World Theatre Day: 27 માર્ચ “વિશ્વ રંગભૂમિ દિવસે” રંગભૂમિ અને એની સાથે જોડાયેલાં તમામ નાનાં-મોટાં દરેક કલાકારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!-

World Theatre Day: વિશ્ર્વ રંગભૂમિનાં દિવસે (World Theatre Day) અંગ્રેજી માઘ્યમની શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ગુજરાતી નાટક જોતા કરવા પડશે. તે લોકોને રસ પડે તેવા નાટકો નિર્માણ કરવા એ આપણા સૌની જવાબદારી છે.

World Theatre Day: આજની આધુનિક યુવા પેઢીને નાટકો ગમતાં નથી ત્યારે આજની યુવા પેઢીનાં યુવા કલાકારો ખાસ અભિનંદનને પાત્ર છે. ગુજરાતી રંગભૂમિનાં રંગમંચ પર તેઓ પોતાનાં અભિનયનાં ઓજસ પાથરી લોકોની પ્રશંસાનાં હકદાર બને છે. ખરેખર, નાટ્ય જગતનાં કલાકારો આપણી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિનું રંગમંચ દ્વારા જતન કરતાં આવ્યાં છે.સમગ્ર વિશ્વમાં ૨૭ માર્ચનો દિવસ ‘વિશ્વ રંગભૂમિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. રંગભૂમિનાં મૂળ આપણને વેદ-ઉપનિષદમાં જોવા મળે છે. સર્જનહાર આ રંગભૂમિનાં સુત્રધાર છે. વૃક્ષોનાં લીલા પાન પ્રભુ પરિચયનાં એક સંવાદ જેવા છે. કલા માટે કહેવાય છે કે કલાકાર અંદરની રચના જાણે છે, બહારની નહીં. નજર સમક્ષ ભજવવાની કલા અને તેનો અભિનય એટલે રંગમંચ ઉપર આપવાની દરરોજની પરીક્ષા છે.

World Theatre Day, Vaibhavi Joshi
વિશેષ નોંધ : આ લેખ સાથે મારાં મિત્ર વર્તુળમાં જેટલા પણ રંગભૂમિનાં કલાકારો છે એ સહુને ટેગ કરી આટલા વર્ષો રંગભૂમિને ધબકતી રાખવા બદલ સહુ ગુજરાતીઓ વતી આભાર પ્રગટ કરું છું અને આશા રાખું કે આ શુભેચ્છાઓ તમામ કલાકાર સુધી પહોંચે. આજનાં વિશ્વ રંગભૂમિ દિવસે ગુજરાતી રંગભૂમિ હજી વધારે પ્રગતિ કરે, થિયેટરનાં હોલ નાટકો જોવા માટે પ્રેક્ષકગણથી ઉભરાય ને વિકાસ પામે એવી અંતરમનથી પ્રાર્થના.)

‘ભગવદ ગોમંડલ’ ગ્રંથનાં આધારે માની શકાય કે પૂર્વ ૧૨૮૦માં ગુજરાતીમાં પહેલું નાટક લખાયેલું. ત્‍યારબાદ ૧૮૫૧માં ‘નર્મદે’, ‘બુધ્‍ધિવર્ધક’ નામની સંસ્‍થા શરૂ કરી. એજ અરસામાં શેકસપિયર કલબની સ્‍થાપના મુંબઇમાં થઇ. આ સમયને ગુજરાતી રંગભૂમિનો ઉદભવ સમય હોવાનું આ ગ્રંથ લખે છે. સુરતનાં કવિ નર્મદે પણ રંગભૂમિ માટે ચાર નાટકો લખ્યા છે. ‘ગુલાબ’ ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક છે અને તે પણ સુરતી તળપદી ભાષામાં નગીનદાસ તુળજારામ દ્વારા લખવામાં આવ્યું છે. ૧૯૦૧માં ચં.ચી.મહેતાનો જન્મ થયો હતો અને એ જ વર્ષે ‘સુંદરી’નાં નામથી જાણીતા જયશંકર ભોજકે નાટ્યક્ષેત્રે પ્રવેશ કરેલો હતો. ગુજરાતી રંગભૂમિને નવી ઓળખ આપનાર રંગમંચનાં આ બે એક્કાઓનો ફાળો અમૂલ્ય કહી શકાય.

રંગમંચની (World Theatre Day) આ તારીખ હંમેશા સચવાશે, ચં.ચી.મહેતાનાં આદર્શ તરીકે. ચં.ચી.મહેતા કહેતા ગુજરાતનાં દરેક શહેરમાં એક થિયેટર હોવું જ જોઇએ. નાટ્યલેખન અને જૂની રંગભૂમિને આગળ વધારવામાં ચં.ચી.મહેતા અને ચંદ્રવદન મહેતાએ સાથે મળીને ગુજરાતી રંગભૂમિને પાયાનું પ્રદાન કર્યું છે.૧૯૬૧માં યુનેસ્કો દ્વારા યોજાયેલી મીટીંગમાં ૧૪૫ દેશોનાં રસિકોએ ભાગ લીધો. ગુજરાતમાંથી ચં.ચી. મહેતા પણ જોડાયેલ ને એમની લાગણી અને માંગણીની વિનંતીને માન આપીને ૨૭ માર્ચ “વિશ્ર્વ રંગભૂમિ દિવસ” ઉજવવાનું નકકી કરાયું હતું. વિશ્ર્વ રંગભૂમિ દિવસની શરૂઆત ૧૯૬૧માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટયુટ (આઇ.ટી.આઇ.) ફ્રાન્સમાં કરવામાં આવી હતી.

સમયાંતરે દરેક કલાનાં ક્ષેત્રની ટેકનોલોજી બદલતી રહી છે (World Theatre Day) આધુનીક યુગ હાઇટેક ટેકનોલોજીનો યુગ માનવામાં આવે છે. મેકઅપ, કેમેરા, લાઇટસ, સાઉન્‍ડ, લેપટોપ, પેનડ્રાઇવ, ટેબલેટ, ર્પોટેબલ હાર્ડડિસ્‍ક, એડીટીંગ વગેરેમાં અલ્‍ટ્રા મોર્ડન ડીઝીટલ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. જયાં ભાષા જીવે છે ત્યાં સંસ્કૃતિ પણ જીવે છે. ગુજરાતી રંગમંચ એ ગુજરાતી ભાષા અને સાહિત્ય બચાવવાનો પ્રયાસ છે. સિનેમા યુગમાં વધતો ક્રેઝને કારણે નાટકો ઓછા બનવા લાગ્યા. નાટક મંડળીનો યુગ પુરો થઇ ગયો આજે મુંબઇનાં આધુનિક નાટકોની બોલબાલા છે પણ હજી લોકો હોલમાં જોવા આવતા નથી. આજનો યુવા વર્ગ નેટ માઘ્યમથી મોબાઇલમાં જ નાટકો જોવા લાગ્યો છે.

વિશ્ર્વ રંગભૂમિનાં દિવસે (World Theatre Day) અંગ્રેજી માઘ્યમની શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ગુજરાતી નાટક જોતા કરવા પડશે. તે લોકોને રસ પડે તેવા નાટકો નિર્માણ કરવા એ આપણા સૌની જવાબદારી છે.આજે મનોરંજન યુગમાં નાટક અને ભવાઇ કલા અંતિમ શ્ર્વાસ લઇ રહી છે. ભવાઇ એટલે ભવની વહી, અર્થાત ભવની કથા: જિંદગીની કથા સંસારની તડકી છાંયડીઓની કથા નાટક એ ગુજરાતની અસ્મિતા છે. એક જમાનો હતો અણહિલપુર પાટણમાં સંસ્કૃત નાટકો ભજવાતાં હતાં. એ સમયમાં સ્ત્રી પાત્રો રંગમંચ ઉપર આવતા નહિ તેથી પુરૂષો જ સ્ત્રી પાત્રોનાં અભિનય ભજવતાં.જ્‍યારે રંગમંચ ઉપર કોઇ પણ કલાકાર પોતાની કલા રજૂ કરી રહ્યો હોય અને તેનાથી ભૂલ થાય તો એ ભૂલનો શ્રોતાઓએ પણ સ્‍વીકાર કરી લેવો પડે છે.

World Theatre Day

કારણ કે કોઇ પણ રંગમંચનાં કાર્યક્રમ લાઇવ હોય છે, જે થયું તે થયું જ… સ્‍ટેજ ઉપર ડાયરેકટ ટેઇક જ હોય છે… રીટેક થતો જ નથી… રંગભૂમિ માટે કહેવાય છે કે, જાણ્‍યુ એટલું જાજું અને માણી એટલી મોજ… જોકે વર્તમાન પરિસ્થિતિ જોતાં દુઃખની વાત એ છે કે ગુજરાતમાં કેટલાક શહેરોમાં નાટ્ય સંસ્થા આવેલી છે પણ સરકાર તરફથી તેમને પુરતી સહાય ન મળતી હોવાથી કેટલીક નાટ્ય સંસ્થાઓ આજે પડવાનાં વાંકે ઉભી છે. એમાં મારી દ્રષ્ટિએ વાંક સરકારનો ઓછો અને આપણાં બધાંનો વધારે છે. આધુનિકરણ અને મોડર્ન થવાની ઘેલછા આપણને આપણાં મૂળથી દૂર કરી રહી છે અને મૂળિયાંથી દૂર થાવ એટલે સમય જતાં કરમાઈ જ જાઓ.એક બાજુ ગુજરાતી સાહિત્યને બચાવવા માટે મોટી-મોટી વાતો કરવામાં આવે છે તો બીજી બાજુ ઘણી વાર ખોટો દેખાડો પણ થતો હોય છે.

World Theatre Day: ક્યારેક તો એકાદ મોટો કાર્યક્રમ કરી કરોડો ખર્ચી દેવાય છે પણ જે સાહિત્ય અને નાટ્ય સંસ્થાઓ છે એમની તરફનું આપણાં બધાનું ઉદાસીન વલણ ખરેખર ચિંતાજનક છે. જો આપનાં શહેરમાં ગુજરાતી નાટક આવે તો એકવાર જરૂર જોવા જજો અને જો નાટક સારૂ લાગે તો કલાકારોને ભરપુર તાળીઓ ને શબ્દોથી બિરદાવજો કેમ કે તેનાં તેઓ હકદાર છે. એટલે પછી ૨૭ માર્ચનાં દિવસે રંગભૂમિ દિવસની એકબીજાને શુભેચ્છા આપી ઉજવણી કરવાની રાહ નહી જોવી પડે. જે દિવસે તમે નાટક જોવા જશો એ દરેક દિવસ તમારા માટે રંગભૂમિ દિનની ઉજવણી જ હશે. આપણી જીંદગી પણ એક રંગમંચ છે જ્યાં દરરોજ નાટક ભજવાય છે.

ખાસ આજનાં દિવસે જિંદગીનાં રંગમંચ ઉપર કોઈ પણ જાતનાં રિહર્સલ વગર જાતજાતની ભૂમિકા બખૂબી ભજવનાર ઈશ્વરનું અદ્ભૂત સર્જન એવી સ્ત્રી જો તમારાં ઘરમાં હોય તો એક વાર એને પણ ચોક્કસ યાદ કરજો. આખરી વેળાએ તાળીઓ પડે પણ ખરાં અને ન પણ પડે..!! ગુજરાતી નાટકનો કોઈ વિકલ્પ હોઈ જ ન શકે પણ એ છતાંય એની સામે બીજું કઈં પણ જોવા જવાની ઓફર ઠુકરાવનાર મારાં જેવી રંગભૂમિની અઠંગ બંધાણી તરફથી આજનાં “વિશ્વ રંગભૂમિ દિવસે” રંગભૂમિ અને એની સાથે જોડાયેલાં તમામ નાનાં-મોટાં દરેક કલાકારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!- વૈભવી જોશી

આ પણ વાંચો..Benefits of eating papaya: પપૈયા પાચન થી લઇ ને આ સ્વાસ્થ્ય લાભો નો ભંડાર છે; જાણો તેને ખાવાના ફાયદાઓ વિશે

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *