Jhalmuri: ભારત પર્વ-2026માં બંગાળની ઝાલમૂરીનો ચટાકેદાર સ્વાદ છવાયો
Jhalmuri: એકતા નગરના ફૂડ કોર્ટમાં પશ્ચિમ બંગાળની પરંપરાગત વાનગીએ જમાવી રંગત, પ્રવાસીઓ માણી રહ્યા છે ભારતની વિવિધ વાનગીઓનો સ્વાદ.
- Jhalmuri: બંગાળના પરંપરાગત સ્વાદે એકતા નગરમાં ફૂડકોર્ટમાં જમાવી રંગત, પ્રવાસીઓ માણી રહ્યા છે ભારતની ખાણીપીણીના વૈવિધ્યનો સ્વાદ
- પશ્ચિમ બંગાળના શેફ સૌમિન સરકાર પોતાના હાથે બનાવી રહ્યા છે સ્વાદિષ્ટ ઝાલમૂરી, સ્વાદની સાથે સ્વાસ્થ્યનો પણ સંગમ
- ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને દેશના વિવિધ રાજ્યોની વાનગીઓના સ્વાદ સાથે જોડી રહ્યું છે ભારત પર્વ
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોઅમદાવાદ, 06 નવેમ્બર: Jhalmuri: ભારતની ઓળખ માત્ર તેની વિવિધ ભાષાઓ, પહેરવેશ, પરંપરાઓ અને સંસ્કૃતિમાં જ નથી, પરંતુ દેશના દરેક પ્રદેશના આગવા સ્વાદ અને ખાણીપીણીની પરંપરામાં પણ વસેલી છે. ગુજરાતના ઢોકળા, ખમણ અને ફાફડા હોય કે પંજાબના છોલે-ભટૂરે, રાજસ્થાનની દાલ-બાટી હોય કે પશ્ચિમ બંગાળની મીઠાઈઓ અને ચટાકેદાર વાનગીઓ..! ભારતના દરેક પ્રદેશની રસોઈમાં તેની સંસ્કૃતિ અને લોકજીવનની આગવી ઓળખ જોવા મળે છે. આવી જ સ્વાદ અને સંસ્કૃતિની અનોખી સફર એકતાનગર ખાતે યોજાઈ રહેલા ‘ભારત પર્વ-૨૦૨૬’ના ફૂડકોર્ટમાં પ્રવાસીઓને માણવા મળી રહી છે.
‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને સાકાર કરતી એકતા નગરની ભૂમિ પર ‘શક્તિ ઓફ ભારત’ની થીમ આધારિત ભારત પર્વ દેશનાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસત, હસ્તકલા, હેન્ડલૂમ અને પ્રવાસન સાથે હવે સ્વાદપ્રેમીઓ માટે પણ વિશેષ આકર્ષણ બની રહ્યું છે. અહીંના ફૂડકોર્ટમાં દેશના અલગ-અલગ રાજ્યોની પરંપરાગત વાનગીઓની સુગંધ અને સ્વાદ પ્રવાસીઓને જાણે ભારતભ્રમણ કરાવી રહ્યા છે.
આ પણ વાંચો:- Ginger: અનેક આરોગ્યલક્ષી સમસ્યાઓ સામે રક્ષણમાં ઉપયોગી આદુ
આ જ ફૂડકોર્ટમાં પશ્ચિમ બંગાળની જાણીતી અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ વાનગી ‘ઝાલમૂરી’ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવી રહી છે. બંગાળની ગલીઓમાં મળતી આ ચટાકેદાર વાનગીનો સ્વાદ હવે ગુજરાતની ધરતી પર એકતા નગરમાં માણવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે, પશ્ચિમ બંગાળના શેફ સૌમિન સરકાર પોતાના હાથે પ્રવાસીઓ માટે તાજી ઝાલમૂરી તૈયાર કરી રહ્યા છે. મમરા, વિવિધ મસાલા, શાકભાજી અને સ્વાદવર્ધક સામગ્રીના મિશ્રણથી તૈયાર થતી આ વાનગીનો ચટપટો સ્વાદ પ્રવાસીઓને દાઢે વળગી રહ્યો છે.

ઝાલમૂરી વિશે વાત કરતાં શેફ સૌમિન સરકાર જણાવે છે કે, “ઝાલમૂરી પશ્ચિમ બંગાળની ખૂબ જાણીતી અને લોકપ્રિય વાનગી છે. બંગાળમાં લોકો રોજિંદા નાસ્તા તરીકે પણ તેનો આનંદ માણે છે. આ વાનગી સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક સામગ્રીથી તૈયાર કરવામાં આવે છે. તેમાં વપરાતી ખાદ્ય સામગ્રીમાંથી શરીરને પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ જેવા પોષક તત્ત્વો મળી રહે છે. સ્વાસ્થ્યપ્રદ ખાદ્ય ચીજોના ઉપયોગથી તૈયાર થતી ઝાલમૂરી દરેક વયના લોકો માટે એક અલગ જ સ્વાદનો અનુભવ કરાવે છે.”
ગુજરાતના પ્રવાસીઓ અને દેશના વિવિધ ખૂણેથી આવતા સહેલાણીઓને બંગાળનો આ પરંપરાગત સ્વાદ પીરસવાનો આનંદ વ્યક્ત કરતાં તેઓ વધુમાં જણાવે છે કે, “સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા તમામ પ્રવાસીઓને હું ભારત પર્વની અવશ્ય મુલાકાત લેવા અને અહીંના ફૂડકોર્ટમાં વિવિધ રાજ્યોની વાનગીઓનો સ્વાદ માણવા અપીલ કરું છું. અહીં આવનાર દરેક વ્યક્તિને દેશના અલગ-અલગ પ્રદેશોના સ્વાદનો પરિચય મળશે.”
ભારત જેવા વિશાળ દેશમાં ખાણીપીણીની પરંપરા પણ સાંસ્કૃતિક એકતાનું એક અનોખું માધ્યમ છે. ગુજરાતીઓ માટે ખાવું એટલે માત્ર પેટ ભરવું એવું નથી, પરંતુ સ્વાદ, મહેમાનગતિ અને લાગણીઓ સાથે જોડાયેલી જીવનશૈલી છે. એ જ રીતે બંગાળીઓ માટે તેમની ઝાલમૂરી માત્ર નાસ્તો નથી, પરંતુ રોજિંદા જીવન, સ્થાનિક સંસ્કૃતિ અને બાળપણની યાદો સાથે જોડાયેલો સ્વાદ છે. જ્યારે બંગાળનો આ સ્વાદ ગુજરાતના પ્રવાસીઓ માણે છે, ત્યારે બે રાજ્યોની સંસ્કૃતિ વચ્ચે સ્વાદના માધ્યમથી એક લાગણીસભર સેતુ રચાય છે.
આમ, ભારત પર્વ ભારતની ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને સ્વાદ દ્વારા જીવંત કરતું એક અનોખું મંચ છે. એક તરફ બંગાળની ઝાલમૂરીનો ચટાકો છે, તો બીજી તરફ પ્રવાસીઓની સ્વાદપ્રિયતા… અને આ બંનેને જોડતી એકતા નગરની ભૂમિ છે. સાચા અર્થમાં, ભારત પર્વમાં દરેક રાજ્યની સંસ્કૃતિની સાથે તેની રસોઈનો સ્વાદ પણ એક જ સંદેશો આપી રહ્યો છે કે, રાજ્યો ભલે અલગ હોય, પરંતુ ભારતનો સ્વાદ અને સંસ્કૃતિ સૌને એક તાંતણે બાંધે છે.
