Gujarat congress: કેન્દ્ર અને રાજ્યના સરકારી નાણાંથી ઊભી થતી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ સરકારી ફી ના ધોરણે આપવાની માંગ કરતા ડો.મનીષ દોશી
Gujarat congress: મનીષ દોશી એ જણાવ્યુ કે, સરકારી નાણાંથી નવસારી, પોરબંદર, રાજપીપળા ખાતે સ્થપાનાર નવી મેડીકલ કોલેજોને સરકારી રાહેજ સરકારી ફીમાં જ સ્થપાય તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે
ગાંધીનગર, 13 ઓક્ટોબરઃGujarat congress: કેન્દ્ર અને રાજ્યના સરકારી નાણાંથી ઊભી થતી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ સરકારી ફી ના ધોરણે આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ માંગ કરતા જણાવ્યું હતું કે કેન્દ્રના ૬૦ ટકા અને રાજ્ય સરકારના ૪૦ ટકા નાણાંથી ઉભી થનાર સરકારી મેડીકલ કોલેજો સ્થપાશે તેવુ લોકસભામાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા અને સાંસદ રાહુલ ગાંધી દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૦માં પુછાયેલા પ્રશ્નના જવાબમાં મેડીકલ કોલેજ જે તે રાજ્યમાં સ્થાપવા માટે કેન્દ્ર સરકાર ૧૯૫ કરોડ અને રાજ્ય સરકાર ૧૩૦ કરોડ નાણાં ફાળવશે તેવુ જણાવ્યું. જે અન્વયે ગુજરાતમાં નવસારી, પોરબંદર અને રાજપીપળા ખાતે ત્રણ મેડીકલ કોલેજો સરકારી નાણાંથી ઉભી થનાર છે. પણ મેડીકલ કોલેજ સ્થાપવા માટેની કેન્દ્ર સરકારની નીતીની વિરુધ્ધ થઈને ગુજરાત સરકારે નવસારી, પોરબંદર અને રાજપીપળા ત્રણેય મેડીકલ કોલેજો ગુજરાત મેડીકલ એજ્યુકેશન રીસર્ચ સોસાયટી (GMERS) ને સોંપી દેવાનુ નક્કી કર્યું છે.
આયોજનપંચના નાણાંથી સરકારી નાણાંથી સ્થપાયેલ મેડીકલ કોલેજોને સોસાયટીમાં તબદીલી કરવાથી સામાન્ય – મધ્યમવર્ગના તેજસ્વી બાળકોને ૩.૫૦ લાખ રૂપિયા પ્રતિ વર્ષ ફી ભરવી પડે છે. સરકારી નાણાંથી નવસારી, પોરબંદર, રાજપીપળા ખાતે સ્થપાનાર નવી મેડીકલ કોલેજોને સરકારી રાહેજ સરકારી ફીમાં જ સ્થપાય તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે. જિલ્લા / સરકારી હોસ્પીટલો / સિવિલ હોસ્પીટલો / રેફરલ હોસ્પીટલો સરકારી નાણાંથી ઊભી થયેલ છે તો પછી સોસાયટીના નામે મેડીકલ એજ્યુકેશન કેમ મોંઘુ ?
આ પણ વાંચોઃ POBF FB Page: નવલા નોરતામાં નવલી શરૂઆત,પાર્લામેન્ટ ઓફ બર્ડ ફિલાટેલિસ્ટ એફબી પેજની રચના
કેન્દ્ર સરકાર ૧૯૫ કરોડ (૬૦ ટકા) અને ૧૩૦ કરોડ (૪૦ ટકા) અન્વયે સ્થપાનાર મેડીકલ કોલેજો હોય તો પછી તેના ફી ના ધોરણો કેમ પ્રતિવર્ષ ૩.૫૦ લાખ રૂપિયા? જેના લીધે *સરકારી નાણાંથી ઉભી થયેલ કોલેજો સામાન્ય અને મધ્યમવર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ પાસેથી એમ.બી.બી.એસ. માટે પ્રતિ વર્ષ ૩.૫૦ લાખ જેટલી ઉંચી ફી વસુલ કરશે. જે સંપૂર્ણ પણે અન્યાયકર્તા અને ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા માટે પણ વ્યાજબી નથી. ગુજરાતમાં છ સરકારી મેડીકલ કોલેજમાં પ્રતિ વર્ષ ૨૫,૦૦૦, સરકારી નાણાંથી ઉભી થયેલ જી.એમ.ઈ.આર.એસ. ની ૮ કોલેજોમાં ૩.૫૦ લાખ અને સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં પ્રતિ વર્ષ ૮.૬૫ લાખ થી ૧૭ લાખ જેટલી અધધ ફી વસુલવામાં આવી રહી છે.
ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટીમાં (GMERS) મોટા પાયે ગેરરીતિ. ખરીદીમાં ભ્રષ્ટાચાર, બાંધકામમાં ભ્રષ્ટાચાર, નિમણુંકમાં ભ્રષ્ટાચાર. ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટીમાં (GMERS) સંલગ્ન તમામ મેડીકલ કોલેજોમાં નાણાંકીય ગેરરીતી અંગે સત્વરે કેગ દ્વારા ઓડીટ કરવા કોંગ્રેસ પક્ષની માંગ છે. રાજ્યમાં સરકારી મેડીકલ કોલેજોમાં અધ્યાપકો અને અન્ય કર્મચારીઓ નિમણૂંકમાં રાજ્ય સરકારનું બેજવાબદાર નીતીથી મેડીકલ કોલેજોમાં અધ્યાપકોની ૪૫ થી ૫૫ ટકા જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. મેડીકલ કોલેજોમાં સ્ટાફની અછત થી તબીબી શિક્ષણ અને સંલગ્ન સિવિલ હોસ્પિટલોમાં તબીબી સારવાર પર ગંભીર અસર પડી રહી છે.

