાણા, જેઠાભાઈ છૈયા અને નારણભાઈ ડાંગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે અરજણભાઈ રામાણીએ ઉપસ્થિત મહેમાનો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અભિયાનને સફળ બનાવવા મુકેશભાઈ, હાર્દિકભાઈ, દીપિકાબા, જયમાલાબેન અને માનસીબેને વિશેષ મહેનત કરી હતી.
R.B. વિદ્યાલયનો આ પ્રયાસ બાળકોમાં વાંચન પ્રત્યે રસ જગાડવા ઉપરાંત તેમને મોબાઇલ અને સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી દૂર રાખવાની દિશામાં એક પ્રેરણાદાયી પહેલ બની રહ્યો છે. શાળાના આ અભિયાનથી વિદ્યાર્થીઓમાં પુસ્તકો વાંચવાની ટેવ વિકસે અને શિક્ષણ સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
