Diwali image 600x337 1

Diwali festival: દિવાળી: ખુશીઓથી ઝગમગતો સૌનો પ્રિય ઉત્સવ

Diwali festival: દીપોની હારમાળા એટલે દિપાવલી: દિવાળી માત્ર એક પર્વ માત્ર નથી, પરંતુ અનેક તહેવારોનું સ્નેહ મિલન છે.

  • દિપાવલી પર્વ પુરાતનકાળથી જ ‘સ્વચ્છ ભારત અભિયાન’નું શ્રેષ્ઠ ઉદાહરણ

અહેવાલઃ મહેન્દ્ર વેકરીયા
સુરત, ૦૪ નવેમ્બર:
Diwali festival: તહેવારોને સંસ્કૃતિ અને સમાજનો પ્રાણ કહી શકાય. જે પ્રકારે દશેરા આરોગ્યરક્ષણનો, વસંતપંચમી વિદ્યાનો, શિવરાત્રી ત્યાગનો, હોળી સફાઈ અને સ્વચ્છતાનો, રામનવમી ન્યાયના રક્ષણનો, ગુરુપૂર્ણિમા શ્રેષ્ઠ પુરુષો અને વડીલોના સન્માનનો, જન્માષ્ટમી ગૌ પાલનનો તહેવાર છે, એ પ્રકારે દિવાળી ખુશીઓની હારમાળા સર્જતુ પર્વ છે જ, સાથે સાથે આ૫ણી આર્થિક-સામાજિક સમસ્યાઓ પર દ્રષ્ટિપાત કરવાનો અને તેને ઉકેલવાનો, આર્થિક વ્યવસ્થાનું મૂલ્યાંકન અને એની પ્રગતિ માટે નવી યોજના બનાવવાનો શુભ અવસર છે.

એટલાં માટે જ આ દિવસે લક્ષ્મી પૂજન અને ચો૫ડા પૂજન કરવામાં આવે છે. અને પાછલાં વર્ષનો હિસાબ કિતાબ ૫તાવીને નવી ખાતાવહી સાથે વેપાર શરૂ કરવામાં આવે છે. આ૫ણી પાસે જે ધન-સં૫તિ છે અથવા આ૫ણે જે કમાઈ છીએ, એનો ક્યાં કાર્યોમાં કેવી રીતે ઉ૫યોગ કરવો જોઈએ? પાછલાં વર્ષે જે આર્થિક મુશ્કેલીઓ વેઠવી ૫ડી એનાં ક્યાં કારણ હતાં અને એને દૂર કરવા માટે આ વર્ષે કેવા પ્રયત્નો કરવા જોઈએ ? એનું સમગ્રતયા અવલોકન કરવાનો અવસર પણ છે. આ દિવસે આવક જાવકનું બજેટ બનાવવું જોઈએ. જે વ્યક્તિ પોતાની આવક જાવકનું ધ્યાન ન રાખે તેને ભવિષ્યમાં નિશ્ચિતપણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ચાલો, હવે દીપાવલીના ઐતિહાસિક મહત્વની પણ એક ઝલક જોઈ લઈએ. દિપ+અવલી સંધિ પરથી દિપાવલી શબ્દ બન્યો છે. દીપ એટલે દિવો અને આવલી એટલે હારમાળા. દીપોની હારમાળા એટલે દિપાવલી. વાઘબારસથી લઈને ભાઈબીજ સુધી તહેવારોની ઉજવણી અવિરત ચાલુ રહે છે. કહેવાય છે કે દિવાળીના દિવસે જ ભગવાન શ્રીરામ પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે ચૌદ વર્ષનો વનવાસ ભોગવી અયોધ્યા પાછા આવ્યા હતા. તેનો આનંદ અયોધ્યાવાસીઓમાં સમાતો નહોતો. આગમનની તૈયારીનાં ભાગરૂપે અમાસની અંધારી રાત્રે ઘીના દિવા પ્રગટાવી પ્રજાએ આવકાર આપ્યો હતો. દીવા સુશોભિત થતા જ જાણે અમાસની રાત પૂનમની જેમ રોશનીથી ઝગમગી ઉઠી હતી.

Diwali festival

લોકોમાં અલગ અલગ કથાઓ-દંતકથાઓ પણ પ્રચલિત છે. એક માન્યતા મુજબ ભગવાન રામ રાવણનો વધ કરી અયોધ્યા આવ્યા હતા જેની ખુશીમાં રામભક્તોએ દિવાળી ઉજવી હતી. કૃષ્ણભક્તિમાં લીન ભક્તો માને છે કે કાળીચૌદશ દિવસે શ્રીકૃષ્ણ ભગવાને નરકાસુરનો વધ કર્યો હતો. આ દાનવનાં ત્રાસમાંથી મુક્તિ મળતાં બીજા દિવસે લોકોએ ઘીના દીવા પ્રગટાવીને દિવાળી મનાવી હતી. વળી કાળીચૌદશના દિવસે જ શ્રીકૃષ્ણ ભગવાને વ્રજવાસીઓને કુદરતી આફતથી બચાવવા માટે પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો, તેથી વ્રજવાસીઓ દિવાળીના દિવસે માટી અને ગાયના છાણનો ગોવર્ધન પર્વત બનાવી તેની પૂજા કરે છે. સાથે સાથે આજના દિવસે તેઓ ગાય, બળદને સારી રીતે શણગારે છે અને તેની પૂજા કરે છે.

આ પણ વાંચો…Petrol and diesel prices fell: પેટ્રોલ અને ડીઝલના ભાવ એક ઝાટકે આટલા બધા ઘટયા. સરકારે લોકોને દિવાળીની ભેટ આપી.

અમુક લોકોનું કહેવું છે કે રાજા બલિએ દેવતાઓ સાથે એક વાર સંઘર્ષમાં ઉતરી દેવતાઓની સાથે લક્ષ્મીજીને ૫ણ કેદ કરી લીધાં હતા, અને વિષ્ણુ ભગવાને વામનરૂ૫ ધારણ કરીને દિવાળીના દિવસે દેવતાઓ સહિત લક્ષ્મીજીને છોડાવ્યાં હતાં. તો એક કથા અનુસાર સમુદ્ર મંથનમાં થી લક્ષ્મી અને ધન્વંતરિ પ્રગટ થયાં હતાં. તેના સંદર્ભે પણ લક્ષ્મીપૂજન કરીને સમૃદ્ધ જીવનની કામના કરવામાં આવે છે. જૈન ધર્મ માટે પણ આ પર્વ એટલા માટે મહત્વપૂર્ણ છે કે ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ દિવાળીના દિવસે જ થયું હતું.

અમૃતસરના સુવર્ણમંદિરનો શિલાન્યાસ પણ દિવાળીના દિવસે જ કરવામાં આવ્યો હતો. તદુપરાંત શીખ ધર્મના છઠ્ઠા ગુરુ હરગોવિંદ સિંહને દિવાળીના દિવસે જ જેલમાંથી મુક્તિ મળી હતી. આ રીતે શીખ ધર્મના ઇતિહાસમાં દિવાળીના દિવસે જ બે મહત્વપૂર્ણ ઘટના બની હોવાથી શીખ લોકો માટે પણ આ પર્વનું અનેરું ધાર્મિક માહાત્મ્ય છે. પંજાબમાં જન્મેલા સ્વામી રામતીર્થનો જન્મ અને મહાપ્રયાણ દિવાળીના દિવસે જ થયું હતું. તેમણે ગંગાતટ પર સ્નાન કરતાં કરતાં ઓમકારના ઉચ્ચારણ સાથે સમાધિ લઈ લીધી હતી.

Whatsapp Join Banner Guj

નેપાળીઓ માટે આ દિવસ એટલા માટે વિશેષ છે કે દિવાળીના દિવસથી નેપાળી સંવતમાં નવું વર્ષ શરૂ થાય છે. દિવાળીના પર્વ સાથે ચોપડા પૂજન કરવાની પણ બહુ જૂની પરંપરા છે. વેપારીઓ આજના દિવસે ચોપડા પૂજન કરી વ્યાપાર માટે નવા ચોપડા ખરીદે છે.માનવી ની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે લોકો માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવી દીવામાં તેલ-ઘી ભરીને નારીઓ વહેલી સવારે અને સાંજે પ્રગટાવી ઘરને રોશનીથી દેદીપ્યમાન કરે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી કામના સાથે લક્ષ્મીજીનું ષોડશોપચારે પૂજન કરવામાં આવે છે. તદુપરાંત ઘરના આંગણામાં રંગબેરંગી કલાપૂર્ણ રંગોળી પૂરવાની પણ બહુ જૂની પ્રથા છે.

આપણા વડાપ્રધાને ‘સ્વચ્છ ભારત અભિયાન’ શરૂ કરી સ્વચ્છતા પ્રત્યે લોકોને જાગૃત બનાવવા પહેલ કરી છે. પરંતુ આપણું દિપાવલી પર્વ પુરાતનકાળથી જ ‘સ્વચ્છ ભારત અભિયાન’નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કારણ કે દિવાળીના આગમના કેટલાય દિવસો ૫હેલાં ચોતરફ ઘર ફળિયા ની સફાઈનું કામ શરૂ થઈ જાય છે. સમગ્ર ઘરને રંગવામાં આવે છે. મરામત કરવામાં આવે છે. આ પ્રકારે વરસાદના ચાર મહિનાની ગંદકી દૂર કરવામાં આવે છે. સ્વચ્છતા અને આરોગ્ય વચ્ચે ગાઢ સંબંધ છે. જયાં ગંદકી હોય છે ત્યાં રોગની ઉત્પત્તિ થાય છે સ્વચ્છતાથી આરોગ્ય સુધરે છે અને મન પ્રસન્ન રહે છે. ઘરે ઘરે પ્રગટાવવામાં આવતા દી૫કનું વૈજ્ઞાનિક મહત્વ ૫ણ છે. દીવડાના પ્રકાશથી હવાની શુદ્ધિ થાય છે.

વરસાદમાં પેદા થતા રોગાણુંઓથી રોગ ફેલાવાની સંભાવના વધી જાય છે તે રોગાણુંઓ નાશ પામે છે. ઘીના દીવામાંથી નીકળતો ઘૂમાડો આરોગ્ય માટે લાભદાયક હોય છે. દિવાળી માત્ર ફટાકડા અને મીઠાઈ પૂરતું સિમીત ન રહેતાં પરિવાર-સ્નેહીઓ વચ્ચે આત્મીયતા, પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બને એવી સૌને હાર્દિક શુભેચ્છા.