International dance day

International Dance Day: નૃત્ય એટલે પોતાની લાગણી, સંસ્કૃતિ, ભક્તિ અને કલાને અભિવ્યક્ત કરવાનું ઉત્તમ માધ્યમ!

International Dance Day: ભારતમાં નૃત્યનાં પ્રકારોમાં કુચીપુડી, ગરબા, ભરતનાટયમ, કથ્થક, ઓડીસી, કથ્થકકલી અને મણીપુરી જેવા વિવિધ નૃત્યનાં પ્રકારો છે.

International Dance Day: નૃત્ય એ એક એવું માધ્યમ છે જેનાં દ્વારા લોકો પોતાની લાગણીઓને પરાપૂર્વથી અભિવ્યક્ત કરતાં આવ્યાં છે. નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ભારત જેવાં સાંસ્કૃતિક વિરાસત ધરાવતાં દેશમાં લોકનૃત્ય અને શાસ્ત્રીય નૃત્ય જેવી મજબૂત પરંપરા વર્ષોથી વિકાસ પામતી આવી છે. વિવિધ કલાઓમાં નૃત્યકલા પણ આપણાં દેશમાં વર્ષોથી પ્રચલિત છે. પ્રાચીન કાળથી રાજદરબારમાં નર્તન કલાને વિશેષ દરજજો આપવામાં આવ્યો છે.

“જીન જર્યોજ નોવર” જેનો સમયગાળો ૧૭૨૭થી ૧૮૧૦ સુધીનો હતો. તે આધુનિક બેલે નૃત્યનાં પ્રણેતા કહેવાય છે. આજનાં દિવસને આ દિગ્ગજ ફ્રેંચ બેલે ડાન્સર ‘જીન જ્યોર્જીયસ નોવેર’નાં જન્મનાં સ્મરણાર્થે ‘આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની રજૂઆતનું કારણ લોકોને તેની વિશેષતા જણાવવાનું હતું. કારણ કે ઘણાં લોકોને નૃત્ય કરવામાં રસ ન હતો. જીન જ્યોર્જ ઇચ્છતાં હતાં કે બાળકોનાં શિક્ષણમાં નૃત્યને એક આવશ્યક ભાગ તરીકે સમાવવામાં આવે.

‘આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ’, આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ તથા ‘અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન’ દ્વારા યુનેસ્કોનાં સહયોગમાં, ૨૯ એપ્રિલનાં રોજ દરેક પ્રકારનાં નૃત્યો માટે મનાવવામાં આવે છે. આ ઉજવણી ૧૯૮૨થી, યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે. આ દિવસની ઉજવણી પાછળ મુળરૂપથી દુનિયાભરમાં થતાં વિવિધ આયોજન, કાર્યક્રમો અને તહેવારનાં માધ્યમથી નૃત્યની ભાગીદારી અને તેની શિક્ષાને પ્રોત્સાહિત કરવાનો હેતુ છે.

International Dance Day, Vaibhavi Joshi

૧૯૮૨માં આઈ.ટી.આઈ.ની નૃત્ય કમિટી દ્વારા ૨૯મી એપ્રિલે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી કરવાનું નકકી કરાયું. આ ઉજવણી પાછળનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યનાં મહત્વ પ્રત્યે જાગરુકતાં ઉત્પન્ન કરવાનો તથા વિશ્વભરની સરકારોને, નૃત્યનું શિક્ષણ આપતી સંસ્થાઓ માટે સવલતો ઉભી કરવા માટે મનાવવાનો પણ છે.

વૈશ્ર્વિક આઈ.ટી.આઈ. સંસ્થા દર વર્ષે શ્રેષ્ઠ કોરિયોગ્રાફર કે ડાન્સરનો એક સંદેશ દુનિયાભરમાં પ્રસારિત કરે છે. આની પસંદગી નિયત કમિટી કરે છે. આ નૃત્ય સંદેશને વિશ્ર્વની કેટલીય ભાષામાં અનુવાદ કરીને વૈશ્ર્વિક સ્તરે પ્રસારિત કરાય છે. પેરીસમાં પણ આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન કાર્યરત છે. વૈશ્ર્વિક ન્યુઝલેટર દ્વારા વિવિધ કલા પ્રદર્શન અને તે પરત્વેનાં વિવિધ આયોજનો, પ્રોજેકટ, પરિયોજનાની માહિતી તેનાં સભ્ય દેશોને અપાય છે.

વૈશ્ર્વિક સ્તરે વિવિધ કાર્યક્રમો જેવા કે ઓપન, ડોર, કોર્સ, પ્રદર્શની, લેખ, સ્ટ્રીટ શો વગેરે જેવાનું આયોજન થાય છે. આપણે ત્યાં ઉત્સવો સાથે નૃત્ય કલાને વર્ષોથી જોડેલ છે. સામાન્યજન સુધી પણ જનજાગૃતિનાં ભાગરૂપે આપણી પ્રાચીન ધરોહર નૃત્ય કલાને વેગ મળે એ આશયથી પણ વિવિધ સંસ્થાનો કાર્યરત થઈને સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ આયોજન કરે છે.

પ્રાચીન કાળથી જ ભારતમાં નૃત્યનું પ્રભુત્વ રહ્યું છે. હિંદુ શાસ્ત્રો અનુસાર બ્રહ્માએ ભરત મુનીને નાટ્યશાસ્ત્ર લખવા માટે પ્રેરિત કર્યા હતા. જેમાં નૃત્ય અને અભિનયને લગતા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો. ઋગ્વેદમાંથી પથ્ય અર્થાત શબ્દ, યજુર્વેદમાંથી અભિનય, સામવેદમાંથી ગીત અને અથર્વવેદમાંથી રસ ને લઇને આ બધાનાં સંગમથી ગ્રંથ લખાયો જે નાટ્યવેદનાં નામે ઓળખાયો.

International Dance Day: હિન્દુઓનાં દેવતા શિવ ભગવાનને નૃત્યનાં દેવતા તરીકે પૂજવામાં આવે છે. શિવનું આક્રોશ ભર્યું તાંડવ, શ્રીકૃષ્ણની ગોપીઓ સાથે રમાતી રાસલીલા અને કાળી માતાનું ઉગ્ર અને પ્રકોપી નૃત્યનું પ્રાચીનકાળમાં પ્રધાનતત્વ હતું. આમ દેવી દેવતાઓના સમયથી જ નૃત્ય એ ભારતીય સંસ્કૃતિમાં એક મહત્વનો ભાગ હતું. દેવતાઓનાં સમયથી જ થયેલા નૃત્યનાં ઉદયે ટૂંક સમયમાં જ ભારતીય સંસ્કૃતિમાં વિવિધ પ્રકારનાં નૃત્યોને આવરી લીધાં.

International Dance Day

વિવિધ રાજયોનાં પારંપરીક નૃત્ય એ આપણી સંસ્કૃતિ છે. ભારતમાં નૃત્યનાં પ્રકારોમાં કુચીપુડી, ગરબા, ભરતનાટયમ, કથ્થક, ઓડીસી, કથ્થકકલી અને મણીપુરી જેવા વિવિધ નૃત્યનાં પ્રકારો છે. આ બધાને ઈન્ડિયન કલાસિકલ ડાન્સ કે પારંપારિક નૃત્ય કહેવામાં આવે છે. નૃત્ય અને ડાન્સ શબ્દોમાં કોઈને ભલે ફેર ન દેખાય પણ ભારતીય નૃત્ય કલાનાં વિવિધ પ્રકારો અને પાર્ટીમાં કરાતા ડાન્સ અવશ્ય જુદા પડે છે.

ભારતમાં નૃત્યનાં વિવિધ આર્ટ સ્વરૂપોમાં મહત્વનાં ૧૦ પ્રકારો પ્રચલિત છે. તેથી આપણે કહી શકીએ કે સામાન્ય લોકોમાં નૃત્યનાં મહત્વ વિશે જાગૃતી લાવવા પણ આ દિવસે નૃત્યનાં યોગ્ય સ્થાન પ્રદાન કરવાં વિશ્ર્વભરની સરકારો કાર્યરત છે. તો ચાલો આજે થોડાં મહત્વનાં નૃત્યનાં પ્રકારો વિશે જાણીયે.

તાંડવ નૃત્ય:- શિવતાંડવ નૃત્ય સ્વરૂપમાં પૌરાણિક કલા છે જે ભગવાન શિવ સાથે સંબંધિત છે. તાંડવ અથવા તાંડવ નૃત્ય શંકર ભગવાન દ્વારા કરવામાં આવેલ અલૌકિક નૃત્ય છે. એવું માનવામાં આવે છે કે આ નૃત્યમાં ઈશ્વરની શક્તિઓ ત્રાહિમામ મચાવે છે. આ નૃત્ય શિવ, કાલી જેવા દેવીદેવતાઓ કરે છે. શિવજીની ત્રીજી આંખ ખુલવાથી હાહાકાર મચી જાય છે.

ઓડિસી નૃત્ય:- આ નૃત્યની શુદ્ધ શાસ્ત્રીય શૈલી છે. મોહક મુદ્રાઓથી સમૃદ્ધ છે. આ નૃત્યમાં ભાવવાહી સાથે વાર્તાતત્વ હોય છે. ઓડિશાનાં મંદિરોમાં થતી પ્રાચીનકલા છે. ઓડિસી એ પૂર્વ ભારતનાં રાજ્ય ઓડિશાનું નૃત્ય છે. આ નૃત્યમાં જે મહત્વનો ભાગ ભજવે છે એ છે ત્રિભંગી, અર્થાત ત્રણ ભંગ, શરીરનાં ત્રણ ભાગ- મસ્તક, ધડ અને કમરથી નીચેના ભાગને અદભૂત રીતે ભાગ પાડીને સુંદર નૃત્ય પ્રદર્શિત કરવામાં આવે છે.

ભરતનાટયમ:- તે સૌથી પ્રાચીન શાસ્ત્રીય પરફોર્મિંગ કલા છે. જે સમગ્ર વિશ્ર્વમાં પ્રચલિત છે. આ નૃત્યનાં સ્વરૂપનું મુળ તમિલનાડુથી છે. ભારતનાટ્યમ સાથે મોટે ભાગે શાસ્ત્રીય સંગીત સંલગ્ન હોય છે. આ નૃત્યને તેની પ્રેરણા પ્રાચીન ચિદંબરમનાં મંદિરનાં શિલ્પો પરથી મળે છે. ભરતનાટ્યમ એ શબ્દ ભાવ, રાગ, તાલ અને નાટ્ય (શાસ્ત્રીય સંગીત નાટિકા) પરથી ઉતરી આવ્યો છે. આજે, તે સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ પ્રસ્તુત થતી નૃત્ય શૈલી છે.

ગરબાઃ- ગરબા મુખ્યત્વે ગુજરાત, ભારતનો ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે.

કુચીપુડી નૃત્ય:– મૂળ આંધ્રપ્રદેશની શાસ્ત્રીય નૃત્યકલા છે. તે સમગ્ર દક્ષિણ ભારતમાં પ્રચલિત છે. આ સિવાય આંધ્ર પ્રદેશમાં આવેલ કૃષ્ણા જિલ્લામાં કૂચીપૂડિ નામે એક ગામ પણ છે, ત્યાંના બ્રાહ્મણો દ્વારા આ કળા વિકસીત થઈ આથી આ કળા કૂચીપૂડિ નૃત્ય કહેવાઈ.

કથ્થક નૃત્ય:- ભારતનાં અત્યાર સુધીનાં સૌથી આકર્ષક શાસ્ત્રીય નૃત્યમાંની એક કલા છે. આની ઉત્પત્તિ બનારસ, લખનઉ, જયપુર જેવાં વિવિધ સ્થળોએ જોવાં મળે છે. કથક શબ્દ સંસ્કૃતનાં કથા શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે વાર્તા અને કથકનો અર્થ થાય છે વાર્તા કહેનાર કે કરનાર કે વાર્તાને સંબંધિત. કથા કહે સો કથક એવી કહેવત ઘણા શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને કહે છે, પણ તેનો અર્થ એમ પણ થાય છે, ‘જેમાં કથા કહેવાય છે, તે છે કથક’.

ચૌ અથવા છૌ નૃત્ય:- છૌ એ અર્ધ શાસ્ત્રીય ભારતીય નૃત્ય છે જે યુદ્ધ, આદિજાતિ તેમજ લોક પરંપરાઓમાંથી ઉદ્ભવે છે અને મુખ્યત્વે સૂર્ય મહોત્સવ દરમ્યાન કરવામાં આવે છે. મહાકાવ્યોની સાથે સાથે પુરાણોની વાર્તાઓ પણ આ નૃત્યનાં સ્વરૂપમાં અભિવ્યક્તિ મેળવે છે જે પરંપરાગત લોકસંગીત પર લયબદ્ધ નૃત્ય કરતી વખતે કલાકારો માસ્ક જુએ છે. ચૌ નૃત્ય અર્થઘટન મૂળ બંગાળ, પણ યુનેસ્કોની વિશ્વ વારસાની નૃત્યની સૂચિમાં ભારતનાં પરંપરાગત નૃત્ય સ્વરૂપ તરીકેનાં મહત્વને આગળ વધારતાં નૃત્યની સૂચીમાં શામેલ છે.

મોહિનીઅટ્ટમ કે મોહિનીયટ્ટમ:- એ કેરળમાં વિકસીત એક પારંપારિક દક્ષિણ ભારતીય નૃત્ય છે. આ નૃત્ય ખૂબ લાલિત્યપૂર્ણ નૃત્ય છે અને તેને સ્ત્રીઓ દ્વાર જ એકલ નૃત્ય તરીકે પ્રસ્તુત કરાય છે. મોહિની યટ્ટમ આ નામ કદાચ ભગવાન વિષ્ણુનાં મોહિની રૂપ પાછળ પડ્યું હોઇ શકે, નૃત્યની મુખ્ય સંકલ્પના પ્રભુની પ્રેમ અને ભક્તિ છે.

કથકલી નૃત્ય:- કથકલી એ એક અત્યંત લાલિત્ય પૂર્ણ ભારતીય શાસ્ત્રીય નૃત્યનો પ્રકાર છે. આ નૃત્ય તેના નર્તકોનાં આકર્ષક શૃંગાર, વિસ્તૃત વેશભૂષા, સૂક્ષ્મ હાવભાવ અને સંગીત સાથે તાલ મેલ મેળવતી ખાસ વ્યાખ્યાયિત શારીરિક મુદ્રાઓ માટે પ્રસિદ્ધ છે. આ નૃત્યની શરુઆત ૧૭મી સદી દરમિયાન આજના કેરળ ક્ષેત્રમાં થયો અને તે પછીનાં કાળમાં નવા દેખાવ, વધુ સૂક્ષ્મ હાવભાવ અને નૂતન વિષયો, નવા સંગીત અને વધુ ચોક્કસ તાલ આદિ સાથે વિકસતો રહ્યો.

મણિપુરી નૃત્ય (જાગોઈ):- નામ ઉપરથી ખ્યાલ આવે કે તે મણિપુર રાજયનાં ઉતર-પૂર્વ ભાગમાંથી શરૂ થયેલ છે. તે એક જીવંત શાસ્ત્રીય નૃત્ય છે જે ભારતીય દેવી-દેવતાઓની શુદ્ધ ભારતીય પૌરાણિક કથાઓની આસપાસ ફરે છે. મણિપુર રાજ્ય તેના નામના નૃત્ય પર ગર્વ લે છે અને તેને જાગોઇ પણ કહેવામાં આવે છે. નાજુક, શબ્દશ: અને લાવણ્ય સભર ચાલ એ પારંપારિક મણિપુરી નૃત્યનાં લક્ષણો છે. આ નૃત્ય રાધા અને કૃષ્ણની રાસલીલાની આસપાસ ગૂંથાયેલા હોય છે. આ નૃત્ય મંજિરા કે કરતાલ અને પંગ કે મણિપુરી મૃદંગ શાંકિર્તનના સંગીત સાથે કરવામાં આવે છે.

પ્રાચીનકાળથી ચાલતી આવતી પૌરાણિક વાર્તાઓ, કથાઓ અને ઘટનાઓને નર્તકો અદભુત રીતે પ્રદર્શિત કરે છે. આ દરેક નૃત્ય પ્રકાર હાલની સદીમાં પણ જીવંત છે. શાસ્ત્રીય નૃત્યનો ભવ્ય વારસો આજે પણ ક્ષેમ કુશળ જળવાઈ રહ્યો છે. આજની યુવા પેઢીમાં પણ આ શાસ્ત્રીય નૃત્ય પ્રત્યે રુચિ છે અને શીખવાની ધગશ પણ છે. અતિશય મેહનત અને લગન માંગી લેતા આ નૃત્યોને આજે પણ પુરજોશથી દર્શાવામાં આવે છે.

આ ભારતીય સંસ્કૃતિનું ગર્વ છે કે આવા કઠીન નૃત્ય પ્રકાર આજે પણ કાળજી પૂર્વક અને એ જ ઠાઠ અને અર્થ સાથે સચવાઈ રહ્યા છે. તેના માટે કદાચ કોઈ પુરાવાની પણ જરૂર નથી. ભારતભરમાં યોજાતા વિવિધ કાર્યક્રમમાં ભગવાનની અર્ચના કરવા માટે, અને યુવા મહોત્સવમાં વિવિધ શાસ્ત્રીય નૃત્યનાં વિભાગો રાખીને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર ભારતમાં તો શાસ્ત્રીય નૃત્યનો વૈભવ છે જ પરંતુ વધારે ચોક્કસપણે દક્ષિણ ભારતમાં આ વારસો સલામત છે.

ખાસ કરીને ભારત પોતાના વારસાને પ્રદર્શિત કરવામાં કદીયે પાછળ પડતું નથી. ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ ભારતની રાજધાની દિલ્હી ખાતે યોજાતી વિશાળ રેલીમાં દરેક રાજ્ય પોતાના પારંપરિક શાસ્ત્રીય નૃત્યને પ્રદર્શિત કરે છે જેથી સમગ્ર ભારત અને ભારતમાં આવેલા વિદેશી મેહમાનોને આપણા સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાની જાણકારી થાય. મને એ કેહવામાં ગર્વ છે કે આપણે ભારતીયો વૈભવી વારસાનાં વારસદાર છીએ.

આજનાં દિવસે સૌ કલાપ્રેમીઓને અને નૃત્યપ્રેમીઓને મારાં તરફથી ‘આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ’ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!- વૈભવી જોશી

વાંચવા જેવું....Special coincidence of Lord shiva: આજે માસિક શિવરાત્રિ અને 30 એપ્રિલે શનિશ્ચરી અમાસના દિવસે કરો શિવપૂજા, તમારી પરેશાનીઓ થશે દૂર

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *