Naman munshi image 600x337 1

Jan Aakrosh: આ જન આદેશ નથી, જન આક્રોશ છે…

Jan Aakrosh: છેવટે એ દિવસ આવી ગયો જેની પ્રતીક્ષા આખો દેશ કરતો હતો, ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીએ છેલ્લા દસેક મહિનાથી ખુબ જ ઉત્સુકતા તેમજ ચર્ચા જગાવી હતી તેના ત્રણ કારણો હતા. પહેલું દિલ્હી બહાર પ્રથમવાર પંજાબમાં ચૂંટણી જીતનાર કેજરીવાલની આમ આદમી પાર્ટી જેણે ગુજરાત વિધાનસભામાં ઝંપલાવ્યું હતું.

દિલ્હી તેમજ પંજાબના સંસાધનોનો ઉપયોગ કરીને ગુજરાત ફતેહ કરવાનો મનસૂબો ધારણ કરીને સમય કરતા પહેલા જ ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરવાની શરૂઆત કરીને કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતનું દિલ્હીનું ટોળું ગુજરાતમાં ફરવા લાગ્યું હતું.કેજરીવાલે દિલ્હી અને પંજાબમાં સફળ નીવડેલ નીતિ ‘ફ્રી પોલિટિક્સ’ અપનાવી ૩૦૦ યુનિટ વીજળી ફ્રી કરવાનું વચન ગુજરાતીઓને પણ આપી દીધું. આ ઉપરાંત અનેક વાયદા વચન સમય સંજોગને આધીન ગુજરાતની પ્રજા સમક્ષ આપવાનું ચાલુ રાખ્યું.

કેજરીવાલ અને આપ ને મીડિયાનું પણ વ્યાપક સમર્થન મળ્યું. ગુજરાતમાં પ્રસિદ્ધ થતા એક અખબારે રીતસર ભાજપને બદનામ કરી, કેજરીવાલને મહાન નેતા દર્શાવવાનું કામ આ દસેક મહિના દરમ્યાન કર્યે રાખ્યું હતું. બીજું કારણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જામતું વાતાવરણ, જેને મીડિયા છેલ્લા કેટલાક મહિનાઓથી એન્ટિ ઈન્કમ્બન્સીના નામથી ચગાવ્યું હતું. સ્વાભાવિક છે, ૨૭-૨૭ વરસથી સત્તામાં હોય તે પાર્ટી વિરુદ્ધ અસંતોષ તો હોય જ. ત્રીજું કારણ કોંગ્રેસ કે જેણે ૨૦૧૭ની ચૂંટણીમાં સારો દેખાવ કર્યો હતો ને ૭૭ સીટ મેળવી હતી. ૧૮૨ સીટ માંથી ભાજપને ૯૯ સીટ પર રોકવામાં સફળ રહી હતી.

આ ઉપરાંત ગુજરાત વિધાનસભા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય હોવાથી પણ મહત્વપૂર્ણ બની જતી હતી કેમ કે, જો ભાજપ ગુજરાત હારે તો તેનો સીધો અર્થ મોદીની જ કારમી હાર થઇ છે એવું માની વિપક્ષને આખા દેશમાં મોદી વિરુદ્ધ વાતાવરણ હોવાનું મજબુતીથી પ્રસ્તુત કરી શકે.

પરંતુ ૮ ડિસેમ્બરે પરિણામ આવ્યું ભાજપને ગુજરાતમાં ગુજરાત નિર્માણથી અત્યાર સુધીની ઉચ્ચતમ ૧૫૬, પરિવર્તન માટે મતદાન થયાનો દાવો ઠોકતી કોંગ્રેસને નિમ્નતમ ૧૭ અને મૌખિક લેખિત સરકાર રચવાના જ દાવા ઠોકતી આમ આદમી પાર્ટી ને ફક્ત ૫ સીટ મળી તો અન્ય ને ફાળે ૪ સીટ ગઈ.

આમ કોંગ્રેસ અને આપ બંનેનો નાલેશીભર્યો પરાજય થયો છે. વાસ્તવમાં આ ગુજરાત અને ગુજરાતી પ્રજાનું ભાજપ તરફી જન આદેશ કરતું મતદાન ન હતું પરંતુ કોંગ્રેસ અને વિશેષતઃ આમ આદમી પાર્ટી અને તેના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતું મતદાન છે.

છેલ્લી કેટલીક ચૂંટણીમાં જ્યાં કોંગ્રેસને લાગે છે કે તે ભાજપને હરાવી શકે તેમ નથી ત્યાં અન્ય પાર્ટીને જીતવાની સરળતા કરી આપે છે. તેથી જ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા એ ચૂંટણીથી અંતર જાળવી રાખ્યું. કોંગ્રેસે દેખાવ ખાતર જ ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી હતી.
કેજરીવાલે ૩૦૦ યુનિટ ફ્રી, મહિલાઓને ૧૦૦૦ રૂપિયા અને બેરોજગારી ભથ્થાની લાલચ આપી ગુજરાતની જનતાને લોભાવવાની અનેક કોશિશ કરી જેને ગુજરાતની જનતાએ, ભારતની આગામી ચૂંટણીઓમાં પણ અસરકર્તા સાબિત થઇ શકે એવો જાકારો આપ્યો.

આઝાદ ભારતમાં આ સર્વપ્રથમ મતદાન રહ્યું છે જેમાં વિપક્ષ વિરુદ્ધ જ આટલા મોટા પ્રમાણમાં આક્રોશિત મતદાન થયું હોય. ગુજરાતના મતદારોએ ભાજપને જીતાડવા નહિ પરંતુ કોંગ્રેસને ગુજરાતમાંથી ભગાડવા અને આપ ને તગેડવા મતદાન કર્યું હોય એમ પ્રતીત થાય છે.
મીડિયા ‘આપ’ કે ‘કોંગ્રેસ’ ની નામોશીભરી હાર છતાં આ બંને પક્ષોની હાર ને છાવરવા અને ભાજપના ભવ્ય વિજયને હલકું ચીતરવા આમ આદમી પાર્ટી ને ‘વોટકટવા’ પાર્ટી જાહેર કરે છે.

મીડિયા એવું બહાનું કાઢે છે કે જો આમ આદમી પાર્ટી ન હોત મતનું વિભાજન ન થાત તો કોંગ્રેસને વધુ સીટ મળતે અને ભાજપને આટલો ભવ્ય વિજય પ્રાપ્ત ન થાત. પરંતુ મીડિયા સગવડતાપૂર્વક ભૂલી જાય છે કે જે મતદાન કોંગ્રેસ કે આપને હરાવવા જ થયું હતું તેના પરિણામમાં બેમાંથી કોઈ પક્ષ હતે કે ન હતે, કોઈ ફરક પડવાનો ન હતો.

ગુજરાતની પ્રથમ રેલીમાં જ કેજરીવાલને જવાબ મળી ગયો હતો- “અમને ફ્રી વીજળી નથી જોઈતી”. ગુજરાતની અસ્મિતા, ગુજરાતનું ગૌરવ અને ગુજરાતનું ગર્વ જીવંત રાખનાર ગુજરાતની પ્રજા વંદનસહઃ અભિનંદનની અધિકારી છે.

આ જન આદેશ નથી, જન આક્રોશ છે.

આ પણ વાંચો: Hardik Patel in ambaji: માં અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યા હાર્દિક પટેલ…

Gujarati banner 01