kulgam

Kulgam Terror Attack: કુલગામમાં CRPF નાકા પર આતંકી હુમલો

WhatsApp Channel Follow કરો →

શ્રીનગર, 12 નવેમ્બર: Kulgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના અખરાન વિસ્તારમાં મીર બજાર નજીક 11 નવેમ્બરે બપોરે આશરે 2:15 વાગ્યે બાઇકસવાર અજાણ્યા હુમલાખોરોએ CRPFના સુરક્ષા નાકા પર અચાનક ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ત્રણ CRPF જવાન ઘાયલ થયા હતા. હુમલાખોરો ગોળીબાર કર્યા બાદ ફરાર થઈ ગયા હતા.

CCTVમાં 15 સેકન્ડમાં 30 ગોળીઓનો અવાજ

હુમલાની CCTV ફૂટેજ સામે આવી છે. તેમાં શરૂઆતની માત્ર 15 સેકન્ડમાં આશરે 30 રાઉન્ડ ફાયરિંગનો અવાજ સંભળાય છે. ત્યારબાદ પણ ગોળીબાર ચાલુ રહ્યો હતો. ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ પણ વાંચો:- Clean Cities: સ્વચ્છ સર્વેક્ષણ 2025-26માં અમદાવાદને મોટી સિદ્ધિ, ‘સ્વચ્છ શહેર જોડી’માં ટોપ-3માં સ્થાન

એક જવાનની હાલત ગંભીર

ઘાયલ જવાનોની ઓળખ રાકેશ દાસ, સંતોષ ચંદ્રુ અને સોમવીર સિંહ તરીકે થઈ છે. તેમને શરૂઆતમાં અનંતનાગની સરકારી મેડિકલ કોલેજમાં સારવાર માટે લઈ જવાયા હતા. સંતોષ ચંદ્રુને પેટ અને કરોડરજ્જુમાં ગોળી વાગતાં ગંભીર હાલતમાં શ્રીનગરની આર્મી 92 બેઝ હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. અન્ય બે જવાનોની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન

હુમલા બાદ સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસ, CRPF અને અન્ય સુરક્ષા એજન્સીઓ હુમલાખોરોની શોધખોળ કરી રહી છે. વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને વાહનોની તપાસ પણ તેજ કરવામાં આવી છે.

હાલ સુધી હુમલાની જવાબદારી કોઈ આતંકી સંગઠને સ્વીકારી હોવાના અહેવાલ નથી. હુમલાખોરોને પકડવા માટે તપાસ અને સર્ચ ઓપરેશન ચાલુ છે.