Mother’s Day: કુટુંબનું છાપરું : માઁ !
“મધર્સ ડે” (Mother’s Day) પરના આજના આ લેખ માટે શીર્ષક શોધવા હું વામણો પુરવાર થયો – કારણ કે અહીં આજે જે પ્રકાશિત થયું છે તે ઘણી મહિલાઓને નિર્વિવાદપણે વિવાદાસ્પદ, હાસ્યાસ્પદ છતાં યે કોઈ કોઈના મનમાં આશાસ્પદ લાગશે. નારીના, માઁ ના મનનું અકળ વલણ તો ઉપરવાળોય પામી નથી શક્યો તો આ લખનાર પામર જીવડો તે વળી કઈ વાડીનો મૂળો !?!

Mother’s Day: દરેક કલાકાર પોતાની કલાકૃતિને પોતાનું નામ આપતો હોય છે, પરંતુ માઁ જેવા કલાકાર તો આ દુનિયામાં બીજો કોઈ નથી, જે બાળકને જન્મ આપે છે તો પણ નામ તો પિતાનું આપે છે. આખી દુનિયામાં માં જ એક એવી વ્યક્તિ છે જેને ક્યારેય મોડું નથી થતું. ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! વાત્સલ્યની મૂર્તિ એટલે માં ! માં એટલે વાત્સલ્યની મૂર્તિ. એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો અધરો છે.
બાળકને જન્મ આપીને લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોઈનાથી વાળી શકાય એમ નથી. બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર/સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદા જ ન કરી હોય તો આપણું શું થાત ? કોણે લાલન પાલન કર્યુ હોત, કોણે આપણને સંસ્કાર આપ્યા હોત. કોણે આટલો પ્રેમ લૂટાવ્યો હોત. માતાનું મહત્વ તો તમે એકવાર અનાથાશ્રમમાં જઈને ત્યા રહેતા બાળકોને જોઈને કે તેમની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે. મુશકેલ છે. ખુદ ઈશ્વર પણ માં ની જોડે બેસી શકે તેમ નથી !

જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગની મૂર્તિ, બલિદાનની મૂર્તિ, સૌજન્યની મૂર્તિ અને પ્રેમ/ત્યાગની મૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે ! જગતમાં સૌ બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ અથવા ‘મમ્મા’ છે. કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુક્તકંઠે ગાયો અને બિરદાવ્યો છે. કવિ બોટાદકરે પોતાની કવિતામાં કહ્યું છે કે, “જનનીની જોડ સખી નહી જડે રે લોલ !” માતા એ માતા જ છે. ચાહે એ આઠ બાળકોની માતા હોય કે એકના એક સંતાનની ! માતાને મન એના પ્રત્યેક બાળક કાળજાનો કટકો છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની – એના વાત્સલ્યનું ઝરણું તો અખૂટપણે વહ્યા જ કરે છે. બાળક હ્રષ્ટપુષ્ટ અને દેખાવડુ જ હોય એ જરૂરી નથી. માતાને મન તો લુલા-લંગડા કે બેરા-બોબડા બાળક ગુલાબના ખીલેલા ગોટા જેવું જ હોય છે. માતાને ઘડીને ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા છે એમ કહીએ તો જરાય ખોટુ નથી.
આ પણ વાંચો:- The mystery ingredient: ચાના દરેક કપમાં જાદુનો આડંબર: પૂજા પટેલ
આખા જગતનો આધાર માતાની આંગળી છે. માં ની આંગળીમાં અભયમ્ છે. સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો માની આંગળી ઝાલી હશે તો એને બીક નહીં લાગે ! એની આંગળી નિર્ભય છે. માં શબ્દ જ મમતાથી ભરેલો છે. પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એના પોતાના બચ્ચા માટે અપાર હશે, ગાય પોતાના વાછરડાને, કુતરુ પોતાના ગલુડિયાને, ચકલી પોતાનાં બચ્ચાંને, વાંદરી પોતાના બચ્ચાને પ્રેમ સ્નેહ કરતાં થાકતી નથી. કેવા સાચવે છે, ચાટે છે અને ખવડાવે છે. અબોલા પ્રાણીમાં જો આટલી માયા ને લાગણી હોય તો માનવ-માતાની તો વાત જ શી કરવી ?
આ લેખમાં પૂરક નીવડે તેવી બે વાતો : એક યુવક ફરીથી એની ઘરડી માઁ ને નાના બાળકની જેમ એક લાંબી ચાદર જેવા કપડામાં લપેટી, એનો એક છેડો પોતાને ખભે ભરાવી બહાર બગીચામાં લટાર મારવા નીકળ્યો તો હું પૂછયા વગર ન રહી શક્યો. એને એક બેંચ પર બેસેલા જોતા જ હું મારો સવાલ લઈ એની પાસે પહોંચ્યો. “તમે રોજ સાંજે અહીં આવો છો. હું તમને જોઉં છું. એમાં કોઈ શક નથી કે તમે ખૂબ સારા સંતાન છો જે પોતાની ઘરડી માઁ ને આટલું સાચવે છે છતાં મને એમ થાય કે તમે એમને આમ ઉંચકીને કેમ લાવો છો ?
તમે વ્હીલચેર કેમ નથી લેતા ?” એ યુવક મારી સામે જોઇને સહેજ હસ્યો. પછી કહ્યું, “જ્યારે હું નાનો હતો ત્યારે બહુ કમજોર હતો. વારે વારે બીમાર પડી જતો. જરીક વાતાવરણ બદલાય કે તરત મને તાવ આવી જતો. એ વખતે આ મારી માઁ મને આમજ કપડામાં લપેટીને, એની છાતીસરસો ચાંપીને રાખતી. મને એ વખતે બહું સારું લાગતું. એક અનેરી હૂંફનો અહેસાસ થતો. હું ઘણો મોટો થયો ત્યાં સુંધી માઁ નો એ ક્રમ ચાલુ રહેલો ! આજે હું સ્વસ્થ છું. મારી માઁ વૃધ્ધ થઈ છે, અશક્ત છે. એ હવે લાંબુ નહીં ખેંચે એમ ડોકટરે કહી દીધું છે. જીવનની ભાગદોડમાં હું વ્યસ્ત થઈ ગયેલો. મારી માઁ ને મારી જરૂર હોઈ શકે, એ આટલી કમજોર બની જશે એવું મેં વિચાર્યું જ ન હતું.
નક્કી કર્યું છે કે રોજ વધારે નહિ તો અડધો કલાક હું મારી માઁ સાથે ગાળીશ જ. હવે એ બોલી કે સાંભળી નથી શકતી પણ અનુભવી શકે છે. જ્યારે હું બોલી નહતો શકતો ત્યારે મારી માઁ મને આમ ઉઠાવતી હતી. આજે માઁ બોલી-સાંભળી નથી શકતી તો હું માઁ ને જેમ બને એમ મારી નજીક રાખું છું જેથી માઁ ને સારું લાગે !
સાચું કહું તો આમ કરવાથી મને પોતાને બહુ સારું લાગે છે. મારું વજન પહેલા બહુ વધી ગયું હતું એ હવે કાબૂમાં આવી ગયું, મારા મારી પત્ની સાથેના નાના ઝઘડા બંધ થઈ ગયા. એણે મહેસૂસ કર્યું કે જે પુરુષ પોતાની ઘરડી, અશક્ત માઁ નું આટલું ધ્યાન રાખી શકે એ એને પોતાને ય આમ જ સાચવશે ! મારા બાળકોની નજરમાં મારા માટે, મારી માઁ માટે આદર છે ! ઘરમાં કોઈ વડીલ હોય તો એનું કેમ ધ્યાન રાખવું એ, એ લોકો મને જોઈને શીખી રહ્યા છે. અચાનક થોડી ઠંડી હવા ફૂંકાતા એ યુવક ચાદર જેવા એ કપડાંને એની માઁ ના શરીરે થોડું સરખી રીતે લપેટીને ચાલતો થયો, માઁ ને ઠંડી લાગી જશે. મારે નીકળવું પડશે.
આ સંવાદ સાંભળી રહેલી અન્ય એક સ્ત્રી, એક માઁ એને જતો જોઈ રહી. ત્યાં જ બાબાગાડીમાં સૂતેલા તેણીના દીકરાને લઈને એની આયા આવી. પેલી અજ્ઞાત સ્ત્રીએ બાળકને ઉઠાવીને, છાતી સાથે ભીંસીને તેડી લીધો અને આયાને કહ્યું કે આ બાબાગાડી તું જ રાખી લે. મારે હવે એની જરૂર નથી ! એ થર્ડ પાર્ટી નારીની આંખોમાંથી અનાયાસ જ આંસુ વહી આવ્યા, અને ૧ વરસના થવા આવેલા બાબલાએ તેણીને પહેલીવાર ” માઁ ” કહ્યું !
બીજો પ્રેરક ને સકારાત્મક્ દાખલો : એક ભાઈ પોતાની સાથે બે-ત્રણ નાના બાળકોને લઇને ટ્રેનમાં ચડ્યા. ડબ્બામાં થોડી જગ્યા જોઈ એટલે સામાન ઉપર રાખીને બારી પાસે કંઈક વિચારતા વિચારતા એ ભાઈ બેસી ગયા. ટ્રેઈન ચાલુ થઈ અને સાથે સાથે પેલા બાળકોના તોફાનો પણ ચાલુ થયા. જેમજેમ સમય પસાર થતો ગયો તેમતેમ તોફાનો ને ત્રાસ તો વધતા જ ગયા. પેલા ભાઈ તોફાન કરી રહેલા બાળકોને કંઈ જ કહેતા નહોતા, તેથી બાળકો વધુ ધમાચકડી મચાવતા હતા. થોડી વાર પછી તો એ ટાબરીયાઓ બીજા મુસાફરોના સામનમાં હાથ નાંખીને વસ્તુઓ પણ ફંફોસવા માંડ્યા અને આમ, આખો ડબો માથે લીધો. ડબાના અન્ય મુસાફરોથી હવે સહન કરવું મુશ્કેલ હતું એટલે બધાએ પેલા શૂન્ય મનસ્ક થઈને બેઠેલા ભાઈને ઢંઢોળીને કહ્યુ કે ભાઈ, તમારા બાળકો કેવા તોફાન કરે છે ને તમે એને અટકાવતા કેમ નથી ?
બાળકો સહેજ દૂર ગયા એટલે પેલા ભાઈએ મુસાફરોને બે હાથ જોડીને ધીમેથી, નમ્રતાથી કહ્યુ કે, એ બાળકોના તોફાન બદલ હું આપની માફી માંગું છુ અને હું એમને એટલા માટે નથી અટકાવતો કારણકે આ તોફાન અને સુખ એમના જીવનમાં બહુ ટુંકા ગાળાનું છે આ બાળકોની માઁ મૃત્યુ પામી છે અને હું બાળકોને સાથે લઈને એમની માં નું ડેડબોડી લેવા જાઉં છું. હવે તમે જ કહો આ બાળકોને હું કેવી રીતે ચૂપ કરાવું ? આ સાંભળીને તમામ મુસાફરોની આંખો ભીની થઈ ગઈ.
મારા વ્હાલા સુજ્ઞ વાંચકો, જીંદગી માત્ર એ નથી જે આપણે જોઈએ છીએ એ પણ છે જે જોઈ શકવા માટે આપણે સક્ષમ નથી અને જ્યારે કોઈની મદદ કે માર્ગદર્શનથી ય નથી જોઈ શકતા : એ જોતા અને સમજતા થઈશું ત્યારે આપણી નફરત પ્રેમમાં પલટાતા બિલ્કુલ વાર નહીં જ લાગે. સ્ત્રીત્વની, માઁ ની મમતા, મહિમાનો ઉત્સવ ઉજવીએ તેમજ એવું કરીને નારી મહત્તાને પૂજીએ ને રીઝવીએ. માઁ કોઈની મરશો નહીં !
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો