Hematocon 2026: અમદાવાદમાં ‘હેમેટોકોન-2026’નું ભવ્ય ઉદ્ઘાટન, 2,500થી વધુ તબીબી નિષ્ણાતો જોડાયા
Hematocon 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – રક્તદાન માનવતા દ્વારા મનુષ્યને અપાતી અમૂલ્ય ભેટ, રક્ત સંબંધી રોગોના વહેલા નિદાન અને સંશોધન પર ભાર મૂકવો જરૂરી
અમદાવાદ | આરોગ્ય ડેસ્ક, 14 નવેમ્બર: Hematocon 2026: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ઇન્ડિયન સોસાયટી ઓફ હેમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન (ISHBT)ની 67મી રાષ્ટ્રીય પરિષદ ‘હેમેટોકોન-2026’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ પરિષદ માત્ર તબીબી કે શૈક્ષણિક કાર્યક્રમ નથી, પરંતુ માનવજીવનની રક્ષા માટે જ્ઞાન, વિજ્ઞાન, સંશોધન અને સંવેદનશીલતાના સમન્વયનું શ્રેષ્ઠ મંચ છે. આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભારત સહિત અનેક દેશોના 2,500થી વધુ તબીબી નિષ્ણાતો, સંશોધકો અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશ-વિદેશમાંથી આવેલા તબીબો, સંશોધકો અને હેમેટોલોજી ક્ષેત્રના નિષ્ણાતોનું ગુજરાતની ધરતી પર સ્વાગત કર્યું હતું. તેમણે સૌને દીપાવલી પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી.
રક્તદાન માનવતાની સર્વોચ્ચ સેવા
Hematocon 2026: મુખ્યમંત્રીએ રક્તદાનનું મહત્ત્વ સમજાવતાં જણાવ્યું હતું કે શરીરમાં વહેતું રક્ત માત્ર એક પ્રવાહી નથી, પરંતુ જીવનની ગતિ, ઊર્જા અને માનવ અસ્તિત્વને ધબકતું રાખતું અમૂલ્ય તત્ત્વ છે. રક્તદાન માત્ર તબીબી પ્રક્રિયા નથી, પરંતુ એક મનુષ્ય દ્વારા બીજા મનુષ્યનો જીવ બચાવવા માટે આપવામાં આવતી અમૂલ્ય ભેટ છે.
આ પણ વાંચો:- India US Trade Deal: ભારતને અમેરિકાના વેપાર કરારમાં મળશે ટેરિફનો ફાયદો?
તેમણે રક્તદાનને માનવતાની સર્વોચ્ચ સેવા ગણાવીને સમાજના તમામ વર્ગના લોકોને આ સેવાકાર્યમાં જોડાવા અનુરોધ કર્યો હતો. જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને સુરક્ષિત રક્ત મળી રહે તે માટે સામૂહિક પ્રયાસો જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
રક્ત સંબંધી રોગોના વહેલા નિદાન પર ભાર
હેમેટોલોજી ક્ષેત્રના તબીબો અને નિષ્ણાતોની ભૂમિકાને સમાજ માટે દેવદૂત સમાન ગણાવતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રક્ત સંબંધી બીમારીઓનું વહેલું નિદાન, જિનેટિક કાઉન્સેલિંગ અને સતત સંશોધન દ્વારા સમાજને આ રોગો સામે સક્ષમ બનાવવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી આ ક્ષેત્રના નિષ્ણાતોની છે.
Hematocon 2026: થેલેસેમિયા, સિકલ સેલ એનેમિયા, હિમોફિલિયા અને બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે અસરકારક રીતે લડવા માટે તબીબી નિષ્ણાતો, સંશોધકો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને બ્લડ બેંકો વચ્ચે મજબૂત સંકલન જરૂરી છે. રોગની સારવારની સાથે સમયસર સ્ક્રીનિંગ, જાગૃતિ અને રોગનિવારણ પર પણ ધ્યાન આપવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી.
સ્વસ્થ નાગરિકો જ રાષ્ટ્રની સૌથી મોટી મૂડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત@2047’ના સંકલ્પનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્વસ્થ નાગરિકો જ રાષ્ટ્રની સૌથી મોટી મૂડી છે. ‘પહેલું સુખ તે નિરોગી કાયા’ના મંત્રને સાર્થક કરવા માટે નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ વધારવી જરૂરી છે.
તેમણે પ્રાકૃતિક ખેતી, યોગ અને પ્રાણાયામ, મિશન લાઇફ તથા ફિટ ઇન્ડિયા અભિયાન જેવી પહેલોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આવી ઝુંબેશો સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને તંદુરસ્ત સમાજના નિર્માણમાં યોગદાન આપી રહી છે.
ગુજરાતમાં આરોગ્ય સુરક્ષા કવચ રૂ. 10 લાખનું
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. આયુષ્માન ભારત યોજના હેઠળ મળતા રૂ. 5 લાખના આરોગ્ય કવચમાં રાજ્ય સરકારે વધુ રૂ. 5 લાખનો ઉમેરો કરીને નાગરિકો માટે કુલ રૂ. 10 લાખનું આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, સ્ટેમ સેલ થેરપી અને ઇમ્યુનોથેરાપી જેવી આધુનિક સારવાર પદ્ધતિઓ રક્ત સંબંધી ગંભીર બીમારીઓ સામે આશાનું નવું કિરણ બની રહી છે. આ ક્ષેત્રમાં સંશોધન અને આધુનિક તબીબી સુવિધાઓનો વિકાસ દર્દીઓ માટે મહત્ત્વપૂર્ણ છે.
ઈ-રક્તકોષ પ્લેટફોર્મનો ઉલ્લેખ
રક્તદાનને પ્રોત્સાહન આપવા અને જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી રક્ત ઉપલબ્ધ કરાવવા ભારત સરકાર દ્વારા વિકસાવવામાં આવેલા ઈ-રક્તકોષ (e-RaktKosh) ડિજિટલ પ્લેટફોર્મનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે ટેક્નોલોજીના(Hematocon 2026) ઉપયોગથી રક્તની ઉપલબ્ધતા અંગેની માહિતી એક જ સ્થળેથી મેળવી શકાય છે. આ વ્યવસ્થા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સરકારી અને ખાનગી બ્લડ બેંકો વચ્ચે સંકલન વધારવા તેમજ મેડિકલ કોલેજોમાં હેમેટોલોજી ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
રાજ્યમાં થેલેસેમિયા અને સિકલ સેલ એનેમિયા જેવી બીમારીઓના વહેલા નિદાન અને સ્ક્રીનિંગ માટે કરવામાં આવતી કામગીરીનો ઉલ્લેખ કરીને તેમણે આ ક્ષેત્રમાં સતત જાગૃતિ અને સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો માટે વૈજ્ઞાનિક મંચ
હેમેટોકોન-2026ના ઓર્ગેનાઇઝિંગ ચેરમેન લેફ્ટનન્ટ જનરલ (ડૉ.) વેલુ નાયરે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમણે ગુજરાતના વિકાસ અને રાજ્ય સરકાર દ્વારા તબીબી ક્ષેત્રે હાથ ધરવામાં આવતી વિવિધ પહેલો તથા યોજનાઓની પ્રશંસા કરી હતી.

ISHBTના સેક્રેટરી ડૉ. તુફાન કાંતિ ડોલાઈએ પરિષદના આયોજનની રૂપરેખા રજૂ કરતાં જણાવ્યું હતું કે હેમેટોકોન-2026 તબીબી શિક્ષણ, આરોગ્ય સંભાળ, વૈજ્ઞાનિક સંશોધન અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સહયોગની દિશામાં ગુજરાત માટે મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન બની રહ્યું છે. આ પરિષદથી આંતરરાષ્ટ્રીય તબીબી સંમેલનોના આયોજન માટે ગુજરાતનું સ્થાન વધુ મજબૂત બનશે અને વૈશ્વિક સ્તરના નિષ્ણાતોના જ્ઞાન તથા અનુભવોનો લાભ તબીબી જગત અને દર્દીઓને મળશે.
બ્લડ કેન્સર અને આધુનિક સારવાર પદ્ધતિઓ પર ચર્ચા
આ પરિષદમાં (Hematocon 2026) રક્ત સંબંધી વિવિધ વિકૃતિઓ, બ્લડ કેન્સર, સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન, સેલ્યુલર થેરાપી, ઇમ્યુનોથેરાપી અને પ્રિસિઝન મેડિસિન જેવા ક્ષેત્રોમાં નિદાન તથા સારવારની આધુનિક પદ્ધતિઓ અને સંશોધનની નવીનતમ પ્રગતિઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.
વૈજ્ઞાનિક ચર્ચા અને સંશોધન ઉપરાંત વિવિધ રક્ત સંબંધી રોગો અંગે જનજાગૃતિ કેળવવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સિકલ સેલ રોગ, થેલેસેમિયા, હિમોફિલિયા, એનિમિયા, લ્યુકેમિયા, અન્ય રક્ત કેન્સર અને ઇમ્યુન થ્રોમ્બોસાયટોપેનિયા (ITP) જેવા રોગો અંગે જાગૃતિ ફેલાવવાની પહેલ પણ આ પરિષદનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.
2,500થી વધુ પ્રતિનિધિઓની ભાગીદારી
હેમેટોકોન-2026માં ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, સ્પેન, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા, જાપાન, તાઇવાન, ચીન અને દક્ષિણ કોરિયા સહિતના દેશોના તબીબી નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે.
આ પરિષદમાં અગ્રણી હેમેટોલોજિસ્ટ્સ, હેમેટો-ઓન્કોલોજિસ્ટ્સ, મેડિકલ ઓન્કોલોજિસ્ટ્સ, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન્સ, પેથોલોજિસ્ટ્સ, સંશોધકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ સહિત 2,500થી વધુ પ્રતિનિધિઓ સહભાગી થઈ રહ્યા છે. આ પ્રસંગે સંસ્થાના સોવેનિયરનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ‘હેમેટોકોન-2026’ના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉ. અમિત ખુરાના, ISHBTના પ્રમુખ ડૉ. તથાગત ચેટર્જી, પ્રેસિડન્ટ (ઈલેક્ટ) ડૉ. તપન સાઇકિયા અને ઇન્ડિયન કૉલેજ ઓફ હેમેટોલોજી (ICH)ના પ્રમુખ ડૉ. રવિન્દ્ર જૈના સહિત દેશ-વિદેશના તબીબી નિષ્ણાતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
માનવસેવા અને સંશોધનને નવી દિશા
હેમેટોકોન-2026 દ્વારા રક્ત સંબંધી રોગોના નિદાન, સારવાર, સંશોધન અને જનજાગૃતિના ક્ષેત્રોમાં તબીબી નિષ્ણાતો વચ્ચે જ્ઞાનનું આદાનપ્રદાન થવાની તક ઊભી થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્તદાનને માનવસેવા અને પ્રભુસેવા સમાન ગણાવી સૌને આ કાર્યમાં જોડાવા અપીલ કરી હતી. સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા, વહેલું નિદાન અને આધુનિક સારવાર પદ્ધતિઓના વિકાસ દ્વારા સ્વસ્થ અને સક્ષમ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવાનો સંદેશ પણ તેમણે આપ્યો હતો.
