gayatri Jayanti

Gayatri Jayanti-2023: આજે નિર્જળા એકાદશી અને ગાયત્રી જયંતિ પણ છે. જાણો મહિમા..

Gayatri Jayanti-2023: આપણાં કેલેન્ડર પ્રમાણે જેઠ મહિનાનાં સુદ પક્ષની અગિયારસ તિથિએ માતા ગાયત્રીનું અવતરણ માનવામાં આવે છે. માટે આ દિવસે ગાયત્રી જયંતિ ઊજવવામાં આવે છે

Gayatri Jayanti-2023: આપણો સનાતન ધર્મ વ્રત અને તહેવારોથી ભરપૂર છે. આજનો દિવસ ખરેખર ઘણો જ શુભ છે. આજે પંચાંગ પ્રમાણે જેઠ સુદ અગિયારસ એટલે કે નિર્જળા એકાદશી. આ એકાદશી ભીમ અગિયારસ તરીકે પણ જાણીતી છે અને એટલું ઓછું હોય એમ આજે ગાયત્રી જયંતિ પણ છે.

Gayatri Jayanti-2023: Vaibhavi Joshi

એકાદશીનું પર્વ ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલું છે. આ એકાદશીની વિશેષતા એ છે કે, ફક્ત આ એકાદશી કરવાથી, તે વર્ષ દરમિયાનની સંપૂર્ણ એકાદશીનું ફળ આપે છે. આપણા શાસ્ત્રો જણાવે છે કે, એક માસમાં ૨ અગિયારસ હોય છે અને ૧૨ માસમાં ૨૪ અગિયારસ હોય છે. વળી અધિકમાસ હોય તો ૨ અગિયારસ વધુ હોય છે. આ વિશે જ્ઞાન આપતાં મહાભારતકાળમાં શ્રી વેદવ્યાસે પાંડવ કુટુંબને અગિયારસ વિશે વિસ્તૃત વર્ણન આપ્યું હતું.

આપણાં કેલેન્ડર પ્રમાણે જેઠ મહિનાનાં સુદ પક્ષની અગિયારસ તિથિએ (Gayatri Jayanti-2023)માતા ગાયત્રીનું અવતરણ માનવામાં આવે છે. માટે આ દિવસે ગાયત્રી જયંતિ ઊજવવામાં આવે છે. આપણા ધર્મમાં ગાયત્રીને વેદમાતા કહ્યાં છે. બધા વેદોની ઉત્પત્તિ તેમનાં દ્વારા થઇ છે. માતા ગાયત્રીને ભારતીય સંસ્કૃતિની જનની પણ કહેવામાં આવે છે.

અથર્વવેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, માતા ગાયત્રી સાથે આયુષ્ય, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ અને ધન પ્રાપ્ત થાય છે. વિધિ અને નિયમો સાથે કરવામાં આવતી ગાયત્રી ઉપાસના રક્ષા કવચ બનાવે છે. જેનાથી પરેશાનીઓના સમયે રક્ષા થાય છે. દેવી ગાયત્રીની ઉપાસના કરનાર લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે.

આપણા ધર્મમાં માતા ગાયત્રીને (Gayatri Jayanti-2023) પંચમુખી માનવામાં આવે છે. જેનો અર્થ છે કે, આ સંપૂર્ણ બ્રહ્માંડ જળ, વાયુ, પૃથ્વી, તેજ અને આકાશનાં પાંચ તત્ત્વોથી બનેલું છે. સંસારમાં જેટલાં પણ પ્રાણી છે, તેમનું શરીર આ જ પાંચ તત્ત્વોથી બનેલું છે. પૃથ્વી ઉપર પ્રત્યેક જીવની અંદર ગાયત્રી પ્રાણ-શક્તિ સ્વરૂપમાં છે. આ જ કારણ છે કે, માતા ગાયત્રીને બધી જ શક્તિઓનો આધાર માનવામાં આવે છે. એટલાં માટે જ માતા ગાયત્રીની ઉપાસના જરૂર કરવી જોઇએ.

આજની એકાદશી સાથે પણ એક રસપ્રદ કથા જોડાયેલી છે તો મને થયું આજે એના વિશે પણ થોડું જાણીયે. એક પૌરાણિક કથા અનુસાર એક વખત ભીમે મહર્ષિ વ્યાસને કહયું કે, યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રોપદી, અર્જુન, નકુલ, સહદેવ એ બધાં એકાદશીનાં દિવસે ભોજન નથી કરતાં અને મને પણ તેમ કરવાનું કહે છે, પરંતુ હું ભૂખ્યો રહી શકતો જ નથી. તો વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે તેવો ઉપાય બતાવો.

મહર્ષિ વ્યાસે કહયું કે તારે બારે માસની ૨૪ એકાદશી કરવી જ પડશે. ત્યારે ભીમે કહયુ કે, હું એકવાર પણ ભોજન કર્યા વગર રહી શકતો નથી તો હું ઉપવાસ કેવી રીતે કરું? બહુ બહુ તો વર્ષમાં એક ઉપવાસ કરી શકું, તો તમે મને એ કહો કે, કયા માસમાં કઈ તિથિએ ઉપવાસ કરું, જેથી મારું કલ્યાણ થાય. ત્યારે મહર્ષિ વ્યાસે કહયું કે, જેઠ માસમાં શુકલપક્ષની એકાદશીએ નકોરડો ઉપવાસ કરવો અને પાણી પણ પીવું નહી.

આ રીતે ઉપવાસ કરવાથી બારેમાસની ર૪ એકાદશીનું ફળ મળે છે. તો તારે એ રીતે આ એકાદશીએ ઉપવાસ કરવો અને બારસનાં દિવસે સ્નાનાદીક કરીને, બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરીને ભોજન કરાવવું, પછી તારે ભોજન કરવું. એમ વ્રત કરીશ તો તને ૨૪ એકાદશીનું ફળ મળી જશે. આ પ્રમાણે વ્યાસજીની આજ્ઞા અનુસાર ભીમે અને પાંડવોએ એકાદશી કરી હતી ત્યારથી નિર્જળા એકાદશીનું બીજું નામ ભીમ એકાદશી પડયું.

અગિયારસ કોઈ પણ નવા કાર્યનાં આરંભ માટે પણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પણ હું હંમેશા કહેતી આવી છું કે આપણાં પૂર્વજો અને ઋષિમુનિઓએ આ બધા જ વાર તહેવાર ઉત્સવ કે પર્વ પર્યાવરણ કે વિજ્ઞાન સંબંધિત ફેરફારોને ધ્યાનમાં રાખી ખૂબ ઊંડાણપૂર્વક સમજી વિચારીને સમાજ સમક્ષ મુક્યા હતાં.

વૈજ્ઞાનિક તથ્યો પ્રમાણે ચોમાસાની શરૂઆત થતાં જળાશયોમાં નવાં નીર આવે છે. જે શરૂઆતમાં દુષણ યુક્ત હોય છે, પાણી જન્ય રોગચાળો વધે છે. ભૂખ્યા રહેવાથી શરીરની અગ્નિ પ્રબળ બને છે. આથી સામાન્ય વ્યક્તિએ નિર્જળા રહેવું તે શરીર માટે સારું રહે છે.

આ પણ વાંચો:-

Parivartan: તમે વાત નાં કરો જીવનભર પ્રેમની…સુકાવ્યા

Swamiji ni Vani part-13: જીવનમાં નાની નાની વસ્તુઓ પણ ધર્મ બને છે

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં ચોમાસું જૂન મહિનાની શરૂઆતથી મધ્ય સુધીમાં શરૂ થવાનાં એંધાણ હોય જ છે. અને આ એકાદશી એ સમયગાળાની આસપાસ જ આવતી હોય છે. અત્યારની પેઢીને આ બધા વ્રત કે ઉપવાસ અંધશ્રદ્ધા લાગે છે પણ એનું કારણ પણ આપણે જ છીએ. આપણે કોઈ દિવસ એના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન જ નથી કર્યો.

આજની પેઢી ખૂબ તાર્કિક છે માટે આપણાં કોઈ પણ રીતિ-રિવાજો કે વ્યવસ્થાઓ પાછળનાં મૂળભૂત કારણથી એમને માહિતગાર જરૂર કરાવજો. જો આ પેઢી આ બધા વ્રત કે ઉપવાસની પાછળનું હાર્દ સમજશે તો આપણે એમને કોઈ પણ વાર, તહેવાર, ઉત્સવ કે પર્વ નિમિત્તે કોઈ પણ પ્રકારનાં રીત-રિવાજો બળજબરીપૂર્વક અનુસરવાનું નહિ કહેવું પડે.

આપ સહુને મારાં તરફથી ગાયત્રી જયંતિ (Gayatri Jayanti-2023) અને નિર્જળા એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! વૈભવી જોશી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *