Naman munshi image 600x337 1

5 states election 2022: લોભ, લાલચ, લાચારીની લણણીની ઋતુ એટલે ચૂંટણી

5 states election 2022: આ પાંચ રાજ્યમાંથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપની સરકાર છે અને પંજાબમાં કોંગ્રેસની સરકાર છે

5 states election 2022: ૨૦૨૨ની શરૂઆત થતા જ ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણી માટેનું બ્યુગલ ફૂંકાયું છે. દસ ફેબ્રુઆરીથી શરુ થનાર આ પાંચ રાજ્યોની ચૂંટણી દસ માર્ચના દિવસે પરિણામ સાથે પુરી થશે. આ પાંચ રાજ્યમાંથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપની સરકાર છે અને પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. આ ચૂંટણીનું પરિણામ અનેક પરિમાણો સર્જાશે અને તેનો પ્રભાવ આગામી ૨૦૨૪ના લોકસભા પર પણ પડશે.

તાજેતરમાં જ ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થયો છે, પરંતુ તેની અસર હજી યથાવત છે એટલે ગુજરાતમાં તો પતંગનો માહોલ પણ જામ્યો છે. રાજકીય આકાશમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનો પતંગ મજબૂતી સાથે હવામાં ઉડી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી માટે પોતાનો પતંગ ચાર રાજ્યમાં અને તેમાંય ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને ગોવામાં ચગતો રાખવો ખુબ જ જરૂરી છે કેમ કે આ ચૂંટણી ભાજપ માટે હાર-જીતનો નહિ પ્રતિષ્ઠાનો મુદ્દો છે. ભાજપને માટે ઉત્તર પ્રદેશના પરિણામ ૨૦૨૨માં ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં યોજાનાર તેમજ ૨૦૨૪ના દરેક ઈલેક્શન પર પ્રભાવ પાડશે. અત્યારે તો અખિલેશ યાદવના નેતૃત્વ હેઠળ સમાજવાદી પાર્ટી જ આક્રમક ટક્કર આપતી નજરે પડે છે. બસપા રાજનેત્રી માયાવતી રહસ્યમય ચુપકીદી ધારણ કરી બેઠા છે, આડકતરી રીતે તે પણ અખિલેશ યાદવને સપોર્ટ કરી રહી હોય એમ લાગે છે. કોંગ્રેસ માટે ઉત્તર પ્રદેશમાં કાંઈ ઉકાળવા જેવું છે જ નહિ. કોંગ્રેસે આ વખતે પ્રિયંકા પર દાવ ખેલ્યો છે અને પ્રિયંકા એ ‘લડકી હું લડ સકતી હું’ નારો આપી થોડીઘણી ઉત્સુકતા જગાવી છે પરંતુ આ સ્લોગનની પોસ્ટર લેડી જ પ્રિયંકા અને કોંગ્રેસને મહિલા અને ઓબીસી વિરોધી બતાવી નારાજ થઇ ગઈ છે.  

ઉત્તર પ્રદેશમાં રામ મંદિર મુદ્દે હિંદુઓ અને ૩૭૦ કલમ હટાવવાને મુદ્દે રાષ્ટ્રભક્તોના કેટલા મત ભાજપની તરફેણમાં પડે છે તે જેવું રસપ્રદ રહેશે.

ગોવા, ઉત્તરાખંડ અને મણિપુર પણ ભાજપને ગુમાવવું પોષાય તેમ નથી. આ ચારમાંથી એક પણ રાજ્યમાં ભાજપની હાર વિપક્ષને માટે તારણહાર સાબિત થશે.

પંજાબની વાત કરીએ તો ભાજપ માટે અહીં જેટલું મળ્યું એટલો નફો છે કેમકે અકાલી દળ સાથે રહીને છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જબરી પછડાટ ખાધી છે. કોંગ્રેસ માટે પંજાબ અત્યારે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યું છે. એક તરફ મોવડી મંડળ માટે પંજાબમાં સત્તા જાળવી રાખવાનો પ્રશ્ન છે તો બીજી તરફ પંજાબ પ્રદેશ નેતા સિધ્ધુ જ વિચિત્ર ઉધામા વખતોવખત કરી પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યો છે. ગઈ ચૂંટણીમાં કૅપ્ટન અમરિન્દર સિંહને કારણે જ કોંગ્રેસ જીત્યું હતું પરંતુ કેટલાક વહેમમાં કોંગ્રેસે તેને જ પાર્ટી બહારનો રસ્તો પકડવા મજબુર કરી દીધા. તેમને નવો પક્ષ રચી, ભાજપ સાથે સંગઠન કર્યું છે. આ કોંગ્રેસ માટે બહુ મોટો પડકાર સાબિત થશે.

આમ આદમી પાર્ટી પંજાબમાં નવાજુની કરે તો નવાઈ નહિ કેમ કે દિલ્હીની જ જીતની ફોર્મ્યુલા અપનાવતા આમ આદમી પાર્ટીએ પંજાબમાં મફત-મફતની લ્હાણી કરી છે. ઉપરાંત મહિલાઓને એક એક હજાર રૂપિયા ઘરબેઠા આપવાની જાહેરાત પણ કરી છે. આ મફત અને ઘરબેઠા રૂપિયાની લાલચ નાગરિકોને નકારા અને નિકમ્મા બનાવી દે છે. એક સમયે કોંગ્રેસ દ્વારા અમલમાં મુકાયેલ ‘મનરેગા’ યોજના ભ્રષ્ટાચાર અને કૌભાંડ ઉપરાંત ‘ખાડા ખોદો અને દેશને ખાડામાં નાખો’ યોજના બની ગઈ હતી.

રાજકારણીઓ દેશની અડધી વસ્તી એવી મહિલાઓને લોભ અને લાલચમાં નાખી મતની લણણી કરવા માગે છે. મફત વીજળી અને મફત ફલાણું-ઢીકણું કરતા રાજકીય પક્ષો માટે સત્તા જ મહત્વની છે. આ માટે તેઓ રાજ્ય કે દેશના અર્થતંત્રને જ નહિ સમગ્ર નાગરિકોની નૈતિકતા સુધ્ધાં લાચાર કરી નાખે છે.      

આ પણ વાંચોઃ The beginning of indian cinema: જ્યારે ફાળકે બળદગાડામાં પ્રોજેક્ટર, પરદો ને ફિલ્મ લઇ શો કરવા જતા

Whatsapp Join Banner Guj