Swamiji ni Vani part-22: વસુધૈવ કુટુમ્બકમ્
Swamiji ni Vani part 22 વસુધૈવ કુટુમ્બકમ્:પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
Swamiji ni Vani part-22: અર્જુન એમ માનતો હતો કે ‘કૌરવો સાથેનું આ મારું યુદ્ધ છે અને તેથી એ લોકોને મારવામાં હું જ કારણ બનીશ. હું એ લોકોનો ઘાતક બનીશ.’ ભગવાન કહે છે : ‘અર્જુન ! આ યુદ્ધ, એ તમારી, એટલે કે પાંડવોની કે કૌરવોની કૌટુંબિક ઘટના નથી. આ તો વૈશ્વિક ઘટના છે.’ એ જ હેતુથી ભગવાને અગિયારમા અધ્યાયમાં અર્જુનને વિશ્વરૂપનાં દર્શન કરાવ્યાં અને બતાવ્યું કે ‘અર્જુન, જો તો ખરો, આ વિશ્વમાં પ્રત્યેક વસ્તુ કેવી સંકળાયેલી છે ! હું જ વિશ્વનો આત્મા છું. હું જ રક્ષણ કરું છું અને બધાનું ભક્ષણ પણ હું જ કરું છું. હું જ કાળ છું.’ અર્જુન તો આ બધું જોઈને હબકી જ ગયો. જેમ નદી સમુદ્ર તરફ ધસી રહી હોય કે પતંગિયાં અગ્નિમાં આવેગભેર કૂદી પડતાં હોય તેમ હજારો મનુષ્યો અને પ્રાણીઓ ભગવાનના મુખમાં જાણે કે ધસી રહ્યાં છે. માનવીઓ જાણે કે બીજો કોઈ વ્યવસાય જ ન હોય તેમ જન્મ્યા ત્યારથી જ કાળના મુખ તરફ ધસી રહ્યા હોય છે. ભગવાન અર્જુનને કહે છે : ‘તું એમ ન માનતો કે આ યુદ્ધ માટે તું જવાબદાર છે, કે દુર્યોધન તે માટે જવાબદાર છે. તમે બધા તો નિમિત્ત છો.’
ઈશ્વર જ આ સઘળાં નિમિત્ત દ્વારા કાર્ય કરી રહ્યો છે અને તેથી આપણું જીવન આ સમગ્ર વિશ્વના અનુગ્રહને આભારી છે.
મનુષ્ય એ હકીકતથી સભાન નથી કે પોતે કેવી રીતે બીજાના ઉપકારથી જીવી રહ્યો છે, કેવી રીતે જગતનાં સઘળાં તત્ત્વો – નાનાં-મોટાં જીવજંતુઓ પણ – અને સમાજના સઘળા સભ્યો પણ સતત પોતાના પર ઉપકાર કરી રહ્યા છે. અત્યારે આ પ્રવચન ચાલે છે તેમાં પણ કેટકેટલા લોકોનો ફાળો છે ? કેટલા મહિનાથી કેટલા લોકો તૈયારી કરતા હોય ત્યારે એક પ્રવચન-શ્રેણી ગોઠવી શકાય. પ્રવચન માટે માઇક્રોફોન હોવું જોઈએ. એને ચલાવવા માટે વીજળીનો પુરવઠો હોવો જોઈએ અને આ વીજળી ક્યાંય ને ક્યાંયથી આવતી હશે. એને માટે વીજળી-મથક કામ કરતું હશે. એ મથકના બોઇલરનું બળતણ વળી દૂર દૂરની ખાણોમાં ઉત્પન્ન થતું હશે અને વીજ-મથક સુધી તેને લવાતું હશે. આ માઇક્રોફોન અને અન્ય સાધનોને વીજળી થકી કાર્ય કરાવવા માટે કેટકેટલા લોકો પોતાનું યોગદાન આપતા હોય છે અને ત્યારે જ આપણે તો ખૂબ સરળતાથી સ્વીચ ઓન કરીએ અને પંખાની હવા માણી શકીએ છીએ. એક ઘર બંધાયું હોય તેમાં પણ કેટકેટલા લોકોનો ફાળો હોય છે. આપણે ચા પીએ છીએ તેમાં પણ હજારો લોકોનો ફાળો છે. ચા ક્યાંથી આવી ? દૂધ ક્યાંથી આવ્યું ? પાણી ક્યાંથી આવ્યું ? ખાંડ ક્યાંથી આવી ? ગૅસ ક્યાંથી આવ્યો ? અરે, તપેલી, ગળણી, ચમચી, પ્યાલા-રકેબી – આ બધું ક્યાંથી આવ્યું ?
વિચારીશું તો ખ્યાલ આવશે કે સમગ્ર જગત સતત આપણને સહયોગ આપીરહ્યું છે. સૂર્ય, ચંદ્ર જ્યારે સહયોગ આપે, પોતાનું કાર્ય કરે ત્યારે વૃષ્ટિ થાય, ભિન્ન-ભિન્ન ઋતુઓ આવે, પાક તૈયાર થાય. ખેડૂતો, મજૂરો બધાનું આ અનાજ પકવવામાં યોગદાન હોય છે અને વળી બીજા કેટલાય લોકો પોતપોતાનું કાર્ય કરે ત્યારે એ અનાજ આપણા સુધી પહોંચે ! પછી એ રંધાય ત્યારે આપણે એનો આહાર લઈએ.
એક પણ કર્મ એવું નથી જે વ્યક્તિગત કર્મ હોય.
આમ, આપણું જીવન સમગ્ર વિશ્વને આભારી છે. એટલી બધી ઝાઝી દૃષ્ટિ ન પહોંચે તો આપણે એટલું તો સમજી શકીએ ને કે આપણું જીવન આપણા દેશને આભારી તો ખરું જ. રાષ્ટ્ર સુધી દૃષ્ટિ ન પહોંચે તો એવું તો સમજી શકીએ ને કે તે રાજ્યને આભારી છે ? એટલું પણ ન સમજાય તો આ શહેરને તો આભારી ખરું જ. એ પણ ન સમજાય તો આપણા પડોશને તો આભારી છે જ. કાંઈ નહીં તો કુટુંબને આભારી તો ખરું જ. એમ પણ નહીં તો માત્ર મને જ આભારી ? ના. નહીં જ. મારાથી અન્ય અનેક તેમાં સંકળાયેલા છે. આમ જેટલા પ્રમાણમાં આપણી દૃષ્ટિ વિશાળ બને એટલા પ્રમાણમાં વિશ્વની સંવાદિતા સાથે આપણે એકરૂપ થતા જઈએ. અંતમાં વૈશ્વિક દૃષ્ટિ પ્રાપ્ત થાય – वसुधैव कुटुम्बकम् સમગ્ર બ્રહ્માંડ એક કુટુંબ છે. એ કુટુંબના આપણે સભ્યો છીએ.
કેવી મહાન દૃષ્ટિ છે !
Thoughts in mind: આપણાં મનમાં એક ચાહત હોય છે કે “મારી આ ઈચ્છા પૂર્ણ થાય!”