Legend Avinash Vyas: આજે પદ્મશ્રી અવિનાશ વ્યાસની પુણ્યતિથિ પર ભાવભીનું સ્મરણ થઇ જ આવે અને એમને યાદ કરવાનું ગૌરવ આપણે લેવાનું હોય

Legend Avinash Vyas: “પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે.
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે.”
“ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.”
“તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું.”
“મારા ભોળા દિલનો હાયે રે શિકાર કરીને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બિમાર કરીને.”

હું અમદાવાદનો રીક્ષાવાળો નવસોનવ્વાણું નંબર વાળો અમદાવાદ… અમદાવાદ બતાવું ચાલો”
‘રાખનાં રમકડાં મારા રામે રમતા રાખ્યા રે..!”
આવાં ઢગલાબંધ ગીતો તમારાં હૈયે ને હોઠે આજદિન સુધી રમતાં આવ્યા હશે. તોય આ વિસલનગરા નાગરે એક ગજબ વાક્ય કહેલું,
“સંગીત જેનો પ્રાણ છે એવા સંગીતકમમાં ડગલે ને પગલે શિષ્ટ કાવ્યત્વ શોધવાનું આપણા કવિવરો માંડી વાળે.”

અવિનાશ વ્યાસ
અવિનાશી અજરામર પદ્મશ્રી અવિનાશ વ્યાસ નામ જ પૂરતું છે આગળ કંઈ કહેવાની જરૂર પડે..!! આજે એમની પુણ્યતિથિ પર ભાવભીનું સ્મરણ થઇ જ આવે અને એમને યાદ કરવાનું ગૌરવ આપણે લેવાનું હોય. ગીત-સંગીત એટલે અવિનાશ વ્યાસ કે અવિનાશ વ્યાસ એટલે ગીત-સંગીત.

Advertisement

જોકે એમના અસંખ્ય ગીતો એક તરફ અને “માડી તારું કંકુ ખર્યું..!!” એક તરફ. કાંકરિયા ઉપર ક્રિકેટ રમતાં લાલ બૉલ ઊછળ્યો અને સંધ્યાનાં આથમતાં સૂર્યની લાલીમાં ભળી જતો દેખાયો અને પ્રથમ રચના સ્ફુરી ‘મા, તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’. આ એક જ ગીત એમણે ગુજરાતી ભાષાને આપ્યું હોત તો પણ એ અમર થઈ ગયાં હોત.

Legend Avinash Vyas

શ્રી અવિનાશ વ્યાસે ગીત, ગઝલ અને ગરબા જેવા વિવિધ સાહિત્યપ્રકારોમાં અનેક કૃતિઓ રચી છે, પણ તેઓ તેમણે લખેલ ગરબા માટે સૌથી વધુ પ્રસિદ્ધ છે. તેમના ગરબાઓમાં છલકતો અંબાજી માટેનો ભક્તિભાવ તેની અભિવ્યક્તિ માટે અજોડ ગણાય છે. પોતે પુરુષ હોવા છતાં પુત્રીહૃદયથી ગરબા લખવા એ તેમની ખાસીયત હતી, જે તેમના મોટાભાગના ગરબાઓમાં દેખાય છે.

આખું નામ અવિનાશ અનંતરાય વ્યાસ ભારતીય સંગીત નિર્દેશક, ગીતકાર અને ગુજરાતી સિનેમાનાં ગાયક જેમણે ૧૯૦ કરતાં પણ વધુ ગુજરાતી ચલચિત્રોમાં સંગીત આપ્યું. તેમણે હિંદી અને ગુજરાતી ચલચિત્રો માટે ૧૨૦૦ ગીતોને સંગીતબદ્ધ કર્યા હતા. એમણે સંગીત આપેલા કુલ ગીતોની સંખ્યા આશરે ૧૦,૦૦૦ જેટલી છે.

Advertisement

તેમણે તેમના સમયનાં મોટાભાગનાં મુખ્ય ગીતકારો જેવા કે લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મોહમ્મદ રફી, મન્ના ડે, ઉષા મંગેશકર, ગીતા દત્ત, સમુમન કલ્યાણપુર, મુકેશ, હેમંત કુમાર, તલત મહેમૂદ, કિશોર કુમાર, મહેન્દ્ર કપૂર અને ઉષા મંગેશકર સાથે કામ કર્યું.
સરળતાથી વહેતા ઝરણાની જેમ એમને ગીત સ્ફૂરતાં અને સાથે જ લયકારી પણ સધાતી. વિના કષ્ટ, સહજ સ્વરબાંધણી સાથે જ આવેલી આ ગીતરચનાઓથી અવિનાશ વ્યાસે ગુજરાતને ગુંજતું કરી, ગુજરાતનાં ગીતો અને સ્વરોને ભારતમાં જ નહિ, વિદેશમાં પણ એક મોભો આપ્યો છે.

અવિનાશ વ્યાસ પોતાની કૃતિઓ જાતે જ સ્વરબદ્ધ કરતા હતા. તેમની રચનાઓ જેટલી કાવ્યમય હતી તેટલી જ સુરીલી પણ ખરી. ગુજરાતનાં લોકજીવન, સંસ્કારજીવનને ઉજાગર કરતા અનેક ગીતો તેમણે લખ્યાં અને સંગીતબદ્ધ કર્યાં. જેમણે ૨૫ વખત શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ સંગીત માટે ગુજરાત રાજ્ય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો.

ભારત સરકાર તરફથી ૧૯૬૯માં ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી મેળવ્યો ત્યારે હા ! તે દિવસે પદ્મશ્રી પુરસ્કારની ગરિમા ચોક્કસ વધી ગઈ.અવિનાશ વ્યાસને ન સાંભળ્યા હોય એ ગુજરાતી તો ન જ હોય પણ જો એમને નખશીખ જાણવા હોય તો Rajul Kaushik ની કલમે જ વંચાય..!! ✍🏼 વૈભવી જોશી

Advertisement

આ પણ વાંચો..Auckland ISKCON Temple: ઓકલેન્ડના ઇસ્કોન મંદિર ખાતે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી થઇ- જુઓ વીડિયો

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *