Maa durga

Chaitri Navratri: માતા દુર્ગાનાં નવ અલગ-અલગ સ્વરૂપોની આરાધના

ચૈત્રી નવરાત્રિ (Chaitri Navratri) ખરાં અર્થમાં મહાપર્વ છે. ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ નોમ માતાનાં અનુષ્ઠાન માટે ઉત્તમ ગણવામાં આવે છે. આ દિવસોમાં માતા દુર્ગાનાં નવ અલગ-અલગ સ્વરૂપોની આરાધનાં કરવામાં આવે છે. તેથી આ તહેવાર નવ દિવસ સુધી મનાવવામાં આવે છે. વેદ પુરાણમાં મા દુર્ગાને શક્તિનું રૂપ માનવામાં આવેલું છે. જે અસુરોથી આ સંસારની રક્ષા કરે છે.

Banner Vaibhavi joshi

નવરાત્રિનાં સમયે માતાનાં ભક્તો તેમનાથી પોતાના સુખી જીવન અને સમૃદ્ધિની કામના કરે છે. નવરાત્રિનાં નવ દિવસ દરમ્યાન હું રોજ માતાનાં અલગ-અલગ સ્વરૂપ વિશે વાત કરીશ પણ આજે સહુથી પહેલાં જાણીયે માતા દુર્ગાનાં નવ સ્વરૂપો વિશે:

૧. મા શૈલપુત્રી

૨. મા બ્રહ્મચારિણી

૩. મા ચંદ્રઘંટા

૪. મા કુષ્માંડા

૫. મા સ્કંદમાતા

૬. મા કાત્યાયની

૭. મા કાલરાત્રિ

૮. મા મહાગૌરી

૯. મા સિદ્ધિદાત્રી

એકમ તિથિએ કળશ સ્થાપનાં સાથે જ નોરતાંની શરૂઆત થાય છે. ઘટ સ્થાપનાં કરીને ભગવાન ગણેશની વંદના કરવામાં આવે છે. નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનાં ‘‘શૈલપુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત અને આ પર્વત પુત્રી એટલે મા દુર્ગાનું પ્રથમ રૂપ ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે.

પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે. હિમાલય આપણી શક્તિ, દૃઢતા, આધાર તથાં સ્થિરતાનો પ્રતીક છે. માતા શૈલપુત્રીને અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.

वन्दे वांछितलाभाय चंद्राद्र्धकृतशेखराम।

वृषारूढ़ा शूलधरां शैलपुत्रीं यशस्विनीम।।

એટલે કે મા ભગવતી આપ સમસ્ત મનુષ્યોને મનવાંછિત લાભ અને ફળ આપનારા છો. તમે વૃષભ પર બિરાજમાન થઈ ત્રિશુલ અને કમળ ધારણ કરો છો. તમારાં ભાલમાં દિવ્ય તેજ સમાન ચંદ્રમાંને ધારણ કરેલ છે. હે મા શૈલપુત્રી તમે યશસ્વિની છો. સમસ્ત જગતને, ભક્તોને યશ અને તમામ સુખ આપનારા છો અને ભક્તોની રક્ષા કરનારા છો.

એમની કથા પણ રસપ્રદ છે. પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીનાં રૂપે જન્મ્યાં હતાં. ત્યારે સતી નામ હતું. તેમના લગ્ન ભગવાન શિવજી સાથે થયેલા. એક વખત દક્ષે મહાન યજ્ઞનું આયોજન કર્યું, પણ તેમાં શિવજીને આમંત્રણ ન આપ્યું તેમ જ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યું. બીજા દેવીદેવતાને નિમંત્રણ આપ્યું તેમ જ એમને ફળભાગ પણ આપ્યા. માતા સતીને પિતાનાં ઘરે યજ્ઞમાં જવાની ઇચ્છા થઈ અને પોતાનાં માતા-પિતા, બહેનોને મળવાની ઇચ્છા થઈ, શિવજીએ ના પાડવા છતાં માતા સતી માન્યાં નહીં અને અંતે ભગવાનને રજા આપી.

તેઓ પિયર ગયાં પણ ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો. બાકી પિતા, બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યાં. આ જોઈ માતા સતી દુઃખી થયાં. તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ભગવાન શિવજી માટે પણ બધાંને તિરસ્કારભાવ હતો. દક્ષરાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા. શિવજીની વાત ન માની માતા સતીને અહીં આવી દુઃખ થયું અને પતિનું અપમાન સહન ન થતાં પોતાના શરીરને યોગાગ્નિમાં ભષ્મ કરી લીધું.

વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શિવજી ક્રોધે ભરાયા અને યજ્ઞનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા. ગણોએ યજ્ઞનો ધ્વંસ કર્યો. એ જ મા સતીએ બીજા જન્મમાં હિમાલયની પુત્રીરૂપે જન્મ લીધો. તેમને પાર્વતી અને હેમવતી પણ કહે છે. ઉપનિષદ કથા પ્રમાણે માતા હેમવતીએ પોતાના સ્વરૂપથી દેવતાઓનો ગર્વ પણ ખંડિત કર્યો હતો અને બીજા જન્મમાં પણ શિવજી સાથે તેમનાં લગ્ન થયાં હતા.

મા શૈલપુત્રીની કૃપા આપના અને આપના પરિવાર પર સદાય બની રહે એવી શુભેચ્છાઓ..!!

या देवी सर्वभूतेषु शैलपुत्री रूपेण संस्थिता |

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ||

આ પણ વાંચો:-Web Series Yuddha: દેવેન્દ્ર પટેલ દ્વારા લખાયેલી વેબ સિરીઝ “યુદ્ધ”ના શૂટિંગનું શુભ મૂહુર્ત કરાયું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો