Swamiji ni Vani part-09: મનુષ્ય ત્રણ પ્રકારનાં ઋણ કે કરજ સાથે જ જન્મ લેતો હોય છે: વિદિતાત્માનંદ સરસ્વતીજી

 પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી: ભાગ-09

ત્રણ પ્રકારનાં ઋણ(Swamiji ni Vani part-09)

 Swamiji ni Vani part-09: મનુષ્ય જન્મ્યો ત્યારથી જ તે ત્રણ પ્રકારનાં ઋણ કે કરજ લઈને જન્મ્યો છે: પિતૃઋણ, ઋષિઋણ અને દેવઋણ.

Swamiji ni Vani part-09: પ્રત્યેક મનુષ્ય માતા-પિતાનો અને પૂર્વજોનો ઋણી છે. માતા-પિતાએ આપણને આ દેહ આપ્યો છે. એટલું જ નહીં, પરંતુ તેનું લાલન-પાલન કરી, પાળી-પોષીને તેને મોટો કર્યો. બાળકને ઉછેરતાં કેટલી મુશ્કેલી પડે છે ? છોકરો માંદો થયો હોય, સતત રડ્યા કરતો હોય, ત્યારે માતાને રાતોની રાતો ઉજાગરા કરવા પડે. દીકરો-દીકરી બહારથી મોડાં ઘરે આવે, ત્યારે ‘એને શું થયું હશે ?’ એવી કેટલીયે ચિંતા માતા-પિતાએ કરી હશે, કેટલાં ઊંચાં-નીચાં થયાં હશે !

આજે તો છોકરો મોડો ઘરે આવે અને માતા-પિતા સહેજ પૂછે કે પેલો તરત જ ગુસ્સે થઈ જાય: ‘શું કચકચ કર્યા કરો છો ? શું થવાનું હતું ? મોડો આવ્યો તેથી શું થઈ ગયું ?’ મા કહેશે, ‘બેટા, ચાલ જમી લે.’ તરત જ જવાબ મળે : ‘મને ભૂખ નથી. મેં તો બહાર ખાઈ લીધું.’ માતા-પિતા એની વાટ જોઈને ભૂખ્યાં બેઠાં હોય એની એને દરકાર નથી. આમ, આપણે ભાગ્યે જ ચિંતા કરતા હોઈએ છીએ કે આપણી કેટકેટલી દરકાર કરવામાં આવી હતી !

આપણે ઋષિઓના પણ ઋણી છીએ. જ્ઞાનનો જે કાંઈ ભંડોળ આપણી પાસે છે તે આ ઋષિઓને કારણે છે. ઋષિઓ એટલે શિક્ષકો, વૈજ્ઞાનિકો, તત્ત્વવેત્તાઓ, ચિંતકો જેમણે જ્ઞાન મેળવવા કે જાળવી રાખવા માટે આખું જીવન સમર્પિત કરી દીધું હોય. કેટકેટલા વૈજ્ઞાનિકોએ, કેટકેટલી શોધ માટે કેટકેટલા પ્રયત્નો કર્યા છે ! વસ્તુના પરીક્ષણ માટે ક્યારેક એ લોકો પોતાની ઉપર પણ પ્રયોગ કરે છે ! એમાં કેટલાકે પોતાના જાન પણ ગુમાવ્યા છે.

આમ, હજારો વર્ષોથી કેટકેટલા શિક્ષકોએ, આચાર્યોએ, ચિંતકોએ, વૈજ્ઞાનિકોએ કેટલો પ્રયત્ન કરીને જ્ઞાનનું આ ભંડોળ ઊભું કર્યું ત્યારે આપણે અત્યારે આ વિવિધ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. અરે, ભગવાન શંકરાચાર્યે ભગવદ્‌ગીતા-ઉપનિષદ ઉપર ભાષ્યની રચના ન કરી હોત તો એ ગ્રંથોનાં રહસ્ય આપણને સમજાત જ નહીં. વ્યાસ ભગવાને બ્રહ્મસૂત્ર ન રચ્યાં હોત તો ઉપનિષદો કદાચ રહસ્ય જ રહેત. ઋષિઓ દ્વારા ઉપનિષદ પ્રગટ ન કરાયાં હોત તો આપણે જીવનનું રહસ્ય સમજી શક્યા ન હોત. આપણે આ સૌ આચાર્યોના, ઋષિઓના ઋણી છીએ. આપણે કર્મ કે વ્યવહાર કરીએ ત્યારે આ હકીકત પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ.

 અને ત્રીજું ઋણ છે દેવઋણ, દેવતાઓનું ઋણ. દેવતાઓ એટલે જગતનું સંચાલન કરતાં વિવિધ તત્ત્વો, વિવિધ પરિબળો. આ દેવતાઓ આપણી જુદી જુદી ઇન્દ્રિયોમાં અંશરૂપે નિવાસ કરતા હોય છે અને તેમના અનુગ્રહથી જ આપણા દેહનાં સઘળાં કાર્યો થતાં હોય છે. વાણીના દેવતા છે અગ્નિ. અગ્નિની કૃપા હોય તો જ વાણી બોલી શકાય. કાનના દેવતા છે દિગ્‌દેવતા. એની કૃપા હોય તો જ શબ્દો સાંભળી શકાય. આ દેવતાઓ મૂકપણે નિરંતર આપણી સેવા કરતા જ રહે છે અને તેથી આપણે એમના ઋણી છીએ.

 આપણે કર્મ કે વ્યવહાર કરીએ ત્યારે આ સઘળાં ઋણને ધ્યાનમાં રાખીને જ કરીએ.

આ પણ વાંચો:-Umrione umbare part-04: બેલા કહે; અરે સખી! પહેલા મને ફ્રેશ થવા દે મારે  ડોક્ટરને ત્યાં કામ પર જવાનું છે.. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *