FICCI Annual Meeting: ઉદ્યોગપતિઓને PM મોદીની ટકોર: હવે માત્ર ભારતીય બજારના ભરોસે ન રહો, વૈશ્વિક બજાર પર ધ્યાન આપો
FICCI Annual Meeting: FICCIની 100મી વાર્ષિક બેઠકમાં વડાપ્રધાનની ઉદ્યોગજગતને આગામી 20 વર્ષ માટે વ્યૂહરચના બનાવવાની અપીલ; ફાર્મા, સ્ટીલ, એલ્યુમિનિયમ અને કૃષિ ક્ષેત્રમાં આયાત પરની નિર્ભરતા ઘટાડવા ભાર.
નવી દિલ્હી, 19 નવેમ્બર: FICCI Annual Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીમાં FICCIની 100મી વાર્ષિક સામાન્ય સભા અને વાર્ષિક પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગજગતને સંબોધિત કરતાં તેમણે ભારતીય કંપનીઓને આત્મનિર્ભરતા, ઉત્પાદનની ગુણવત્તા અને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક ક્ષમતા વધારવા માટે કામ કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતીય ઉદ્યોગોએ માત્ર સ્થાનિક બજાર પર આધાર રાખવાને બદલે વિશ્વના વિવિધ દેશોની જરૂરિયાતો સમજીને પોતાના ઉત્પાદનો અને વ્યવસાયનો વિસ્તાર કરવો જોઈએ.
FICCIની (FICCI Annual Meeting) સ્થાપનાનાં 100 વર્ષ પૂર્ણ થવાને મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવતાં વડાપ્રધાને કહ્યું કે આ સંસ્થાએ દેશની આર્થિક પ્રગતિમાં લાંબા સમયથી સક્રિય ભૂમિકા ભજવી છે. તેમણે ઉદ્યોગજગતને આગામી 20 વર્ષનાં લક્ષ્યો નક્કી કરવા અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન વધારવા અપીલ કરી હતી.
50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા હોવાનો દાવો
પોતાના સંબોધનમાં વડાપ્રધાને વિશ્વ બેંકના અહેવાલનો ઉલ્લેખ કરતાં દાવો કર્યો હતો કે છેલ્લા 12થી 13 વર્ષમાં 50 કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા છે. તેમણે કહ્યું કે યોગ્ય નીતિઓ અને પ્રયાસોથી દેશમાં મોટા ફેરફારો શક્ય બન્યા છે.
આ સાથે તેમણે ભારતનો આર્થિક વિકાસ દર આશરે 7 ટકા રહેવાના અંદાજ અને ઓક્ટોબર મહિનામાં લગભગ 50 અબજ ડોલરના માલસામાનની નિકાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, ભારતની આર્થિક કામગીરીને કારણે વિવિધ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ અને નાણાકીય સંસ્થાઓએ દેશના વિકાસના અંદાજમાં સુધારો કર્યો છે.
દવા અને સ્ટીલ ઉદ્યોગમાં આયાત પરની નિર્ભરતા ઘટાડવા ભાર
વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત દવા ઉદ્યોગમાં વિશ્વમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, પરંતુ તેમ છતાં દેશમાં સક્રિય ઔષધીય ઘટકો (API), બલ્ક ડ્રગ્સ અને ડ્રગ ઇન્ટરમિડિયેટ્સની મોટી માત્રામાં આયાત કરવામાં આવે છે. તેમણે ફાર્મા કંપનીઓને આ સામગ્રીનું સ્થાનિક ઉત્પાદન વધારવા અને નવી ટેક્નોલોજીમાં રોકાણ કરવા અપીલ કરી હતી.
पीएम मोदी ने उद्योग जगत से पूछा – “आप हमेशा और मांगते हैं, लेकिन क्या आपने कर्मचारियों की संख्या बढ़ाई? क्या उनकी सैलरी बढ़ाई?” बड़े उद्योगपतियों के सामने प्रधानमंत्री का यह सवाल अब चर्चा में है। #PMModi #FICCI #CorporateIndia #Jobs #SalaryHike #CorporateTax #IndianEconomy https://t.co/XToMzfQ7OH
— Desh ki Aawaz (@desh_aawaz) November 19, 2026
FICCI Annual Meeting: સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉદ્યોગનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે ભારત લોખંડના અયસ્ક અને બોક્સાઇટ જેવા ખનિજ સંસાધનોની નિકાસ કરે છે, પરંતુ તૈયાર સ્ટીલ અને વિશિષ્ટ એલ્યુમિનિયમ ઉત્પાદનોની આયાત પણ કરે છે. ઉદ્યોગોએ આવા ઉત્પાદનોનું ઉત્પાદન દેશમાં જ કરી શકાય તેવી ક્ષમતા વિકસાવવી જોઈએ, જેથી સ્થાનિક સ્તરે મૂલ્યવર્ધન વધે અને આયાત પરની નિર્ભરતા ઘટે.
કૃષિ અને ફૂડ પ્રોસેસિંગમાં રોકાણ વધારવાની અપીલ
વડાપ્રધાને જણાવ્યું હતું કે વૈશ્વિક કૃષિ નિકાસમાં ભારતનો હિસ્સો હજુ પણ આશરે 2થી 2.5 ટકા છે. તેમણે ઉદ્યોગજગતને કૃષિ ક્ષેત્રમાં રોકાણ વધારવા અને ફૂડ પ્રોસેસિંગને એક મોટી તક તરીકે જોવા અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં કૃષિ-ખાદ્ય નિકાસમાં પ્રોસેસ્ડ ફૂડનો હિસ્સો 13 ટકાથી વધીને 20 ટકાથી વધુ થયો છે. તેમના મતે, વિદેશી બજારોની માંગને સમજીને ઉત્પાદનો તૈયાર કરવા અને વિશ્વસનીય ખરીદી વ્યવસ્થા વિકસાવવાની જરૂર છે, જેથી ભારતીય કૃષિ ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ સ્થાન મળી શકે.
માત્ર સ્થાનિક બજાર પર આધાર રાખવાની માનસિકતા બદલવા સૂચન
વડાપ્રધાને ઉદ્યોગપતિઓને જણાવ્યું હતું કે 140 કરોડ લોકોનું ભારતીય બજાર કંપનીઓ માટે મોટી તક છે, પરંતુ તેને વેચાણની ખાતરી માનીને ચાલવું યોગ્ય નથી. ભારતીય ગ્રાહકોને પણ આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તાવાળા ઉત્પાદનો મળવા જોઈએ.
આ પણ વાંચો:- Operation Health: હાઈવેની હોટલો અને ઢાબા પર આજથી તપાસ, શરૂ થયું ‘ઓપરેશન હેલ્થ’
તેમણે કંપનીઓને વિદેશી ગ્રાહકોની પસંદગી, જરૂરિયાતો અને ગુણવત્તાના ધોરણોને સમજવા માટે રોકાણ કરવાની સલાહ આપી હતી. સાથે જ વૈશ્વિક બજારમાં પોતાની હાજરી મજબૂત કરવા માટે વિતરણ નેટવર્ક વિકસાવવા પર પણ ભાર મૂક્યો હતો.
કરવેરા અને વ્યવસાય સંબંધિત સુધારાઓનો ઉલ્લેખ
પોતાના સંબોધનમાં વડાપ્રધાને કોર્પોરેટ ટેક્સના દરમાં ઘટાડો, આવકવેરા રિટર્ન અને રિફંડની પ્રક્રિયાને સરળ બનાવવા તથા GST સુધારાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ ફેરફારોથી વ્યવસાય અને ગ્રાહકોને લાભ થયો છે.
વડાપ્રધાને ઉદ્યોગજગતને સરકાર સમક્ષ ખુલ્લા મનથી લેખિત સૂચનો રજૂ કરવા અને વ્યવસાયને વધુ સરળ બનાવવા માટે જરૂરી સુધારાઓ અંગે પોતાના વિચારો જણાવવા પણ અપીલ કરી હતી.
અંતમાં તેમણે કહ્યું હતું કે ભારત પાસે વૈશ્વિક બજારમાં પોતાની ઓળખ મજબૂત કરવાની મોટી તક છે. આ માટે ઉદ્યોગોએ ગુણવત્તા, ટેક્નોલોજી, ઉત્પાદન ક્ષમતા અને નવા બજારોમાં રોકાણ વધારવું પડશે. તેમણે વિકસિત ભારતને માત્ર એક સૂત્ર નહીં, પરંતુ દેશના 140 કરોડ નાગરિકોની સામૂહિક પ્રતિબદ્ધતા ગણાવી હતી.
