Swamiji ni Vani part-13: જીવનમાં નાની નાની વસ્તુઓ પણ ધર્મ બને છે

Swamiji ni Vani part-13: કર્મ શ્રેષ્ઠ રીતે જ કરો

એમ ન માનવું કે મોટાં-મોટાં કામ કરવાં, મોટું દાન કરવું, કોઈ મોટી સેવા કરવી એ જ ધર્મ છે. જીવનમાં નાની નાની વસ્તુઓ પણ ધર્મ બને છે. ભગવાન ગીતામાં કહે છે કે જે કરવું જોઈએ તે કર્મ જે કરે છે તે કર્મયોગી છે.

ઘણી વાર એવું બને છે કે જે કર્મ કરવાનું છે અને જે કરવાની આપણને ઇચ્છા છે એ બે જુદાં પણ હોય. એક કર્મ મને અમુક રીતે કરવું ગમે પરંતુ કર્તવ્ય એવી અપેક્ષા રાખે છે કે મારે તે બીજી રીતે જ કરવું. આવે સમયે કેવી રીતે કર્મ કરવું? મારી ઇચ્છા પ્રમાણે કરવું કે પછી જે યોગ્ય હોય તે રીતે કરવું?

આવી વેળાએ જે યોગ્ય છે તે જ રીતે કરવું જોઈએ, અને આપણા ગમા-અણગમા હોય તેને બાજુમાં મૂકવા જોઈએ.

આવું વારેવારે બનતું હોય છે. આપણું ચાલે તો આપણે ઘણીયે વસ્તુ જુદી રીતે કરીએ. આપણું ચાલે તો બસની લાઇન તોડીને સૌથી પહેલા ચઢી જઈએ. બસની લાઇનમાં ઊભા હોઈએ, પાછળ નંબર હોય, ઑફિસમાં જવાનું મોડું થતું હોય તેમાં વળી બસ પણ મોડી આવે. કંડક્ટર ચાર આંગળાં બતાવે એટલે માત્ર પહેલા ચાર જ જણને લેવાના હોય. તેથી, મનમાં ગડમથલ થાય કે બધાને હટાવીને પહેલો જ ચઢી જાઉં બસમાં. પરંતુ બસની લાઇનમાં ઊભા હોઈએ ત્યારે એવી અપેક્ષા રહે છે કે વારો આવે ત્યારે બસમાં ચઢવું.

એટલે પછી, મારી ઇચ્છા હોવા છતાં હું પહેલો ચઢી શકતો નથી. વળી, બસમાં એવું પણ લખ્યું હોય છે કે વૃદ્ધોને, અપંગોને, સ્ત્રીઓને બેઠક આપવી જોઈએ. પણ એવો પ્રસંગ બને કે કોઈ વૃદ્ધ, અપંગ કે મહિલા આવે અને મારી બેઠકની બાજુમાં ઊભાં રહે. ત્યારે તેમને જગ્યા આપવા માટે હું ઊભો જ ના થાઉં એવું બને.

આમ, નાની નાની બાબતોમાં પણ આપણી જ સગવડ સચવાય એ રીતે આપણે વર્તતા હોઈએ છીએ અને જે કરવું જોઈએ તેનો અનાદર કરતા હોઈએ છીએ. ભલે બાબત નાની હોય, પણ ધર્મનું ઉલ્લંઘન થયું તે તો ખરું જ. માટે પ્રત્યેક પરિસ્થિતિમાં કેમ વર્તવું એનો નિશ્ચય ખૂબ જ સાવધાની માગી લે છે.

આપણે દરેકેદરેક ક્ષેત્રમાં સાવધાન રહેવું જોઈએ. ધર્મને અનુસાર જીવન વિતાવવું હોય તો કયા સંજોગોમાં મારે કેમ રહેવું, કેવાં વાણી-વર્તન મારા મોભાને, મારા ગૌરવને છાજે એવાં છે, શું કરવાથી મનુષ્ય તરીકેના મારા ગૌરવને હાનિ ન પહોંચે એ અંગે બહુ જાગ્રત રહેવાની આવશ્યકતા છે. આપણા વ્યક્તિગત ગમા-અણગમાને બાજુ પર મૂકીને જે યોગ્ય છે તે જ કરવું જોઈએ. વળી, ગીતામાં ભગવાન કહે છે: तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर l હે અર્જુન, તું ફળની આસક્તિ છોડીને નિષ્કામ ભાવે સારી રીતે કર્મ કર.

समाचर – सम्यक् आचर l તું યજ્ઞની, સેવાની ભાવનાથી કર્મ કર અને તેમ કરતાં વેઠ ના ઉતારીશ. આપણે આપણા ઘરમાં કચરો વાળીએ ત્યારે કાળજીપૂર્વક તે કામ કરીએ અને આશ્રમમાં કે મંદિરમાં વાળતા હોઈએ ત્યારે જેમતેમ વાળીએ એ બરોબર નથી. સેવાનું કર્મ પણ સારી રીતે કરો. કર્મ થાય ત્યારે કર્મ કરનારની છાપ તેમાં હોવી જોઈએ. કામ જોતાં જ જોનારને ખબર પડવી જોઈએ કે કોણે તે કર્યું છે.

કાગળનું સરનામું પણ સુંદર અક્ષરે લખ્યું હોય તો તે મેળવનારને ખબર પડી જાય કે આ કાગળ કોનો છે. બન્ને રીતે જોકે ખબર પડે! કશુંય ઊકલતું ન હોય તો પણ ખબર પડી જાય કે આ અમુકનો કાગળ છે, કારણ કે મનના ગૂંચવાડા હોય તે ઘણી વાર લખાણરૂપે બહાર આવતા હોય છે. કોઈ પણ નાનું-મોટું કર્મ કરતા હોઈએ ત્યારે ખૂબ જ વ્યવસ્થિત રીતે તેને કરવું જોઈએ. પૂરેપૂરો પરિશ્રમ કરીને, પૂરેપૂરું મન દઈને એ કર્મને શ્રેષ્ઠ રીતે જ કરવું જોઈએ, પછી પોતાને માટે તે હોય કે અન્યની સેવા માટે.

ક્યારેક એવું જોવા મળે છે કે લોકોમાં કર્મ પ્રત્યેની નિષ્ઠાનું ધોરણ ઘણું નીચું છે, નૈતિકતાનું ધોરણ પણ ઘણું નીચું છે. ‘વેચેલો માલ પાછો લેવામાં નહીં આવે’ એવી શરત મૂકીએ અને પછી બતાવીએ એક માલ અને આપીએ બીજો, જેની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોય તેવી દવાઓ ઘરાકને વળગાડી દઈએ.

ખરેખર, સમયમર્યાદા વટાવી ગયેલી વસ્તુ- પછી તે દવા હોય, આઇસ્ક્રીમ હોય કે કોઈ અન્ય ખાવા-પીવાની ચીજ હોય- તે ફેંકી દેવી જોઈએ, વેચવી ન જોઈએ. ઘરાકની ગરજ પારખીને મન ફાવે તેવા ભાવ લઈએ, આ નૈતિક દરિદ્રતા છે અને તે કોઈ રીતે યોગ્ય નથી. આપણે જે કામ કરતા હોઈએ તે કામ દીપી ઊઠવું જોઈએ. પ્રત્યેક કર્મ શ્રેષ્ઠ રીતે જ થવું જોઈએ.

કર્મ કરવામાં પણ ચોરી કરીએ અથવા તો કર્મ સારી રીતે ન કરીએ તો તે યોગ્ય નથી અને કર્મ કરીએ ત્યારે જે મૂલ્યો છે તેનું પાલન ન કરીએ તો તે પણ યોગ્ય નથી.