Nutan Varsh-2024: શું તમે અને તમારા સંતાનો નૂતન વર્ષ વિશે જાણો છે? નહીં તો આ માહિતીસભર લેખ ખાસ તમારા માટે
(વિશેષ નોંધ: દિવાળી નિમિત્તે દસ મણકામાં તૈયાર કરેલી લેખમાળાનો આ છઠ્ઠો મણકો છે જે ઘણું સંશોધન અને અભ્યાસ પછી લખાયો છે. માટે આ લાંબો મણકો ખાસ ધ્યાનથી વાંચવો અને બને તો સાચવી રાખવા જેવો છે. શક્ય છે આ ઊંડાણપૂર્વક રજુ કરેલો મણકો એક વારમાં ન પણ સમજાય તો પણ ફરીફરીને એક વાર વાંચશો અને સમજશો તો કદાચ આવનારી પેઢીને સાચી માહિતી વારસામાં આપી શકશો.
Nutan Varsh-2024: આજે નૂતન વર્ષનું નવલું પ્રભાત એટલે મણકો ૬ – નૂતન વર્ષ.
અત્યાર સુધી તમને થતું હશે કે દરેક મણકામાં મેં દિવાળીનાં દરેક પર્વ અને એની સાથે જોડાયેલી રસપ્રદ પૌરાણિક કથાઓ રજુ કરી છે પણ કદાચ જેટલાં પણ લોકોએ લેખમાળા વાંચી છે એમને એક વાર તો ચોક્કસ વિચાર આવ્યો જ હશે કે હવે આજનાં મણકામાં નૂતન વર્ષ વિશે તો હોઈ હોઈ ને શું માહિતી હોઈ શકે ? તમને હશે કે બહુ બહુ તો કદાચ સારાં શુભેચ્છા સંદેશ પાઠવશે કે સમાજને લગતો કોઈ મહત્વનો સંદેશ આપશે પણ નૂતન વર્ષનાં મણકામાં એવી તો શું ઉપયોગી માહિતી રજુ કરી શકાય ? તો ચાલો આ રસપ્રદ અને માહિતીસભર મણકામાં ડોકિયું કરીયે.
દર વર્ષે દિવાળીનાં દિવસો દરમ્યાન કોઈક ને કોઈક તો આપણા ભારતીય પંચાંગ અને એના ઈતિહાસ વિશે ઉલ્લેખ કરે જ છે એના પર ચર્ચાઓ પણ ઘણી થાય છે પણ હકીકતમાં પરિણામ સાવ શૂન્ય. કેલેન્ડરમાં તારીખ-વાર જેવા બે જ અંગ છે, જ્યારે આપણા ભારતીય પંચાંગમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એમ ‘પાંચ અંગ’ હોય છે અને માટે જ એને પંચાંગ કહેવાય છે.
આજની પેઢીને એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દશમ, અગિયારસ, બારસ, તેરસ, ચૌદસ, પૂનમ, અમાસ..આટલું તો કદાચ માંડ માંડ ખબર હશે એવામાં જો હું મૂળ શબ્દો કહેવા બેસું, પ્રતિપદા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી, અષ્ટમી, નવમી, દશમી, એકાદશી, દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી, પૂર્ણિમા, અમાવસ્યા તો તો આજની પેઢીને તમ્મર જ આવી જાય.
પણ એમાં વાંક કોનો ? આપણામાંથી કેટલાં માબાપ તેમનાં સંતાનોને (ભલે સંતાનો અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય) હિન્દુ પંચાંગ (કેલેન્ડર)નાં મહિનાઓ- કારતક, માગશર…વગેરે યાદ કરાવે છે ? (મારી દીકરી આ બધા જ મહિના કડકડાટ બોલે છે એ પછી જ મેં અહીંયા આ મુદ્દો ઉઠાવ્યો છે.) કેટલાં લોકોને શરદ, હેમંત, શિશિર વગેરે છ ઋતુઓ વિશે ખબર છે? આપણાં માતાપિતાએ આપણને આ જ્ઞાનનો વારસો આપ્યો તો શું આપણી ફરજ નથી કે આપણે આપણાં સંતાનોને આપણા શુદ્ધ વૈજ્ઞાનિક જ્ઞાનનો વારસો આપીએ ??
શું આપણે આપણાં સંતાનોને પૂનમ, અમાસ વગેરે તિથિનું જ્ઞાન આપ્યું છે? હજુ આજેય ઘણા લોકો આ તિથિ પ્રમાણે જ ચાલે છે અને પૂનમ-અમાસના દિવસે રજા પણ રાખે છે. નવા વર્ષને જાણવા પહેલાં ભારતીય લોકોને કોઈ પંચાંગ કે કેલેન્ડરની જરૂર પડતી નહિ. આપણા વડવાઓ ચંદ્રને જોઈને તિથિ, તારીખ સમય કહી દેતા. માત્ર સંસ્કૃતિનું ગૌરવ લેવાથી પતી નથી જતું એના સાચવવા માટે એના વિશે ઊંડો અભ્યાસ પણ કરવો પડે છે. માત્ર મુહૂર્તની ઔપચારિકતા સિવાય જગતભરમાં જેનો જોટો જડે નહિ એવા અનોખા ભારતીય પંચાંગ સાથે આપણો બસ આટલો જ નાતો રહી ગયો છે?
આપણે જે હાલ વાપરીએ છીએ એ ગ્રેગોરિયન કેલેન્ડર સોલાર અથવા સૂર્ય મુજબનું કેલેન્ડર છે. આપણું પંચાગ ચંદ્રની કળાનાં આધારે ચાલનારું છે. ચંદ્ર મુજબ આપણી તિથિ નક્કી થાય છે. આપણા પંચાંગ સાથે જે તે સમાજ અને સંસ્કૃતિની પરંપરાઓ અને રીતરિવાજો સંકળાયેલાં છે. આપણે ત્યાં સૌરમાસ અને ચાંદ્રમાસનાં આધારે પંચાગ તૈયાર થાય છે. સૂર્યની ગતિનાં આધારે નક્ષત્રોમાં પ્રવેશ મુજબ સૌરમાસ અને ચંદ્રની પૃથ્વી પરિક્રમાને આધારે તિથિઓની ગણતરી કરવામાં આવે છે.
તો ચાલો આજે હું આપ સહુને મહિના કે વર્ષો નહિ પણ યુગો પૂર્વેનાં સમયની ઝાંખી કરાવવા લઈ જઉં જેથી આપ સહુ પણ આપણી મહામૂલી વિરાસતને યાદ કરી ગૌરવ અનુભવી શકો. આજનાં દિવસનાં પંચાંગ પ્રમાણે હું થોડા શબ્દો લખું છું જે આમ અત્યંત જાણીતા છે અને દરેક શુભ મુહૂર્તમાં કે પત્રિકામાં છપાય પણ છે.
વિક્રમ સંવત ૨૦૮૧ પિંગળ સંવત્સર
ગુજરાતી વિક્રમ સંવત ૨૦૮૧ નળ સંવત્સર
શાલિવાહન શક સંવત ૧૯૪૬ ક્રોધી સંવત્સર
યુગાબ્દ ૫૧૨૬
ઉપર લખેલા શબ્દોથી શું આપણે ખરેખર માહિતગાર છીએ ?? હું જાણું છું કે આપણે આ બધા જ શબ્દો અવારનવાર વાંચીયે છીએ પણ એના વિશે ઊંડાણથી જાણતા નથી. અત્યારે ૨ નવેમ્બરને શનિવારે કારતક સુદ એકમની તિથિનો પ્રારંભ થઈ ગયો અને આ દિવસથી ગુજરાતીઓનું નવુ વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ, નવું વર્ષ કે નૂતન વર્ષ કહેવાય છે. આ દિવસથી ગુજરાતી વિક્રમ સંવત અને જૈન વીર સંવતનું નવું વર્ષ શરૂ થાય છે.
આજથી ગુજરાતી વિક્રમ સંવત ૨૦૮૧ નળ સંવત્સર અને જૈન વીર સંવત ૨૦૫૧ શરૂ થશે. એ પણ જાણી લઈએ કે ભારતનાં અન્ય ભાગોમાં ચૈત્ર સુદ એકમથી પણ વિક્રમ સંવંત શરૂ થાય છે અને એ મુજબ પિંગળ સંવત્સર ચાલી રહ્યું છે. એ સિવાય મેં ઉપર લખ્યું એમ અત્યારે યુગાબ્દ ૫૧૨૬ ચાલી રહ્યું છે જેની શરૂઆત પણ ચૈત્ર સુદ એકમથી થાય છે. આ યુગાબ્દને અનુસરીએ તો ભારતીય સનાતન પરંપરા પાંચ હજાર વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન ગણી શકાય. ચાલો ઉપર લખેલાં શબ્દો વિશે જરા ઊંડાણથી જાણવાનો પ્રયત્ન કરીયે.
કદાચ જ નવી પેઢી જાણતી હશે કે અત્યાર સુધી ૧૬ ભારતીય સંવતનો ઉલ્લેખ છે. પહેલું સંવત એટલે કલ્યાબ્દ. ત્યાર પછી સૃષ્ટિ સંવત, વામન સંવત, શ્રીરામ સંવત, શ્રીકૃષ્ણ સંવત, યુધિષ્ઠિર સંવત, બુદ્ધ સંવત, મહાવીર (જૈન) સંવત, શ્રી શંકરાચાર્ય સંવત, વિક્રમ સંવત, શાલિવાહન સંવત… હર્ષાબ્દ સંવત આવે છે. હિન્દુ સંસ્કૃતિ અંકમાં લખવામાં આવ્યું છે કે ભારતમાં સંવતની આગળ રાજાઓનાં નામ લાગતાં આવ્યાં છે. નવા નામે સંવત ચલાવવી હોય તો તેની શાસ્ત્રીય વિધિ હતી. જો રાજાએ પોતાના નામથી સંવતની શરૂઆત કરવી હોય તો સૌથી પહેલાં રાજ્યમાં જેટલા દેવાદાર હોય (ઋણી) તેમનું દેવું રાજાએ ચૂકવવું પડે.
ભારતમાં આ રીતે અનેક સંવતો આવી. પણ તેમાંની સર્વસામાન્ય સ્વીકાર્ય વિક્રમ સંવત છે. આ વિશે ઘણી બધી જગ્યાએ મતમતાંતર પ્રવર્તે છે. ઘણી જગ્યાએ ચૈત્ર સુદ એકમથી તો ઘણી જગ્યાએ આજથી એટલે કે કારતક સુદ એકમથી વિક્રમ સંવંતનો પ્રારંભ થાય છે. ઉજ્જૈનનાં મહા પ્રતાપી અને પરદુ:ખભંજન મહારાજા વીર વિક્રમનાં શાસનકાળથી આ વિક્રમ સંવતનો આરંભ થયો છે.
બે હજાર વર્ષ પહેલાં ‘શકો’એ સૌરાષ્ટ્ર અને પંજાબને હરાવી અવંતી પર આક્રમણ કર્યું તથા તેના પર વિજય મેળવ્યો. આથી તે સમયે વિક્રમાદિત્ય રાજાએ રાષ્ટ્રીય શક્તિઓને એકત્રિત કરી ઈ.સ. પૂર્વ ૫૭માં આ ‘શકો’ પર આક્રમણ કર્યું. તેમના પર જીત મેળવી થોડા સમય પછી વિક્રમાદિત્યએ કોંકણ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને સિંધ ભાગને પણ શક પ્રજા પાસેથી જીતી લીધો. આ સમ્રાટ વિક્રમાદિત્યના નામ પરથી જ ભારતમાં વિક્રમ સંવત પ્રચલિત થયેલ છે.
ત્યાર પછી સમ્રાટ પૃથ્વીરાજનાં શાસનકાળ સુધી આ વિક્રમ સંવત પ્રમાણે કાર્ય થતું રહ્યું પણ પછી ભારતમાં મુગલોનું શાસન આવ્યું. તેમના શાસનકાળ દરમિયાન ‘હિજરી સન’ પર કાર્ય થતું રહ્યું. દુ:ખ સાથે કહેવું પડે છે કે સ્વતંત્ર ભારતનાં કેટલાક નેતાઓની અયોગ્ય સલાહને સ્વીકારી ભારત સરકારે ‘શક સંવત’નો સ્વીકાર કર્યો. પરંતુ વિક્રમાદિત્યનાં નામ પર પ્રચલિત વિક્રમ સંવતને કોઈ મહત્ત્વ ન અપાયું.
શાલિવાહન શક સંવતની શરૂઆત (હિંદુ કાળગણનાં પ્રમાણે) ચૈત્ર સુદ એકમથી જ થઈ હતી. વર્ષો પહેલાં જયારે દુષ્ટ શકોએ સંપૂર્ણ ભારતવર્ષમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી ભારતીય સંસ્કૃતિનો એક યા બીજી રીતે ઉચ્છેદ કરવા માંડ્યો ત્યારે એક શાલિવાહન જાગ્યા. એમની સાથે લાખો હિન્દુ યુવકો જાગ્યા, સ્વપરાક્રમથી શકોનો પરાભવ કરી આ હિન્દુ દેશમાં પુન: સ્વરાજ્યની સ્થાપ્ના કરી, દેશને સ્વતંત્ર બનાવ્યો.
માટીનાં ઢેફાં જેવા બનેલાં હિન્દુ સમાજમાં સ્વાભિમાન અને સ્વત્ત્વનો સંચાર કરી, શત્રુનું માથું ભાંગી નાખે એવો પરાક્રમી સમાજ બનાવ્યો. તેથી જ એમ કહેવાય છે કે, શાલિવાહને માટીમાંથી મર્દો સર્જ્યા. ચૈત્ર સુદ એકમને દિવસે સ્વતંત્ર હિંદુ રાજા તરીકે લોકોએ શાલિવાહનનો રાજ્યાભિષેક કરાવ્યો. તે જ દિવસથી સમ્રાટ શાલિવાહનનાં નામથી વર્ષ – ગણના શરૂ કરવામાં આવી તે શાલિવાહન શક સંવત કહેવાય છે. અત્યારે શાલિવાહન શક સંવત ૧૯૪૬ અને ક્રોધી સંવત્સર ચાલી રહ્યું છે.
ભારતમાં પ્રચલિત સંવત્સરોમાં મુખ્યત્વે ત્રણ સંવત્સર સવિશેષ પ્રસિદ્ધ છે. યુધિષ્ઠિર સંવત્સર, વિક્રમ સંવત્સર અને શક સંવત્સર. એક લોકમાન્યતા એવી પણ છે કે ચૈત્ર સુદ એકમનાં દિવસે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ સમયે, ધર્મરાજ યુધિષ્ઠિરનાં શાસનનાં અંત ભાગે, ચાર યુગોનાં ચક્ર પરિવર્તનનાં અનુસંધાને યુગાબ્દ કલિયુગનાં આરંભથી યુધિષ્ઠિર સંવત્સરનો પ્રારંભ ગણાય છે. કદાચ જ કોઈ જાણતું હશે પણ શાસ્ત્રોમાં કુલ ૬૦ સંવત્સરનો ઉલ્લેખ છે.
આજથી નવા શરૂ થઈ રહેલા આ સંવત્સરનું નામ ‘નળ’ છે. સંવત્સર એટલે જ્યારથી વર્ષની શુભ શરુઆત થાય એને સંવત્સર કહેવાય. સંવત્સરનું નામ એટલું મહત્ત્વપૂર્ણ છે કે પ્રત્યેક ધાર્મિક કાર્યમાં લેવાતાં સંકલ્પમાં સંવત્સરનું નામ અવશ્ય લેવામાં આવે છે. આની પાછળનું એક કારણ એવું પણ માનવામાં આવે છે કે લેવામાં આવતાં સંકલ્પનો સંબંધ દિવસ – મુહૂર્ત – સમય – સ્થાન – વ્યક્તિ વગેરે સાથે હોય છે, આવું કરવાથી વ્યક્તિની અંદર સંકલ્પ અને તેને પૂરો કરવા પ્રત્યે જાગૃતિ આવે છે. આ સંવત્સરની પાછળ પણ ખગોળશાસ્ત્ર જ છે તો થોડું એના વિશે પણ સમજીયે.
બાર્હસ્પત્ય સંવત્સર ચક્ર – બાર વર્ષનું અને સાઠ વર્ષનું હોય છે. બૃહસ્પતિ ગ્રહ પોતાનું પરિક્રમણ ૧૨ સૌર વર્ષે પૂરું કરે છે. એમાં એ દર રાશિમાં લગભગ એક વર્ષ રહે છે. આ પરથી ૧૨ બાર્હસ્પત્ય સંવત્સરોનું ચક્ર પ્રચલિત થયું. ૧૨ સૌર વર્ષ દરમિયાન બૃહસ્પતિ ૧૧ વાર ઉદય પામે છે, તેથી ૧૨ સૌર વર્ષમાં એક બાર્હસ્પત્ય સંવત્સરનો ક્ષય થાય છે. આ સંવત્સર ચક્ર પાંચમી–સાતમી સદી દરમિયાન પ્રચલિત હતું, એ પછી એ સામાન્ય વ્યવહારમાંથી લુપ્ત થઈ ગયું. હવે તો કેવળ પંચાંગોમાં વર્ષનું નામ બતાવવામાં જ એ પ્રચલિત રહ્યું છે. હજી પણ ભારતીય પંચાંગોમાં વિક્રમ તથા શક સંવતનાં વર્ષ સાથે બાર્હસ્પત્ય સંવત્સરનું નામ અપાય છે. (આ માહિતી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાંથી સાભાર)
સંવત્સરનાં પહેલા ભાગને બ્રહ્માજી સાથે જોડવામાં આવે છે જેને બ્રહ્મવિનશતી કહે છે. બીજા ભાગને વિષ્ણુવિનશતી અને ત્રીજા ભાગને શિવવિનશતી કહેવાય છે. એટલે આ ત્રણ ભાગો આ રીતે વહેંચાયેલા છે.
૧ થી ૨૦ સંવત્સર “બ્રહ્યા”ની વિશી
૨૧ થી ૪૦ સંવત્સર” વિષ્ણુ”ની વિશી
૪૧ થી ૬૦ સંવત્સર “રુદ્ર”ની વિશી
આ સંવત્સર કેવી રીતે ગણવામાં આવે છે એ જરા અટપટો પણ મજા પડે તેવો વિષય છે. ખગોળશાસ્ત્રીઓ પાસે એમનું પોતાનું ગણિત છે આ નક્કી કરવા માટે. શક સંવત્સર સિવાય વિક્રમ સંવત્સરની પણ અલગ ગણતરી હોય છે આજથી વિક્રમ સંવત ૨૦૮૧ અને નળ સંવત્સર શરુ થયું કહેવાય. (જેને ક્રમવાર ૬૦ સંવત્સરનાં નામ ખ્યાલ હશે એમને વધુ ખ્યાલ આવશે).
વિશ્વનાં ખગોળ વૈજ્ઞાનિકો જેને સચોટ ગણનાં માને છે તે હિન્દુ કાલગણનાનું ભારતમાં જ કોઈ મહત્ત્વ નથી. હિન્દુઓની તિથિ, નવું વર્ષ, વિક્રમ સંવત સચોટ અને ભૂલ વગરનું છે છતાં ભારતમાં બધે જ સ્વીકાર્ય નથી. અહીં કારતકથી આસો અથવા ચૈત્રથી ફાગણ નહિ પણ જાન્યુઆરીથી ડિસેમ્બર ચાલે છે. નવા વર્ષની ઉજવણી સૃષ્ટિનાં જન્મદિવસ એવા ચૈત્ર સુદ એકમનાં દિવસે કે કારતક સુદ એકમનાં દિવસે નહિ પણ પહેલી જાન્યુઆરીનાં દિવસે થાય છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી… વાળું ગ્રેગોરિયન કેલેન્ડર પણ સમયની દ્રષ્ટિએ એટલું સચોટ નથી જેટલું હિન્દુ કેલેન્ડર વિક્રમ સંવતનું છે.
વિશ્વનું ગણિત કહે છે કે સૃષ્ટિનો જન્મ થયાને આશરે ૫૦૦૦ વર્ષ થયાં છે જ્યારે હિન્દુશાસ્ત્રો કહે છે કે સૃષ્ટિનો જન્મ થયાને આશરે ૨ અબજ વર્ષ વીતી ચૂક્યાં છે. મહત્ત્વની વાત એ છે કે આજે વિશ્વનાં વૈજ્ઞાનિકો આ તથ્યને માનવા લાગ્યા છે કે હિન્દુગણનાં યોગ્ય અને સચોટ છે. પણ દુ:ખની વાત એ છે કે આપણે ‘પશ્ચિમી ગણનાં’ને આજે પણ વધુ મહત્ત્વ આપી રહ્યા છીએ. તેનું ઉદાહરણ પણ આપણી સામે જ છે. હિન્દુઓનું નવું વર્ષ પણ આપણે માત્ર ૩૧ ડિસેમ્બરની મધરાતે જ ઊજવીએ છીએ ! ચૈત્ર સુદ એકમ કે કારતક સુદ એકમને નવું વર્ષ ગણતાં નથી. હકીકત તો એ છે કે આપણે આપણી કાલગણનાને અવગણી છે. તેનો ઈતિહાસ, હકીકત, એની સાર્થકતાં આપણે આપણી યુવાપેઢીને ક્યાંય શીખવ્યો જ નથી.
આપણી કાલગણનાં આકાશ સાથે સરળતાથી સંકળાયેલી છે. વિજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સચોટ છે. એટલે તો આપણી ગણનાં અન્યો કરતા હંમેશાં સાચી ઠરી છે અને સાચી ઠરતી રહેશે. આ તો માત્ર એક જ વિજ્ઞાનની વાત છે. બાકી અમેરિકાથી લઈ બ્રિટન સુધી બધા જ વિજ્ઞાનીઓએ ભારતીય કાલગણનાંની સચોટતા પારખી તેમને સ્વીકારી લીધી છે. બ્રહ્માંડની ગણતરી કરવી હોય તો હિન્દુ કાલગણનાં જ શીખવી પડે. કદાચ એટલે જ નાસાએ પણ ભારતીય મૂળ ભાષા સંસ્કૃતને ફરજિયાત બનાવી છે.
ભારતમાં વિક્રમ સંવત નહિ પણ ઈ.સ. સંવત વધુ પ્રચલિત છે. આ માટે પહેલાં જવાબદાર છે અંગ્રેજો. અંગ્રેજોએ ૧૭૫૨માં ઈ.સ. સંવત શરૂ કર્યું. અંગ્રેજોનું તે વખતે વિશ્વવ્યાપી પ્રભુત્વ હતું જેના કારણે અનેક દેશોમાં ઈ.સ. સંવત અપનાવાઈ પણ ભારત આઝાદ થયા પછી અહીં શું થયું ? આ માટે દેશમાં ચર્ચા પણ થઈ. ઈ.સ.૧૯૫૨માં આપણા દેશમાં વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક પરિષદ દ્વારા આ માટે ‘પંચાંગ સુધાર’ સમિતિની સ્થાપના થઈ.
આ સમિતિએ ૧૯૫૫માં એક રીપોર્ટ દ્વારા ‘વિક્રમ સંવત’નો સ્વીકાર કરવાની ભલામણ કરી. પરંતુ એ વખતના તત્કાલીન વડાપ્રધાનએ ગ્રેગોરિયન કેલેન્ડરને સરકારી કામકાજ માટે યોગ્ય માન્યું અને ૨૨ માર્ચ, ૧૯૫૭નાં રોજ એને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે સ્વીકાર કર્યું. આ ભૂલ ભરેલી ગણના આપણે રાષ્ટ્રીય સ્તર પર સ્વીકારી. શું આજે વિક્રમ સંવતને રાષ્ટ્રીય સ્તર પર સ્વીકારવાની જરૂર નથી ? તે આપણી મહામૂલી વિરાસત છે. આપણે ક્યારે આપણી વિરાસત તરફ પાછા ફરીશું ?
આજે આપણે જાન્યુઆરીથી ડિસેમ્બરને વર્ષ ગણી ૩૧ ડિસેમ્બરે નવાં વર્ષની મધરાતે ઉજવણી કરીએ છીએ પણ ખરા અર્થમાં તો આપણે આજે કારતક સુદ એકમે કે પછી ચૈત્ર સુદ એકમે નવાં વર્ષની ઉજવણી કરવાની જરૂર છે. આશા રાખું કે એક દિવસ સમગ્ર ભારત આપણા નવાં વર્ષની પરંપરાને માન આપે..!!
આપ સહુને મારાં તરફથી નૂતન વર્ષનાં અભિનંદન સહ શુભેચ્છાઓ..!!– વૈભવી જોશી
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો