Naman munshi image 600x337 1

Gujarat election 2022: બે ચરણ, વીસ તાસ, અંગુલ તુજ પ્રમાણતા ઉપર મતદાન છે, ન ચૂક ચૌહાણ

Gujarat election 2022: એક સમયે ભારતમાં એક વાક્ય પ્રચલિત હતું, હજુ પણ છે પરંતુ હવે એનો ઉપયોગ વ્યર્થ છે “તમારો કિંમતી અથવા અમૂલ્ય અને પવિત્ર મત”…

Gujarat election 2022: વાંચી રહ્યા હશો ત્યારે ગુજરાત વિધાનસભા મતદાનના પહેલા ચરણના મતદાન માટે લગભગ ચોવીસ કલાકનો સમય બાકી હશે, આવતી કાલે પહેલી ડિસેમ્બરે પહેલું અને પાંચમી ડિસેમ્બરે બીજું ચરણ છે, બંને દિવસ મળીને ૨૦ કલાક વોટિંગના રહેશે.

વિશ્વના અનેક દેશોમાં લોકશાહી છે, સૌથી મોટી ભારતીય લોકશાહી ગણાય છે. લોકશાહી કે લોકતંત્ર મૂળભૂત રીતે નાગરિકો અને નાગરિકોની માનસિકતા ઉપર જ ટકે છે અને આધારસ્તંભ એકમાત્ર મતદાન છે.

મતદાન વગર લોકશાહી ટકે જ નહિ, ને મતદાનની બે શરત હોય છે, નિર્ભીક મતદાન તેમજ નિર્લોભ મતદાન. દરેક મતદાતા પોતાનો મત નિર્ભય રીતે, ડર્યા વગર આપી શકે એવું તંત્ર જ લોકતંત્ર. ભારતમાં જ અમુક રાજ્ય, પ્રદેશોમાં એક જમાનો એવો પણ હતો જયારે લોકો ભયના માર્યા મતકેન્દ્ર સુધી જતા જ નહિ, જે જતા તે માર ખાતા.

મતદાન કેન્દ્રો પર રાજકીય પક્ષોના ગુંડાઓ કબજો જમાવી લેતા અને બેલેટ પેપર પર તેઓ જ સિક્કા ઠોકી દેતા. અરે! મતપેટીની તફડંચી, તોડફોડ આસાનીથી થઇ જતી. ટી એન શેષાન જેવા નખશિખ ઈમાનદાર અને હિંમતવાન અધિકારી તેમજ ભારતીય ઈલેક્શન કમિશનની પ્રજા હંમેશા ઋણી રહશે જેમણે આવા નેતાઓની શાન ઠેકાણે લાવી, પ્રજાને મતદાન કરવાનું ભાન દેવડાવ્યું.

જેમ મતદાન નિર્ભીક હોવું જોઈએ તેમ નિર્લોભ પણ હોવું જોઈએ. આખા વિશ્વની લોકશાહીને એક ગ્રહણ લાગ્યું છે તે નેતાઓ દ્વારા ચૂંટણી જીતવા અપાતા જાતજાતના પ્રલોભનો અને લાલચ. ઢંઢેરો કે ઘોષણાપત્ર એ દરેક પક્ષોનો ચૂંટણી જીતવાનો વગર વિચાર્યે વચનો આપવાનો ઔપચારિક સિરસ્તો થઇ પડ્યો છે. હકીકતમાં તમે રાજ્ય કે દેશના હિત માટે શું શું કરશો અને કેવી કેવી રીતે કરી શકશોનો રોડમેપ જાહેર કરવો જોઈએ, કેમ કે રાજ્ય અને દેશના હિત માં પ્રજાનું હિત આપોઆપ સમાયેલું છે.

નેતાઓ પ્રલોભનો અને લાલચ એટલા માટે આપે છે કેમ કે પ્રજા નિર્લોભી નથી. પ્રજાને વ્યક્તિગત, જાતિગત લાભ પ્રાપ્ત કરી લેવાની લાલચ હોય છે, જેનો નેતાઓ લાભ ઉઠાવે છે. કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નહિ મારે. યથા પ્રજા તથા રાજા!

વગર વિચાર્યે અપાતા વચનોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ તાજેતરમાં જ હિન્દુસ્તાન પર ૨૦૦-૨૫૦ વર્ષ રાજ કરનાર બ્રિટનમાં જોવા મળ્યું, વડાપ્રધાન બનવાની લાલચમાં લિઝ ટ્રસે ટેક્સમાં રાહત સહિતના પ્રલોભનો આપી દીધા, લોભી પ્રજાએ વખાણ્યાં ને બનાવ્યા વડાપ્રધાન; જેમણે વાયદાના વ્યાપારમાં બ્રિટિશ અર્થતંત્રને ગોથે ચઢાવ્યું ને છેવટે પ્રજાને ભાન થતા ટ્રસને ઘરભેગા કર્યાં.

એક સમયે ભારતમાં એક વાક્ય પ્રચલિત હતું, હજુ પણ છે પરંતુ હવે એનો ઉપયોગ વ્યર્થ છે “તમારો કિંમતી અથવા અમૂલ્ય અને પવિત્ર મત”… હવે મતોની કિંમત અંકાઈ છે બસો, ત્રણસો, ચારસો યુનિટ ફ્રી જેવી કેટલીક મફતની સુવિધાની લાલચથી, અમૂલ્ય મતનું અવમૂલ્યન થઇ જાય છે નકારાત્મક વિરોધની માનસિકતાથી.

જેમ નેતાઓ વગર વિચાર્યે થોકબંધ વચનોની લ્હાણી કરે છે તેમજ કેટલાક લોકો રાજ્ય-દેશ હિત તો ઠીક ખુદની સમૃદ્ધિ જે સરકારમાં મેળવી હોય તેની વિરુદ્ધમાં પણ વગર વિચાર્યે એક જ મિશન હેઠળ સતત મતદાન કરે છે એટલે હવે ઈમાન વગરનો મત પવિત્ર પણ નથી રહ્યો.

અમારી સોસાયટીમાં મત માંગવા આવવું નહિ કે અમુક તમુક સુવિધા ન મળી હોવાથી મતદાન ન કરવું કે સરકાર/પક્ષને પાઠ શીખવાડવા અયોગ્યને મત આપવો, કે અન્ય કોઈપણ કારણોસર મત ન આપવો કે અયોગ્યને મત આપવો એ સ્વયંનું જીવન મુશ્કેલીમાં મુકવા સમાન છે.

આ પણ વાંચો: FIR against BJP candidate of danta assembly: દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાધુ પારગી સામે એફઆઇઆર…

Gujarati banner 01