Tana Riri Mahotsav: વડનગરમાં 19-20 નવેમ્બરે તાના-રીરી મહોત્સવ
Tana Riri Mahotsav: બે દિવસીય સંગીત મહોત્સવમાં દેશના જાણીતા કલાકારોની પ્રસ્તુતિ; હેતલ મહેતા જોષી અને માલિની અવસ્થીને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરાશે
વડનગર/મહેસાણા, 18 નવેમ્બર: Tana Riri Mahotsav: ઐતિહાસિક નગરી વડનગરમાં ગુજરાતની સુપ્રસિદ્ધ સંગીત બેલડી તાના અને રીરીની સ્મૃતિમાં 19 અને 20 નવેમ્બર, 2026ના રોજ ‘તાના-રીરી મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ મહોત્સવમાં દેશના જાણીતા કલાકારો શાસ્ત્રીય સંગીત અને લોકકલાની પ્રસ્તુતિ કરશે.
મહોત્સવ વડનગરના ઘાસકોર દરવાજા પાસે આવેલા તાના-રીરી સમાધિ સ્થળે યોજાશે. બંને દિવસ સાંજે 6:30 કલાકે સંગીત કાર્યક્રમો શરૂ થશે, જેમાં વિવિધ સંગીત પરંપરાઓની રજૂઆત સાથે શ્રોતાઓને સંગીતમય સાંજનો અનુભવ કરાવવામાં આવશે.
આ પણ વાંચો:- Delhi Drug Lab: દિલ્હીમાં ગેરકાયદે ડ્રગ્સ લેબનો પર્દાફાશ, 148 કિગ્રા અલ્પ્રાઝોલમ જપ્ત
પ્રથમ દિવસે શાસ્ત્રીય સંગીત અને લોકકલાની રજૂઆત
Tana Riri Mahotsav: 19 નવેમ્બરના પ્રથમ દિવસે કાર્યક્રમની શરૂઆત કુમારી સૂર્યા ગાયત્રીના શાસ્ત્રીય ગાયનથી થશે. ત્યારબાદ પદ્મશ્રી પંડિત તેજેન્દ્ર નારાયણ અને કુમારેશ રાજગોપાલન શાસ્ત્રીય જુગલબંધી રજૂ કરશે. કાર્યક્રમના અંતિમ ચરણમાં હાર્દિક દવે લોકકલાની વિવિધ કૃતિઓ રજૂ કરીને સાંસ્કૃતિક વારસાની ઝલક આપશે.
બીજા દિવસે જાણીતા કલાકારોની પ્રસ્તુતિ
Tana Riri Mahotsav: 20 નવેમ્બરના બીજા દિવસે પંડિત જયતીર્થ મેવુન્ડી શાસ્ત્રીય ગાયનથી કાર્યક્રમનો પ્રારંભ કરશે. ત્યારબાદ પંડિત પૂર્વાયન ચેટર્જી અને તેમના વૃંદ દ્વારા શાસ્ત્રીય વાદનની રજૂઆત કરવામાં આવશે. ભૌમિક શાહ લોકકલાની વિશિષ્ટ પ્રસ્તુતિ સાથે મહોત્સવમાં રંગ ઉમેરશે.
તાના-રીરી એવોર્ડથી બે પ્રતિભાઓનું સન્માન
મહોત્સવ દરમિયાન સંગીત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર પ્રતિભાઓને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. વર્ષ 2026 માટે હેતલ મહેતા જોષી અને માલિની અવસ્થીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવશે.
તાના-રીરીની સંગીત સાધના સાથે જોડાયેલી ઐતિહાસિક પરંપરા
વડનગર તાના અને રીરીની (Tana Riri Mahotsav) સંગીત સાધના તથા ઐતિહાસિક વારસા માટે વિશેષ ઓળખ ધરાવે છે. લોકપ્રચલિત કથા અનુસાર, તાના અને રીરીએ રાગ મલ્હારના ગાનથી સંગીત સમ્રાટ તાનસેનને રાગ દીપકના કારણે થયેલી અસહ્ય ગરમીમાંથી રાહત આપી હતી. તાનસેનના શરીરમાં અગનજ્વાળાઓ જેવી સ્થિતિ સર્જાયા બાદ બંને બહેનોએ વડનગરના શર્મિષ્ઠા તળાવ નજીક મલ્હાર રાગ ગાયો હતો.
તાના-રીરીની સંગીત પ્રત્યેની આરાધના, પ્રતિભા અને સ્મૃતિને જીવંત રાખવાના હેતુથી દર વર્ષે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ મહોત્સવ શાસ્ત્રીય સંગીતની પરંપરાને પ્રોત્સાહન આપવા ઉપરાંત ગુજરાતના સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ પણ બની રહ્યો છે.
વહીવટી તંત્ર દ્વારા સંગીતપ્રેમીઓને બે દિવસીય મહોત્સવમાં ઉપસ્થિત રહી દેશના જાણીતા કલાકારોની પ્રસ્તુતિ માણવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
