Adharashila: કાગળમાં તો ન છાપી શકાય જન્મદાતાને….
Adharashila: !!આધારશિલા!!
Adharashila: જ્યારે આપણે વ્યસ્ત જીવન જીવીએ છીએ, ત્યારે આપણે, કેટલીક વાર, એવા લોકો સાથે જોડાવાનું ભૂલી જઈએ છીએ જેમણે આપણને એવા લોકોમાં ઉછેર્યા છે જેઓ આપણે બન્યા છીએ. માતાપિતા તેમના બાળકોના જીવનમાં મોટી ભૂમિકા ભજવે છે. તેમના વિના બાળકોનું આરોગ્ય, ભાવનાત્મક સુખાકારી અને શિક્ષણ જોખમમાં છે. પેરેન્ટ્સ ડે અથવા પેરેન્ટ્સનો વૈશ્વિક દિવસ તેમના સંતાનોના જીવનમાં માતા પિતાની ભૂમિકાને ઓળખે છે.
સમગ્ર વિશ્વમાં કૌટુંબિક પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપવા અને માતાપિતાનું સન્માન માટે આ દિવસ ઉજવવામાં આવે છે. જે લોકો વ્યસ્ત જીવન જીવે છે તેઓને કામથી અલગ થવા અને તેમના માતા-પિતા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે ભાગ્યે જ સમય મળે છે. ગ્લોબલ ડે ઓફ પેરન્ટ્સ આવા લોકોને તેમના માતા-પિતા સાથે આખો દિવસ પસાર કરવામાં મદદ કરે છે.
તેઓ એવી બાબતો વિશે વાત કરી શકે છે જે તેમને પરેશાન કરી રહી છે, અથવા એવી વસ્તુઓ કે જે તેઓ હંમેશા તેમની સાથે શેર કરવા માગતા હતા, આમ માતાપિતા-બાળકના બંધનને મજબૂત રાખે છે. કૃતજ્ઞતા એ ખરેખર શક્તિશાળી લાગણી છે. જ્યારે તમે આ દિવસે તમારા માતા-પિતા પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવો છો અને તેઓ કોણ છે તેના માટે તેમની કદર કરો છો, ત્યારે તમારી અંદર કંઈક એવું છે જે પ્રકાશિત થાય છે.
જૂન માસની પહેલી તારીખે ઘણાં દેશો Global Parents Day ઉજવે છે. એમાં કંઈ ખોટું ય નથી – એ બહાને તો થોડા લોકો તો પોતાના માવતરોની ઈજ્જત કરતા/કરાવતા તો થશે ! જગપ્રસિદ્ધ નવલિકા “દુઃખિયારા”ના હીરો જીન વાલજીનના પાત્ર જેવી જ વધુ પ્રેરણા જગાડતી, મારા હ્યદયને ઢંઢોળી ગયેલી રચના આ અવસરે પ્રસ્તુત છે જેમાં આડકતરી રીતે પાલનહારની મહિમાનું મહાત્મ્ય ભારોભાર વ્યક્ત કરી રહ્યો છું.
ફાઈવસ્ટાર સ્કૂલ (!?!) ના મોંઘેરા બગીચામાં સુકાયેલા છોડ કાઢી રહેલા કૃષકાય શરીરના એ માળી ભારે ખુદ્દાર હતા, ધૂળ અને ગરમીની તેમના પર કોઈ અસર નહોતી. તેમના કાને કોઈનો સંદેશ ટકરાયો : “ગંગાદાસ, આચાર્યશ્રી તમને હમણાં જ મળવા માંગે છે.” છેલ્લા બે શબ્દો, એ માણસે તાકીદ ઉભી કરવા માટે ભાર દઈને કહ્યા હતા. તે વડીલ ઝડપથી ઉભા થયા, એમના હાથ ધોઈને લુછી નાખ્યા અને આચાર્યની ઓફીસ તરફ ચાલવા લાગ્યા. તેઓ એક નિષ્ઠાવાન કાર્યકર હતા જેમણે ક્યારેય કામચોરી નથી કરી. “તમે મને બોલાવ્યો, મેડમ ? ”
“અંદર આવો…” એક ખારાશ સાથેના આદેશપૂર્ણ અવાજે તેમને વધુ ડરાવી મૂક્યા. ભૂખરા રંગના વ્યવસ્થિત રીતે બાંધેલા વાળ, સાદી પણ ડિઝાઈનર સાડી અને નાકની ટોચ પર રાખેલા એમના ચશ્મા…. તેમણે ટેબલ પર મુકેલા કાગળ સામે ઈશારો કરીને કહ્યું, “ આ વાંચો…”
“પણ મેડમ, હું એક અભણ માણસ, અંગ્રેજી ના વાંચી શકું. મેડમ મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરો. મને હજી એક તક આપો. મારી દીકરીને આ શાળામાં મફતમાં ભણાવવા માટે હું આપનો કાયમનો ઋણી છું ને રહીશ. મેં મારી દીકરી માટે આવી સારી જિંદગીની ક્યારેય કલ્પના પણ નહોતી કરી.” તેઓ લગભગ ધ્રૂજવા લાગ્યા હતા.
“ઉભા રહો, તમે તો ઘણું બધું ધારી લીધું… અમે તમારી દીકરીને તેની હોં શિયારી અને તમારી નિષ્ઠાને લીધે પરવાનગી આપી છે. મને કોઈ શિક્ષકને બોલાવવા દ્યો, જે આ વાંચીને તમને સમજાવશે. આ તમારી દીકરીએ લખ્યું છે, અને મારે એ તમને વંચાવવું છે.” થોડી જ મિનિટોમાં શિક્ષક્ને બોલાવાયા અને તેમણે વાંચવાનું શરૂ કર્યું.
“આજે અમને માં અને બાપ પર લખવાનું કહેવામાં આવ્યું હતું.
હું બિહારના એક નાના ગામથી છું, એક એવું નાનું ગામ જ્યાં શિક્ષણ અને દવા હજુ પણ દૂરના સપના જેવું જ લાગે છે. ત્યાં આજે પણ ઘણી સ્ત્રીઓ બાળકને જન્મ આપતાની સાથે જ મૃત્યુ પામે છે. મારી માતા પણ તેમાંની એક હતી જેણે મને ક્યારેય એના હાથમાં તેડી નથી. મારા પિતા મને તેડનાર સૌથી પ્રથમ વ્યક્તિ હતા, અને કદાચ છેલ્લા પણ. દરેક જણ દુઃખી હતા. કારણકે, હું એક છોકરી તરીકે જન્મી હતી અને મારી પોતાની માંને ભરખી ગઈ હતી.
મારા પિતાને તરત જ બીજા લગ્ન કરી લેવા માટે કહેવામાં આવ્યું હતું, પણ તેમણે ના પાડી. મારા દાદા દાદીએ તેમને તાર્કિક, અતાર્કિક અને ભાવનાશીલ કારણો અથવા દબાણો આપી ખૂબ યાતના આપી પરંતુ તેઓ સહેજ પણ ઝૂક્યા નહીં. મારા દાદાદાદીને પૌત્ર જોતો હતો, તેમણે પપ્પાને લગ્ન માટે બહુ જ ડરાવ્યા અને કહ્યું કે જો તેઓ લગ્ન નહીં કરે તો દાદા દાદી તેમનો ત્યાગ કરશે અને તેમને વસિયતમાંથી પાણીચું આપી દેશે.
તેમણે બે પળનો પણ વિચાર ન કર્યો અને તેમણે બધું જ છોડી દીધું, તેમની એકરોની જમીન, એક સુંદર જીવન, આરામદાયક ઘર, ઢોર અને તે તમામ વસ્તુઓ કે જે ગામડામાં જીવવા માટે ખૂબ જ સારી ગણાય. તેઓ આ વિશાળ શહેરમાં મને તેમના ખોળામાં લઈને ખાલી હાથે આવ્યા. જીવન ખૂબ જ કઠોર હતું, તેમણે દિવસ-રાત સખત મહેનત કરી. મારી ખૂબ જ પ્રેમ અને પરેજી સાથે દેખરેખ કરી.
હવે મને સમજાય છે કે મને ભાવતી દરેક વાનગી માટે તેમણે શા માટે અચાનક જ અણગમો ઉભો કર્યો હતો, કારણકે, થાળીમાં એ વાનગીનો ફક્ત એક જ ટુકડો વધ્યો હતો ત્યારે તેઓ એવું કહેતા કે, તેમને તે વાનગીથી નફરત છે અને હું એવું માનીને ખાઈ જતી કે એમને એ વાનગી ભાવતી નથી. જેમ જેમ હું મોટી થતી ગઈ મને કારણની ખબર પડી કે બલિદાન શું છે ! એમણે મને શક્ય એટલી સગવડતા તેમની ક્ષમતાથી વધુ આપી છે. આ શાળાએ અમને છત આપી, સન્માન આપ્યું અને સૌથી શ્રેષ્ઠ ભેટ, તેની દીકરીને શાળા પ્રવેશ આપ્યો.
જો પ્રેમ અને કાળજીમાં મા જ યોગ્ય વ્યાખ્યા છે, તો મારા પિતા એમાં વ્યવસ્થિત બેસે છે. જો કરુણા મા ની વ્યાખ્યા છે, તો તેમાં પણ મારા પિતા વ્યવસ્થિત બેસે છે. જો ત્યાગ મા ની વ્યાખ્યા છે, તો તેઓ તેમાં પણ સૌથી ઉપર છે. ટૂંકમાં કહું તો જો માતા પ્રેમ, કાળજી, ત્યાગ અને કરુણાથી બને છે, તો મારા પિતા દુનિયાના સૌથી શ્રેષ્ઠ મા છે.
માતૃત્વ દિવસ પર હું મારા પિતાને ધરતી પરના મારા શ્રેષ્ઠ માવતર બનવા માટે શુભેચ્છા આપવા માંગું છું. હું તેમને સલામ કરું છું અને ગર્વથી કહું છું કે, આ શાળામાં કાર્ય કરતા એ મહેનતુ માળી મારા પિતા છે. હું જાણું છું કે, આ લખાણ વાંચ્યા પછી શિક્ષક પરીક્ષામાં કદાચ હું નાપાસ કરે, પણ આ એક ખૂબ જ નાની ભેટ મારા નિ:સ્વાર્થ પિતાને હું અર્પણ કરું છું. આભાર.”
ઓફિસમાં નિરવ શાંતિ હતી. સૌ ગંગાદાસના હળવા ડૂસકા સાંભળી શક્તા હતા. ગમે તેવો જ્વલનશીલ સૂર્ય પણ જેના કપડા ભીના ન કરી શકતો, તેની દીકરીના માસૂમ શબ્દોથી તેની છાતી આંસુઓથી ભરાઈ ગઈ હતી. તેઓ હાથ વાળીને ઉભા હતા. તે જુવાન ડોસાએ શિક્ષકના હાથમાંથી કાગળ લીધો અને તેની છાતી પાસે મૂકીને વધુ એક, મોટું ડૂસકું ભર્યું.
આચાર્ય ઉઠ્યા અને ગંગાદાસને ખુરશી અને પાણી આપ્યા અને કંઈક કહ્યું. પણ, નવાઈ સાથે આ વખતે તેમના અવાજ ના ખારાશની જગ્યા હૂંફ અને મીઠાશે લઈ લીધેલી : “ ગંગાદાસ, તમારી દીકરીને આ નિબંધ માટે ૧૦ માંથી ૧૦ ગુણ આપ્યા છે. શાળાના ઈતિહાસમાં માવતર વિષયે લખાયેલો આ સૌથી શ્રેષ્ઠ નિબંધ છે. ‘પેરેન્ટ્સ ડે’ નિમિત્તે શાળામાં ખૂબ જ ભવ્ય સમારંભ છે અને શાળાના તમામ વ્યવસ્થાપક મંડળે આ કાર્યક્રમ માટે તમને મુખ્ય અતિથિ તરીકે બોલાવવાનું નક્કી કર્યું છે.
આ એક ગૌરવની વાત છે કે કેવી રીતે તેના બાળકને આગળ લાવવા માટે એક પુરૂષ પ્રેમ અને બલિદાન આપી શકે છે. અને આ એ વાત સાબિત કરે છે કે પૂર્ણ માવતર બનવા માટે સ્ત્રી હોવું જરૂરી નથી. સૌથી મહત્વની વાત કે, તમારા અભિમાન માટે કે તમારી દિકરીની તમારા પર પૂર્ણ શ્રદ્ધા હોવી અને તમારી દિકરીના કહેવા મુજબ આખી શાળાને પણ સાથે સાથે ગૌરવ છે, તમારા પર પૃથ્વી પરના શ્રેષ્ઠ માવતર તરીકે ! તમે ખરેખર એક સાચા માળી છો, જે ફક્ત બગીચાનું જ ધ્યાન નથી રાખતા, પણ તમારા જીવનના અણમોલ ફૂલને પણ એક અલગ સુંદર રીતે ઉછેરો છો….!!!! ”
કાગળમાં તો ન છાપી શકાય જન્મદાતાને
પગલાં તમારા ન માપી શકાય પાલનહાર,
મઢીને કાચમાં માત્ર અણસાર જ રહી શકે,
ફક્ત ભીંતે જ સ્થાપી શકાય એ બા-બાપુ
આકાશમાં હોટ તો તો હું આંબી લેત પણ
મુજથી આપ જેમ ન વ્યાપી શકાય પાલક,
સ્પર્શ તો ઉડી ગયા છે મારી સૂકી ત્વચાના
ન લઈ શકાય, ન રહી શકાય તમારામાંથી
ખોલીને બેગ આટલુ જ મારાથી થઈ શકે –
ફક્ત છબીને છાતીએ ચાંપી શકું માવતર !