Bhai Dooj: મણકો 7: ભાઈબીજ
Bhai Dooj: કારતક મહિનાનાં સુદ પક્ષની બીજ તિથિએ ભાઈબીજ ઊજવાય છે. ભાઈબીજ યુગોથી યમ દ્વિતીયા તરીકે પણ પ્રચલિત છે.
(વિશેષ નોંધ : દિવાળી નિમિત્તે દસ મણકામાં તૈયાર કરેલી લેખમાળાનો આ સાતમો મણકો છે. જો કે નૂતન વર્ષનાં મણકામાં ભારતીય કાલગણના, પંચાંગ, વિક્રમ સંવંત અને સંવત્સર વિશે વાત કરવામાં જ લેખ ખાસ્સો લંબાઈ ગયો એટલે બીજી કોઈ માહિતી સમાવી ન શકાઈ એટલે આજનાં ભાઈબીજનાં મણકામાં એનો પણ સમાવેશ કરી લઉં છું. મણકો ૭ – ભાઈબીજ.)
કારતક સુદ એકમનાં દિવસે ગોવર્ધન પૂજાનું પણ વિશેષ મહત્વ છે. લોકો ગોવર્ધન પૂજાને અન્નકૂટ પૂજા તરીકે પણ જાણે છે. આ દિવસે ગોવર્ધન પર્વત, ગોધન એટલે કે ગાય અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા વિશેષ રૂપથી કરવાનું આગવું મહત્વ છે. આ સાથે વરુણ દેવ, ઈન્દ્રદેવ અને અગ્નિ દેવ જેવા દેવોની પૂજા કરવાનો પણ રિવાજ છે. ગોવર્ધન પૂજામાં વિવિધ પ્રકારના ભોજન સમર્પિત કરવામાં અને વહેંચવામાં આવે છે, તેથી આ પ્રસંગને અન્નકૂટ કહેવાય છે. આ દિવસે ભગવાનને વિવિધ પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે.
અન્નકૂટ અથવા ગોવર્ધન પૂજા ભગવાન કૃષ્ણનાં અવતાર પછી દ્વાપર યુગથી શરૂ થઈ છે. આમાં ઘરનાં આંગણામાં ગાયનાં છાણમાંથી અલ્પના બનાવીને ગોવર્ધનનાથજીની પૂજા કરવામાં આવે છે. તે પછી, ગિરિરાજ ભગવાનને પ્રસન્ન કરવા તેમને અન્નકૂટ પણ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં અન્નકૂટ કરવાની ખાસ પ્રથા છે. ગોવર્ધનની પૂજા કરવા પાછળની ધાર્મિક માન્યતા એવી છે કે ભગવાન કૃષ્ણ ઈન્દ્રનું અભિમાન તોડવા માંગતા હતા.
આ માટે તેમણે ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળી પર ઉપાડીને ગોકુલવાસીઓને ઈન્દ્રનાં પ્રકોપથી બચાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ પછી ભગવાન કૃષ્ણે પોતે કારતક શુક્લ પ્રતિપદાનાં દિવસે ૫૬ ભોગ બનાવીને ગોવર્ધન પર્વતની પૂજા કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી ગોવર્ધન પૂજાની પ્રથા આજે પણ ચાલુ છે અને દર વર્ષે ગોવર્ધન પૂજા અને અન્નકૂટનો પ્રસંગ ઊજવવામાં આવે છે.
કારતક સુદ એકમ પછીનો દિવસ એટલે એવો દિવસ જેની રાહ ભાઈબહેન આખું વર્ષ જોતા હોય છે. કારતક મહિનાનાં સુદ પક્ષની બીજ તિથિએ ભાઈબીજ ઊજવાય છે. ભાઈબીજ યુગોથી યમ દ્વિતીયા તરીકે પણ પ્રચલિત છે. એની પાછળ પણ ખૂબ જ રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે. ભાઈબીજ કે યમ દ્વિતીયાની કથા જાણીયે એ પહેલાં સૂર્યદેવનાં પરિવાર વિશે જાણીયે.
સૂર્યદેવનાં તેજને સંજ્ઞા અને અસ્તને છાયા તરીકે ઓળખાવી છે અને બંનેને સૂર્યની પત્ની જણાવવામાં આવી છે. બ્રહ્મવૈવર્ત પુરાણોમાં વર્ણવ્યા મુજબ એવું કહેવાય છે કે સૂર્યદેવનાં લગ્ન વિશ્વકર્મા ત્વષ્ટાની પુત્રી સંજ્ઞા સાથે થયાં હતાં. સંજ્ઞાથી એમને ત્રણ સંતાનો વૈવસ્વત મનુ, યમ અને યમી એટલે કે યમુના થયા. તે સૂર્યદેવનાં તાપને સહન કરી શકતી નહોતી માટે તેણે છાયા નામનું પોતાનું પ્રતિરૂપ રચ્યું. પોતાના જેવી જ આકૃતિ ધરાવનાર છાયા નામની સ્ત્રીને પત્ની તરીકે સૂર્યને સોંપી સ્વયં તપસ્યા કરવા માટે કુરૂ પ્રદેશ જતી રહી.
સૂર્યદેવને આ ખ્યાલ ન રહ્યો. આ છાયા દ્વારા સાવર્ણી મનુ, શનિ, તપ્તિ અને વિષ્ટિ એટલે કે ભદ્રા આ ચાર સંતાનો થયા. આ ચારેય સંતાનોને છાયા ખૂબ પ્રેમ કરતી પરંતુ સંજ્ઞાનાં સંતાનો વૈવસ્વત મનુ, યમ અને યમી પ્રત્યે તિરસ્કાર રાખતી. માતાનાં તિરસ્કારથી દુઃખી થઈ એક દિવસ યમે સૂર્યની કહ્યું, ”હે પિતા, આ છાયા અમારી માતા નથી લાગતી કેમ કે તે અમારી ઉપેક્ષા કરે છે. માતા ક્યારેય આવું કરે નહીં.”
યમની આ વાત સાંભળીને અને છાયાનો વ્યવહાર જોઈને સૂર્યદેવે છાયાને કહ્યું કે, “તું કોણ છો ?” આ સાંભળીને છાયા ભયભીત થઈ ગઈ અને બધું રહસ્ય પ્રગટ કરી દીધું કે હું સંજ્ઞા નથી પણ છાયા છું. આ પછી સૂર્યદેવ સંજ્ઞાને શોધવા વિશ્વકર્માનાં ઘરે ગયા. સંજ્ઞા વિશે પૂછ્યું ત્યારે વિશ્વકર્માએ જવાબ આપ્યો કે સંજ્ઞા અશ્વિની બનીને તપ કરી રહી છે. સૂર્યદેવ અશ્વનું રૂપ લઈને ત્યાં પહોંચ્યા ત્યારે પણ સંજ્ઞા તેમનું તેજ સહન કરી શકી નહોતી. સંજ્ઞાનાં પિતા વિશ્વકર્માએ સૂર્યના તેજને ઓછું કર્યું હતું. ત્યારબાદ સૂર્યનો તાપ ઓછો થયો હતો. અને એ પછી સંજ્ઞાથી એમને બે સંતાનો ઉત્પન્ન થયા અશ્વિનીકુમારો જે દેવોના વૈદ્ય કહેવાય છે. સૂર્યનાં અંતિમ તેજથી રૈવંત પુત્ર થયો અને કર્ણ પણ સૂર્યપુત્ર જ મનાય છે.
ઉત્તરી ધ્રુવમાં વસવાને લીધે સંજ્ઞાનાં યમ તથા યમુનાની સાથેનાં વ્યવહારમાં અંતર આવ્યું. તેનાથી વ્યથિત થઈ યમે પોતાની અલગ નગરી યમપુરી વસાવી. જો કે યમુનાજી વારંવાર પોતાના ભાઈ શ્રી યમરાજને મળવા જાય, પરંતુ તેઓ જ્યારે ભાઈનાં ઘર પાસેથી પસાર થતાં ત્યારે તેમની નજર યમપુરી પર પડતી. ભાઈનાં ગૃહ પાસે પડતી આ યમપુરીમાંથી આવતા જીવોનાં ચિત્કારો અને પીડાત્મકભર્યા આર્તનાદ યમુનાજીનાં કોમળ મનને પણ ઘાવ આપી જતાં હતાં.
તેમનું મન અને હૃદય અતિ દ્રવિત થઈ જતું હતું. આથી હંમેશાં યમુનાજી પોતાના મોટાભાઈને વિનંતી કરતાં કે વીરાં આ જીવોને યમપુરીની પીડામાંથી મુક્ત કરો, પરંતુ હંમેશની જેમ યમરાજ હસીને વાત ફેરવી નાખતાં. યમુનાજી હંમેશાં વિચારતાં રહેતાં કે યમપુરીમાં રહેલા આ જીવોને કેવી રીતે બચાવવા? પરંતુ તેઓને ક્યારેય કોઈ ઉપાય ન મળતો. યમુનાજીને પોતાના આ વડીલ વીરાં ખૂબ વ્હાલાં હતાં. તેથી તેઓ વારંવાર ધર્મરાજ યમદેવને પોતાને ગૃહે ભોજન લેવા અર્થે બોલાવતા.
યમરાજ તો આખા વર્ષ દરમિયાન કામમગ્ન હોઈ પોતાની પ્રિય ભગિનીનાં ગૃહે ન જઈ શકતા. આથી એક વાર યમુનાજી ભાઈને ઘેર ગયાં અને ભાઈને વિનંતી કરી કે આજે કાર્તિકી એકમ છે. આવતી કાલે આપ મારે ત્યાં પરિવાર સાથે જમવા પધારો. એમ બોલતાં-બોલતાં યમુનાજીની આંખો ભરાઈ આવી. પોતાની નાની બહેનની આંખો છલકાઈ આવેલી જોઈ યમરાજાએ પોતાની બહેનને વચન આપ્યું કે આવતીકાલે કાર્તિકી સુદ બીજનાં દિવસે તેઓ ચોક્કસ બહેનને ત્યાં જમવા પધારશે.
બીજે દિવસે યમરાજા પોતાનું વચન પાળવા માટે પોતાના પરિવાર સાથે બહેનને ત્યાં આવી પહોંચ્યાં. અત્યંત આનંદિત થઈ બહેને ભાઈનું સ્વાગત કર્યું. ભાઈનાં લલાટે કુમકુમ તિલક કર્યું, બહેનને પ્રસન્ન થયેલી જોઈ યમરાજા પણ અત્યંત આનંદિત થઈ ગયાં. બહેને ભાઈને ચાંદીનાં પાત્રોમાં ભોજન કરાવ્યું. ભોજન બાદ પસલીમાં યમરાજાએ બહેનને રંગબેરંગી વસ્ત્રો, રત્નજડિત અલંકારો આપ્યાં અને કહ્યું કે, “બહેન આ બધું તો મેં મારી ઈચ્છા મુજબ આપ્યું છે, પરંતુ તારી ઈચ્છા મુજબ તું મારી પાસે કંઈક માગ.”
ત્યારે પ્રથમ તો યમુનાજીએ ના કહી, પરંતુ વડીલ બંધુનાં વારંવાર આગ્રહથી અને ભાઈનું માન રાખવા યમુનાજીએ માંગ્યું કે, “ભાઈ આપ મને કંઈક આપવા જ ઇચ્છતા હોય તો હું ફક્ત એક જ વરદાન માંગું છું. આપ કૃપા કરીને આપની યમપુરીમાં પીડાઈ રહેલા જીવોને મુક્ત કરો.” ત્યારે યમરાજા કહે, “બહેની મારું કાર્ય છે કે જીવોને તેમનાં કર્મ મુજબ હું તેમને દંડ આપું, પરંતુ તેં મારી પાસેથી વચન માંગ્યું છે તો હું પણ તને વચન આપું છું કે આપણાં ભાઈ-બહેનનાં પ્રતીકરૂપે આજનાં દિવસે જે જીવ તારા જળમાં સ્નાન કરશે અને તારા જળરૂપી અમૃતનું પાન કરશે તેને યમ અને યમપુરીનો ભય નહીં રહે.
ઉપરાંત આ ફક્ત આજના દિવસની વાત નથી યમુને, જે કોઈ જીવ તારા શરણે આવીને નિત્ય તારું સ્મરણ કરશે તેને હું સૂર્યપુત્ર યમ કદીએ યમહસ્ત લગાવીશ નહીં.” યમરાજાનાં વરદાન મુજબ જોઈએ તો યમુનાજીને માનનારાં બધા જ જીવો યમુનાજીનાં બાળ છે અને યમરાજા પોતાની બહેનનાં બાળકોને દંડ કેવી રીતે આપે? કારતક સુદ બીજનો આ દિવસ ભાઈ-બહેનનાં પ્રેમ અને સ્નેહને વ્યક્ત કરે છે. બહેન-ભાઈનાં આ પર્વને હવે ભાઈબીજનાં રૂપમાં ઉજવવામાં આવે છે.
ભાઈબીજનાં દિવસે મથુરાનાં વિશ્રામ ઘાટ ઉપર ભાઈ-બહેન હાથ પકડીને એકસાથે સ્નાન કરે છે. યમની બહેન યમુના છે અને એવી માન્યતા છે કે આજના દિવસે જે ભાઈ-બહેન યમુના નદીમાં સ્નાન કરે છે, યમ તેમની બધી જ પરેશાનીઓ દૂર કરે છે. આ દિવસે સવારે ચંદ્રદર્શનની પણ પરંપરા છે અને સંધ્યાકાળે ઘરની બહાર ચાર દિવેટવાળો દીવો પ્રગટાવવાની પણ પરંપરા છે. માન્યતા છે કે આવું કરવાથી કલ્યાણ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. સાંજે યમરાજને દીવો સમર્પિત કરીને આકાશમાં ગરુડ ઉડતું જોવું શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, બહેન ભાઈની લાંબી ઉંમરની જે કામના કરી રહી છે તે સંદેશને ગરુડ સાંભળીને યમરાજને જણાવે છે.
આ દિવસે બહેન પોતાના ભાઈને મનગમતી રસોઈ બનાવીને ભાઈને એ અહેસાસ કરાવે છે કે આજે પણ બહેનને ભાઈ પ્રત્યે એટલો જ પ્રેમ છે અને ભાઈ પણ બહેનના પ્રેમને સમજી તેને ખુશ કરવા તેને પસંદ આવે તેવી ભેટ આપે છે. ભેટની કીંમત મહત્વની નથી હોતી, મહત્વનું તો હોય છે એક ભાઈનું બહેનનાં ઘરે આગમન. બહેન તો પિયર અવાર-નવાર જતી હોય છે. પણ ભાઈનું પરિવાર સહિત જવું એવુ તો કોઈ પ્રસંગ હોય ત્યારે જ બને છે. આમ પણ લોકોની ખોટી માન્યતા છે કે દીકરીનાં ઘરે વધુ ન જવાય, ન ખવાય વગેરેને કારણે પણ પિયરિયાઓ કારણ વગર જવાનું ટાળતા હોય છે.
આ ધાર્મિક પરંપરાને કારણે બહેન હકથી ભાઈને પોતાની ઘરે જમવા બોલાવી શકે છે. રક્ષાબંધનનાં દિવસે દરેક બહેનને ભાઈને ઘરે જવાનો અધિકાર મળે છે અને ભાઈબીજનાં દિવસે ભાઈને બહેનની ઘરે જવાનો. આ બંધનની વચ્ચે આ બે તહેવારો દરમિયાન કોઈ પણ વિધ્ન આવી શકતુ નથી એવી માન્યતા છે. ભાઈ-બહેનનું સરખું જ મહત્વ, કોઈને અન્યાય નહી. આવા તહેવારોને કારણે જ તો ભાઈ-બહેનનો પ્રેમ વધુ મજબૂત બનતો જાય છે.
ભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનનાં મીઠા સંબંધોની. આ એ તહેવાર છે જે પ્રતિક છે કર્તવ્ય અને મંગલકામનાનું. અને આ એક એવી માન્યતા છે જેણે કેટલાય સંબંધોને અતૂટ બંધનોમાં બાંધી રાખ્યાં છે. ભાઈની સલામતી માટે અને લાંબા આયુષ્ય માટે જાણે કેટલાંય વર્ષોથી આ તહેવાર બહેનો મનાવતી આવી છે. ધર્મ, ભાષા અને બંધનોથી અલગ ભાઈબીજ તહેવાર કોઈનો બંધક હોય તો તે ફક્ત ભાવનાઓનો અને ભાઈ-બહેનની પવિત્ર જોડીનો.
ભાઈબહેનનાં પવિત્ર પ્રેમની અભિવ્યક્તિ સમા ભાઈબીજ કે યમ દ્વિતીયા પર્વની આપ સહુને મારાં તરફથી અઢળક શુભેચ્છાઓ..!!
– વૈભવી જોશી
(હવે બાકીનાં ૩ મણકા ૮, ૯, અને ૧૦ અનુક્રમે લાભ પાંચમ, તુલસી વિવાહ અને દેવદિવાળીએ રજુ કરીશ.)